પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230થી વધુ જિલ્લાઓના 50000થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે.
સર્વેક્ષણ માટે નવીનતમ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટ કરતા વિસ્તારોમાં ઘર ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ‘ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના વિઝન સાથે પ્રધાનમંત્રી દ્વારા સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજના મિલકતોના મુદ્રીકરણને સરળ બનાવવા અને બેંક લોન દ્વારા સંસ્થાકીય ધિરાણ સક્ષમ કરવામાં પણ મદદ કરે છે; મિલકત સંબંધિત વિવાદો ઘટાડે છે; ગ્રામીણ વિસ્તારોમાં મિલકતો અને મિલકત વેરાનું વધુ સારું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે અને ગ્રામ્ય સ્તરનું વ્યાપક આયોજન સક્ષમ બનાવે છે.
3.17 લાખથી વધુ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો છે, જે લક્ષ્યાંકિત ગામડાઓના 92% ભાગને આવરી લે છે. અત્યાર સુધીમાં, 1.53 લાખથી વધુ ગામડાઓ માટે લગભગ 2.25 કરોડ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.
આ યોજના પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ત્રિપુરા, ગોવા, ઉત્તરાખંડ અને હરિયાણામાં પૂર્ણ રીતે કાર્યરત થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યો અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ડ્રોન સર્વે પૂર્ણ થઈ ગયો છે.
AP/IJ/GP/JD