‘તમામ માટે આવાસ‘ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન–સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી જેજે ક્લસ્ટરમાં રહેતા લોકો માટે 1,675 નવા નિર્મિત ફ્લેટ્સનું ઉદઘાટન કરશે અને દિલ્હીનાં અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં યોગ્ય લાભાર્થીઓને ચાવી પણ સુપરત કરશે. નવનિર્મિત ફ્લેટ્સનું ઉદઘાટન દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા બીજા સફળ ઇન–સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટની પૂર્ણાહુતિની નિશાની છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ દિલ્હીમાં જેજે ક્લસ્ટરના રહેવાસીઓને યોગ્ય સુવિધાઓ અને સુવિધાઓથી સજ્જ વધુ સારું અને તંદુરસ્ત રહેવાનું વાતાવરણ પ્રદાન કરવાનો છે.
સરકાર દ્વારા ફ્લેટના બાંધકામ પર ખર્ચવામાં આવતા દર રૂ. 25 લાખ માટે, પાત્ર લાભાર્થીઓ કુલ રકમના 7% કરતા ઓછી રકમ ચૂકવે છે, જેમાં નજીવા યોગદાન તરીકે રૂ. 1.42 લાખ અને પાંચ વર્ષની જાળવણી માટે રૂ. 30,000નો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી બે શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ – નૌરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબલ્યુટીસી) અને સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોસોડેશન (જીપીઆરએ) ટાઇપ -2 ક્વાર્ટર્સનું પણ ઉદઘાટન કરશે.
નૌરોજી નગર ખાતેના વર્લ્ડ ટ્રેડ સેન્ટરે 600થી વધુ જર્જરિત ક્વાર્ટર્સના સ્થાને અત્યાધુનિક કોમર્શિયલ ટાવર્સ મૂકીને આ વિસ્તારની કાયાપલટ કરી છે, જેમાં આશરે 34 લાખ ચોરસ ફૂટ પ્રીમિયમ કોમર્શિયલ સ્પેસ અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ગ્રીન બિલ્ડિંગ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઝીરો–ડિસ્ચાર્જ કન્સેપ્ટ, સૌર ઊર્જાનું ઉત્પાદન અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવી જોગવાઈઓ સામેલ છે.
સરોજિની નગર સ્થિત જીપીઆરએ ટાઇપ-2 ક્વાર્ટર્સમાં 28 ટાવર્સ સામેલ છે, જેમાં 2,500થી વધારે રહેણાંક એકમો છે, જે આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે અને જગ્યાનો અસરકારક ઉપયોગ કરે છે. આ પ્રોજેક્ટની ડિઝાઇનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સુએઝ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને સૌર ઊર્જાથી ચાલતા વેસ્ટ કોમ્પેક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઇકો–કોન્શિયસ જીવનને પ્રોત્સાહિત કરે છે.
પ્રધાનમંત્રી દિલ્હીમાં દ્વારકામાં સીબીએસઈના ઇન્ટિગ્રેટેડ ઓફિસ કોમ્પ્લેક્સનું ઉદઘાટન પણ કરશે, જેનું નિર્માણ આશરે રૂ. 300 કરોડમાં થયું છે. જેમાં ઓફિસ, ઓડિટોરિયમ, એડવાન્સ ડેટા સેન્ટર, કોમ્પ્રિહેન્સિવ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. ઇકોફ્રેન્ડલી બિલ્ડિંગનું નિર્માણ ઉચ્ચ પર્યાવરણીય ધોરણો માટે કરવામાં આવ્યું છે અને તેને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) ના પ્લેટિનમ રેટિંગ ધોરણો અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી દિલ્હી યુનિવર્સિટીમાં રૂ. 600 કરોડથી વધારેની કિંમતની ત્રણ નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમાં પૂર્વ દિલ્હીના સૂરજમલ વિહાર ખાતેના પૂર્વીય કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોક અને દ્વારકાના પશ્ચિમ કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોક શામેલ છે. તેમાં નજફગઢના રોશનપુરા ખાતે વીર સાવરકર કોલેજનું નિર્માણ પણ સામેલ છે, જેમાં શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ છે.
IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com