પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બર, 2020ના રોજ સવારે 11:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આગ્રા મેટ્રો પરિયોજનાના નિર્માણનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ આગ્રાના 15 બટાલિયન પીએસી પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે.
આગ્રા મેટ્રો પરિયોજના વિશે
આગ્રા મેટ્રો પરિયોજનામાં કુલ 29.4 કિ.મી.ની લંબાઈવાળા 2 કોરિડોરનો સમાવેશ થાય છે અને તે તાજમહેલ, આગ્રા કિલ્લો, સિકંદ્રા જેવા મુખ્ય પર્યટક આકર્ષણોને રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડે છે. આ પરિયોજનાથી આગ્રા શહેરની 26 લાખ વસ્તીને ફાયદો થશે અને દર વર્ષે આગ્રાની મુલાકાત લેનારા 60 લાખથી વધુ પ્રવાસીઓની પણ પૂર્તિ કરવામાં આવશે. તે ઐતિહાસિક શહેર આગ્રાને પર્યાવરણને અનુકૂળ માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પ્રદાન કરશે. આ પરિયોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા 8,379.62 કરોડ છે. આ પરિયોજના 5 વર્ષમાં પૂર્ણ થશે.
આ અગાઉ 8મી માર્ચ 2019ના રોજ પ્રધાનમંત્રીએ ‘સીસીએસ એરપોર્ટથી મુન્શીપુલીયા’ સુધીના સમગ્ર 23 કિમી લાંબા ઉત્તર-દક્ષિણ કોરિડોર પર લખનઉ મેટ્રોના વ્યાપારી કામગીરી શરૂ કરવાની સાથે-સાથે આગ્રા મેટ્રો પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.
SD/GP/BT