પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8થી 9 જાન્યુઆરી, 2025 સુધી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ અને ઓડિશાની મુલાકાત લેશે. સ્થાયી વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને માળખાગત સુવિધામાં વૃદ્ધિ માટે વિસ્તૃત કામગીરીનાં ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી 8 જાન્યુઆરીનાં રોજ સાંજે 5:30 વાગ્યે વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ 9 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે ભુવનેશ્વરમાં 18માં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનનું ઉદઘાટન પણ કરશે.
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં
હરિત ઊર્જા અને ટકાઉ ભવિષ્ય માટે પોતાની પ્રતિબદ્ધતા તરફ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે અત્યાધુનિક એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ માટે શિલારોપણ કરશે, જે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ છે. આ પ્રોજેક્ટમાં આશરે ₹1,85,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમાં 20 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાઓમાં રોકાણ સામેલ હશે, જે તેને 1500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન અને 7500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝ, ગ્રીન મિથેનોલ, ગ્રીન યુરિયા અને સસ્ટેઇનેબલ એવિએશન ઇંધણ સહિત 7500 ટીપીડી ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓમાંની એક બનાવશે, જે મુખ્યત્વે નિકાસ બજારને લક્ષ્યાંક બનાવે છે. આ પ્રોજેક્ટ વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટની ભારતની બિન–અશ્મિભૂત ઊર્જા ક્ષમતાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં નોંધપાત્ર પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં રૂ. 19,500 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે અને રોડ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને ઉદઘાટન કરશે, જેમાં અન્ય વિવિધ પ્રોજેક્ટની સાથે–સાથે વિશાખાપટ્ટનમમાં સાઉથ કોસ્ટ રેલવેનાં હેડક્વાર્ટરનો શિલાન્યાસ સામેલ છે. આ વિવિધ પ્રોજેક્ટથી ગીચતામાં ઘટાડો થશે, કનેક્ટિવિટીમાં સુધારો થશે તથા પ્રાદેશિક સામાજિક અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે.
સુલભ અને વાજબી હેલ્થકેરનાં પોતાનાં વિઝનને આગળ વધારીને પ્રધાનમંત્રી અનકપલ્લીમાં નક્કાપલ્લીમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. બલ્ક ડ્રગ પાર્ક વિશાખાપટ્ટનમ–ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોર (વીસીઆઈસી) અને વિશાખાપટ્ટનમ–કાકીનાડા પેટ્રોલિયમ, કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની નિકટતાને કારણે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે હજારો રોજગારીનું સર્જન કરશે.
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લામાં ચેન્નાઈ બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોર અંતર્ગત ક્રિષ્નાપટ્ટનમ ઔદ્યોગિક વિસ્તાર (કેઆરઆઈએસ સિટી)નો શિલાન્યાસ પણ કરશે. નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ ક્રિષ્નાપટ્ટનમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા (ક્રિસ સિટી)ની કલ્પના ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹10,500 કરોડના નોંધપાત્ર ઉત્પાદન રોકાણોને આકર્ષવા માટે તૈયાર છે અને આશરે 1 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે તેવી ધારણા છે, જે આજીવિકામાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રાદેશિક પ્રગતિને વેગ આપશે.
પ્રધાનમંત્રી ઓડિશામાં
પ્રધાનમંત્રી ઓડિશામાં 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરશે. પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) કન્વેન્શન ભારત સરકારનું મુખ્ય આયોજન છે, જે પ્રવાસી ભારતીયોને જોડવા અને તેમની સાથે જોડાવા તથા તેમને એકબીજા સાથે આદાનપ્રદાન કરવા સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ઓડિશાની રાજ્ય સરકારની ભાગીદારીમાં 8થી 10 જાન્યુઆરી, 2025 સુધી ભુવનેશ્વરમાં થઈ રહ્યું છે. આ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની થીમ “વિકસિત ભારતમાં પ્રવાસી ભારતીયોનું પ્રદાન” છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લેવા માટે વિવિધ 50થી વધારે દેશોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી ભારતીયોએ નોંધણી કરાવી છે.
પ્રધાનમંત્રી પ્રવાસી ભારતીયો માટે વિશેષ પ્રવાસી ટ્રેન પ્રવાસી ભારતીય એક્સપ્રેસની ઉદ્ઘાટન યાત્રાને રિમોટથી લીલી ઝંડી આપશે, જે દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ઉપડશે તથા ત્રણ અઠવાડિયાનાં ગાળા માટે ભારતમાં પ્રવાસન અને ધાર્મિક મહત્ત્વનાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસી ભારતીય એક્સપ્રેસ પ્રવાસી તીર્થ દર્શન યોજના હેઠળ ચલાવવામાં આવશે.
AP/IJ/GP/JD