Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રાકૃતિક ખેતી અંગે રાષ્ટ્રીય સંમેલનમાં પ્રધાનમંત્રીએ ખેડૂતોને સંબોધન કર્યું

પ્રાકૃતિક ખેતી અંગે રાષ્ટ્રીય સંમેલનમાં પ્રધાનમંત્રીએ ખેડૂતોને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગેના એક રાષ્ટ્રીય સંમેલનમાં ખેડૂતોને સંબોધ્યા હતા. કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી અમિત શાહ, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આઝાદીના 100મા વર્ષ સુધીની યાત્રાની નવી જરૂરિયાતો, નવા પડકારો મુજબ ખેતીમાં જરૂરી ફેરફારો કરવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે છેલ્લાં 6-7 વર્ષોમાં, ખેડૂતોની આવક વધારવા માટે, બીજથી બજાર સુધી ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે. સોઇલ ટેસ્ટિંગથી લઈને નવાં સેંકડો બિયારણ સુધી, પીએમ કિસાન સન્માન નિધિથી લઈને ઉત્પાદન ખર્ચના દોઢ ગણા લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) નક્કી કરવા સુધી, સિંચાઇથી લઈને કિસાન રેલનાં મજબૂત નેટવર્ક સુધી, આ દિશામાં એ ક્ષેત્રે પગલાં લેવાયાં છે. તેમણે આ કાર્યક્રમમાં જોડાયેલા દેશભરના ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા.

હરિત ક્રાંતિમાં રસાયણ અને ખાતરોની અગત્યની ભૂમિકાનો સ્વીકાર કરતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે એના વિકલ્પો પર સાથે સાથે કામ કરવાની જરૂર છે. તેમણે જંતુનાશકો અને આયાતી ખાતરોના ખતરા સામે ચેતવણી આપી હતી જે ઉત્પાદન ખર્ચ વધારવાની સાથે આરોગ્યને નુકસાન કરવા તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે કૃષિ સંબંધી સમસ્યાઓ વિકરાળ બને એ પહેલાં મોટાં પગલાં લેવાનો આ યોગ્ય સમય છે. “આપણે આપણી ખેતીને રાસાયણિક લૅબમાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવી જ રહી. હું જ્યારે પ્રકૃતિની પ્રયોગશાળાની વાત કરું છું ત્યારે એ સંપૂર્ણ વિજ્ઞાન આધારિત જ છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ જેમ વધુ આધુનિક બની રહ્યું છે, એમ તે વધારે ‘બેક ટુ બેઝિક’ (મૂળ તરફ પાછા વળો) તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “એનો મતલબ છે કે તમારાં મૂળ સાથે જોડાવ. આપ સૌ ખેડૂત મિત્રો કરતા વધારે સારી રીતે આ કોણ સમજે છે? આપણે જેટલું મૂળિયાંને સિંચીએ છીએ, છોડ એટલો જ વિકાસ કરે છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે “આપણે ખેતીનાં પ્રાચીન જ્ઞાનને ફરી શીખવાની જરૂર છે, એટલું જ નહીં પણ એને આધુનિક સમય માટે વધારે ધારદાર પણ બનાવવાનું છે. આ દિશામાં, આપણે સંશોધન ફરીથી કરવું પડશે, પ્રાચીન જ્ઞાનને આધુનિક વૈજ્ઞાનિક માળખામાં ઢાળવું પડશે.” પ્રધાનમંત્રીએ મળેલા ડહાપણ અંગે સતર્ક રહેવા જણાવ્યું હતું. પરાળ- પાકનાં અવશેષો બાળવાની હાલની પરંપરાને ટાંકતા તેમણે કહ્યું કે નિષ્ણાતોએ સ્થાપિત કર્યું છે કે ખેતરને બાળવાથી ધરા એની ફળદ્રુપતાની ક્ષમતા ગુમાવી દે છે એમ છતાં આમ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે એવો ભ્રમ પણ પેદા થયો છે કે રસાયણો વિના પાક સારો નહીં થાય. જ્યારે હકીકત એનાથી સાવ વિપરિત છે. અગાઉ કોઇ રસાયણો ન હતા પરંતુ પાક સારો થતો હતો. માનવતાના વિકાસનો ઇતિહાસ એનો સાક્ષી છે, એમ તેમણે કહ્યું હતું. “નવી બાબતો શીખવાની સાથે, આપણે આપણી ખેતીમાં ધીમે ધીમે ઘર કરી ગયેલી ખોટી પદ્ધતિઓને ભૂલવાની જરૂર છે,” એમ તેમણે કહ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે આઇસીએઆર, કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જેવી સંસ્થાઓ કાગળથી આગળ વ્યવહારૂ સફળતા સુધી લઇ જઈને આમાં મોટી ભૂમિકા અદા કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતીથી સૌથી વધારે લાભ દેશના 80 ટકા ખેડૂતોને થવાનો છે. આ નાના  ખેડૂતો પાસે બે હૅક્ટર્સ કરતા ઓછી જમીન છે. આમાંના મોટા ભાગના ખેડૂતો રાસાયણિક ખાતરો પર ઘણો ખર્ચ કરે છે. જો તેઓ કુદરતી ખેતી તરફ વળે તો એમની સ્થિતિ વધારે સારી થશે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ દરેક રાજ્ય, દરેક રાજ્ય સરકારને અનુરોધ કર્યો કે તે આગળ આવે અને પ્રાકૃતિક ખેતીને જનસમૂહની ચળવળ બનાવે. આ અમૃત મહોત્સવમાં, દરેક પંચાયતનાં ઓછાંમાં ઓછાં એક ગામને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના પ્રયાસો થવા જોઇએ, એમ તેમણે આગ્રહ રાખ્યો હતો.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું કે આબોહવા ફેરફાર શિખર બેઠકમાં તેમણે વિશ્વને ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ એટલે કે લાઇફ-જીવન એક વૈશ્વિક મિશન માટે અનુરોધ કર્યો હતો. ભારત અને એના ખેડૂતો આ બાબતે 21મી સદીમાં આગેવાની લેવાના છે. આપણે સૌ આઝાદીના આ અમૃત મહોત્સવમાં મા ભારતીની ધરાને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લઈએ એમ પ્રધાનમંત્રીએ લોકોને હાકલ કરી હતી.

પ્રાકૃતિક ખેતી અંગેનાં રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ગુજરાત સરકારે કર્યું હતું. આ ત્રિ-દિવસીય સમિટ 14મીથી 16મી ડિસેમ્બર, 2021 દરમ્યાન આયોજિત થઈ હતી. એમાં કેન્દ્રીય સંસ્થાઓ આઇસીએઆર, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને આત્મા (એગ્રિકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી)ના રાજ્યોના નેટવર્ક મારફત લાઇવ જોડાયેલા ખેડૂતો ઉપરાંત 5000થી વધુ ખેડૂતોએ હાજરી આપી હતી.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com