વર્ષ 1949માં બંધારણ સભામાં ભારતના બંધારણના સ્વીકારની સ્મૃતિમાં દેશ 26 નવેમ્બરના રોજ બંધારણ દિનની ઉજવણી કરશે. આ ઐતિહાસિક તારીખને જે મહત્વ મળવું જોઇએ તે પ્રદાન કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનના પગલે વર્ષ 2015થી બંધારણ દિન ઉજવવાનું શરૂ થયું હતું. આ વિઝનના મૂળ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં આયોજિત કરેલી “સંવિધાન ગૌરવ યાત્રા”માં પણ જોઇ શકાય છે.
આ વર્ષે બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બર, 2021ના રોજ સંસદ તથા વિજ્ઞાન ભવનમાં આયોજિત કરાયેલા કાર્યક્રમોમાં ભાગ લેશે.
સંસદમાં આયોજિત કરાયેલો કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે અને તે સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે. તેમાં માનનીય રાષ્ટ્રપતિશ્રી, ઉપ રાષ્ટ્રપતિશ્રી, પ્રધાનમંત્રીશ્રી અને લોકસભાના સ્પીકરશ્રી દ્વારા સંબોધન કરાશે. માનનીય રાષ્ટ્રપતિશ્રીના સંબોધન બાદ રાષ્ટ્ર બંધારણની પ્રસ્તાવનાના પઠનમાં તેમની સાથે લાઇવ જોડાશે. માનનીય રાષ્ટ્રપતિ શ્રી બંધારણ સભાની ચર્ચાઓની ડિજિટલ આવૃત્તિ, ભારતના બંધારણની હસ્તાક્ષરમાં લખાયેલી કોપીની ડિજિટલ આવૃત્તિ તથા આજ દિન સુધીના તમામ સુધારાઓ સાથેની ભારતીય બંધારણની સુધારેલી આવૃત્તિને પણ જારી કરશે. તેઓ ‘ઓનલાઇન ક્વિઝ ઓન કોન્સ્ટિટ્યૂશનલ ડેમોક્રેસી’નું ઉદ્ઘાટન પણ કરશે.
પ્રધાનમંત્રી શ્રી સાંજે 5:30 કલાકે નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનના પ્લેનરી હોલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત કરાયેલી બે દિવસની બંધારણ દિનની ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. આ અવસરે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયમૂર્તિશ્રી, તમામ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી તથા સિનિયર-મોસ્ટ ન્યાયમૂર્તિશ્રીઓ, ભારતના સોલિસિટર જનરલ તેમજ કાનૂની વિશ્વના અન્ય સદસ્યો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીશ્રી ઉપસ્થિત માનવંતા મહાનુભાવોની મેદનીને સંબોધિત પણ કરશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 <a href=”https://www.instagram.com/pibahmedabad” …