પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5:30 કલાકે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ (એનએલપી)નો શુભારંભ કરશે.
અન્ય વિકસિત અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ વધારે હોવાથી રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિની જરૂરિયાત વર્તાઈ હતી. સ્થાનિક અને નિકાસ બજારો એમ બંનેમાં ભારતીય ચીજવસ્તુઓની સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા માટે ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવો જરૂરી છે. લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યદક્ષતામાં સુધારો કરે છે, મૂલ્ય સંવર્ધન અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે.
વર્ષ 2014થી સરકારે ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઑફ લિવિંગ એમ બંનેમાં સુધારો કરવા પર ભાર મૂક્યો છે. રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ, સંપૂર્ણ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમના વિકાસ માટે એક વ્યાપક આંતરશાખાકીય, આંતર-ક્ષેત્રીય અને બહુ-અધિકારક્ષેત્રનું માળખું તૈયાર કરીને ઊંચા ખર્ચ અને બિનકાર્યક્ષમતાના મુદ્દાઓનું સમાધાન કરવાનો એક વ્યાપક પ્રયાસ છે, જે આ દિશામાં વધુ એક પગલું છે. આ નીતિ ભારતીય ચીજવસ્તુઓની સ્પર્ધાત્મકતા વધારવા, આર્થિક વૃદ્ધિ વધારવા અને રોજગારીની તકો વધારવાનો પ્રયાસ છે.
પ્રધાનમંત્રીનું વિઝન રહ્યું છે કે, સંપૂર્ણ આયોજન અને અમલીકરણમાં તમામ હિતધારકોને સંકલિત કરીને વિશ્વ સ્તરીય આધુનિક માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવે, જેથી પ્રોજેક્ટનાં અમલીકરણમાં કાર્યદક્ષતા અને સમન્વય સ્થાપિત થઈ શકે. ગયાં વર્ષે પ્રધાનમંત્રીએ શરૂ કરેલો મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે રાષ્ટ્રીય માસ્ટર પ્લાન- પીએમ ગતિશક્તિ, તે આ દિશામાં એક અગ્રણી પગલું હતું. પીએમ ગતિશક્તિને રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિનાં શુભારંભ સાથે વધારે પ્રોત્સાહન અને પૂરકતા મળશે.
YP/GP/JD