Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 25મી ડિસેમ્બરનાં રોજ ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયા’નું વિમોચન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મહામના પંડિત મદન મોહન માલવિયાની 162મી જન્મજયંતીનાં પ્રસંગે વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં 25 ડિસેમ્બર, 2023નાં રોજ સાંજે 4:30 વાગ્યે કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયાનાં 11 ખંડોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

અમૃત કાલમાં પ્રધાનમંત્રીનું વિઝન રહ્યું છે કે, તેઓ દેશની સેવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને ઉચિત સન્માન આપે. ‘કલેક્ટેડ વર્ક્સ ઑફ પંડિત મદન મોહન માલવિયાઆ દિશામાં એક પ્રયાસ છે.

11 ગ્રંથોમાં દ્વિભાષી (અંગ્રેજી અને હિંદી) કૃતિ, જે લગભગ 4000 પાનાંઓમાં ફેલાયેલી છે, તે પંડિત મદનમોહન માલવિયાનાં લખાણો અને ભાષણોનો સંગ્રહ છે, જે દેશના ખૂણેખૂણેથી એકત્રિત કરવામાં આવી છે. આ ગ્રંથોમાં તેમના અપ્રકાશિત પત્રો, લેખો અને ભાષણોનો સમાવેશ થાય છે, જેમાં મેમોરેન્ડમનો પણ સમાવેશ થાય છે; હિંદી સાપ્તાહિક અભ્યુદયની સંપાદકીય સામગ્રી 1907માં તેમના દ્વારા શરૂ કરવામાં આવી હતી; સમયાંતરે તેમણે લખેલા લેખો, પત્રિકાઓ અને પુસ્તિકાઓ; 1903 અને 1910ની વચ્ચે આગ્રા અને અવધના સંયુક્ત પ્રાંતોની વિધાન પરિષદમાં આપવામાં આવેલા તમામ ભાષણો; રોયલ કમિશન સમક્ષ આપવામાં આવેલા નિવેદનો; 1910 અને 1920ની વચ્ચે ઈમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બિલોની રજૂઆત દરમિયાન આપવામાં આવેલા ભાષણો; બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અને પછી લખાયેલા પત્રો, લેખો અને ભાષણો; અને 1923થી 1925ની વચ્ચે તેમણે લખેલી એક ડાયરી આ વોલ્યુમમાં સામેલ છે.

પંડિત મદનમોહન માલવિયાએ લખેલા અને તેમના દ્વારા બોલાયેલા દસ્તાવેજોના સંશોધન અને સંકલનનું કાર્ય મહામાના પંડિત મદન મોહન માલવિયાના આદર્શો અને મૂલ્યોના પ્રચારપ્રસાર માટે સમર્પિત સંસ્થા મહામના માલવિયા મિશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પ્રખ્યાત પત્રકાર શ્રી રામ બહાદુર રાયની આગેવાની હેઠળ મિશનની એક સમર્પિત ટીમે ભાષા અને લખાણમાં ફેરફાર કર્યા વિના પંડિત મદન મોહન માલવિયાના મૌલિક સાહિત્ય પર કામ કર્યું છે. આ પુસ્તકોનું પ્રકાશન માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રખ્યાત સ્થાપક પંડિત મદન મોહન માલવિયા આધુનિક ભારતના ઘડવૈયાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેમને એક ઉત્કૃષ્ટ વિદ્વાન અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે જેમણે લોકોમાં રાષ્ટ્રીય ચેતના વધારવા માટે પુષ્કળ કાર્ય કર્યું હતું.

YP/JD