પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જાન્યુઆરી 2021ના રોજ બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં 6.1 લાખ લાભાર્થીઓ માટે રૂપિયા 2691 કરોડની આર્થિક સહાય હસ્તાંતરિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ સહાયમાં 5.30 લાખ લાભાર્થીઓ માટે પ્રથમ હપતો અને જેમણે પહેલાંથી જ PMAY-G યોજના હેઠળ અગાઉ પ્રથમ હપતો મેળવી લીધો છે તેવા 80 હજાર લાભાર્થીઓ માટે બીજા હપતાની રકમ સામેલ છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના -ગ્રામીણ
પ્રધાનમંત્રીએ “2022 સુધીમાં સૌના માટે ઘર”નું આહ્વાન કર્યું છે અને તેના માટે PMAY-G નામથી એક મુખ્ય યોજના 20 નવેમ્બર, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. આજદિન સુધીમાં આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં 1.26 કરોડ મકાનોનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. PMAY-G હેઠળ, દરેક લાભાર્થીને રૂ. 1.20 લાખ (મેદાની પ્રદેશોમાં) અને રૂ. 1.30 લાખ (પહાડી રાજ્યો/ પૂર્વોત્તરના રાજ્યો/ દુર્ગમ વિસ્તારો/ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર/ IAP/ LWE જિલ્લાઓ)નું 100% અનુદાન આપવામાં આવે છે.
PMAY-Gના લાભાર્થીઓને યુનિટ સહાય ઉપરાંત, દૈનિક વેતન પર કામ કરતા બિન-કૌશલ્યપ્રદ શ્રમિકોને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના (MGNREGS) હેઠળ સહાય આપવામાં આવે છે અને શૌચાલયનું નિર્માણ કરવા માટે સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ (SBM-G), MGNREGS અથવા ભંડોળ માટે સમર્પિત અન્ય કોઇ સ્રોતના માધ્યમથી રૂપિયા 12,000ની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ LPG જોડાણ, વીજળીનું જોડાણ, જળજીવન મિશન અંતર્ગત પીવલાયક પાણીના નળનું જોડાણ વગેરે લાભો પહોંચાડવા માટે આ યોજના સાથે ભારત સરકારની અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની અન્ય યોજનાઓને પણ એકકેન્દ્રિત કરવાની જોગવાઇ છે.
SD/GP/BT