Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 13મી ઓક્ટોબરે પીએમ ગતિશક્તિનો શુભારંભ કરશે


દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્રશ્યપટ માટે એક ઐતિહાસિક ઘટનામાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી ઓક્ટોબર, 2021ના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટેના નેશનલ માસ્ટર પ્લાન- પીએમ ગતિશક્તિનો શુભારંભ કરશે.

દાયકાઓથી ભારતમાં માળખાગત સુવિધાઓનું સર્જન બહુવિધ સમસ્યાઓથી પીડાયું હતું. વિભિન્ન વિભાગો વચ્ચે સંકલનનો સદંતર અભાવ હતો, દાખલા તરીકે, એક વાર રસ્તો બની જાય, પછી અન્ય એજન્સીઓ ભૂગર્ભ કેબલો, ગેસ પાઇપલાઇન બિછાવવા જેવી ઇત્યાદિ પ્રવૃત્તિઓ માટે બંધાયેલો રસ્તો ફરી ખોદી નાખે. આનાથી પારાવાર અગવડો તો પડતી જ, સાથે નકામો ખર્ચ પણ થતો. આનો ઉકેલ લાવવા, સંકલન વધારવા માટેના પ્રયાસો અમલી કરાયા જેથી તમામ કૅબલ્સ, પાઇપલાઇન ઇત્યાદિ એકસાથે બિછાવી શકાય. સમય માગી લેતી મંજૂરીની પ્રક્રિયાઓ, નિયમનકારી પરવાનગીની મોટી સંખ્યા વગેરે જેવા અન્ય મુદ્દાઓ ઉકેલવા માટે પણ પગલાં લેવાયાં છે. છેલ્લા સાત વર્ષોમાં, સરકારે એક સાકલ્યવાદી દ્રષ્ટિબિંદુ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પીએમ ગતિશક્તિ મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ માટે હિતધારકો માટે એક સાકલ્યવાદી આયોજન સંસ્થાગત કરવા દ્વારા ભૂતકાળની સમસ્યાઓને ઉકેલશે. બંધ દરવાજાઓમાં આયોજન અને ડિઝાઇનિંગના બદલે, પરિયોજનાઓ સમાન દ્રષ્ટિએ ડિઝાઇન અને અમલી થશે. તેમાં કનેક્ટિવિટીને સુધારવા અને ભારતીય ધંધાઓને વધારે સ્પર્ધાત્મક બનાવવા વિવિધ મંત્રાલયો અને રાજ્ય સરકારોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ જેવી કે ભારતમાલા, સાગરમાલા, આંતરિક જળમાર્ગો, સૂકા/જમીની બંદરો, ઉડાન ઇત્યાદિને સમાવી લેવાશે. ટેક્સ્ટાઇલ ક્લસ્ટર, ફાર્માસ્યુટિકલ્સ ક્લસ્ટર્સ, સંરક્ષણ કૉરિડૉર્સ, ઈલેક્ટ્રોનિક પાર્ક્સ, ઇન્ડસ્ટ્રિઅલ કૉરિડૉર્સ, ફિશિંગ ક્લસ્ટર્સ, એગ્રિ ઝોન્સ જેવા ઈકોનોમિક ઝૉન્સ આવરી લેવાશે. તે ટેકનોલોજીનો પણ ભરપૂર લાભ ઉઠાવશે જેમાં BiSAG-N (ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જિઓઇંફોર્મેટિક્સ) દ્વારા વિક્સાવાયેલ ઇસરો ઇમેજરી સાથેના અવકાશી આયોજનના સાધનોનો સમાવેશ થાય છે.

 

પીએમ ગતિશક્તિ છ સ્તંભો પર આધારિત છે:

1. વ્યાપક્તા: તે વિભિન્ન મંત્રાલયો અને વિભાગોની તમામ હાલની અને આયોજિત પ્રવૃત્તિઓને એક કેન્દ્રીકૃત પોર્ટલ સાથે સમાવી લેશે. દરેકે દરેક વિભાગ પાસે હવે સમાવેશક રીતે પરિયોજનાઓના આયોજન અને અમલીકરણ કરતી વખતે મહત્વપૂર્ણ ડેટા પૂરો પાડીને  એકમેકની પ્રવૃત્તિઓ જોવાની ક્ષમતા હશે.

2. અગ્રતાક્રમ: આના દ્વારા, વિભિન્ન વિભાગો આંતર વિભાગીય મસલતો દ્વારા એમની પરિયોજનાઓને અગ્રતા આપી શક્શે.

3. શ્રેષ્ઠતા-અનુકૂલન: નેશનલ માસ્ટર પ્લાન વિવિધ મંત્રાલયોને મહ્તવના તફાવત-છીંડા ઓળખી કાઢ્યા બાદ પરિયોજનાઓ માટે આયોજનમાં મદદ કરશે. એક જ્ગ્યાએથી બીજી જગ્યાએ સામાનના પરિવહન માટે, સમય અને ખર્ચના સંબંધમાં સૌથી શ્રેષ્ઠ કે અનુકૂળ માર્ગ પસંદ કરવામાં આ પ્લાન મદદ કરશે.

4. તાલમેલ: વ્યક્તિગત મંત્રાલયો અને વિભાગો ઘણી વાર પોતાની રીતે જાણે હવાચુસ્ત ઓરડામાં કામ કરતા હોય છે. પરિયોજનાઓના આયોજન અને અમલીકરણમાં સંકલનનો અભાવ હોય છે જે વિલંબમાં પરિણમે છે. પીએમ ગતિશક્તિ દરેક વિભાગની પ્રવૃત્તિઓનો તાલમેલ બેસાડવામાં, એને સમકાલિક કરવામાં મદદ કરશે અને શાસનના વિભિન્ન સ્તરોને સમકાલિક કરશે અને તે પણ એમની વચ્ચે કાર્યનું સંકલન સાધીને સાકલ્યવાદી રીતે.

5. પૃથક્કરણાત્મક: આ પ્લાન જીઆઇએસ આધારિત અવકાશી આયોજન અને 200+ એનાલિટિકલ ટૂલ્સ સાથે સમગ્ર ડેટા એક જગ્યાએ પૂરો પાડશે જેનાથી અમલીકરણ એજન્સીને વધારે સારી દ્રશ્યક્ષમતા શક્ય બનશે.

6. ગતિશીલ: તમામ મંત્રાલયો અને વિભાગો હવે આંતર વિભાગીય પરિયોજનાઓ જીઆઇએસ પ્લેટફોર્મ દ્વારા જોઇ શકશે, સમીક્ષા કરી શકશે અને પ્રગતિની દેખરેખ રાખી શકશે કેમ કે ઉપગ્રહીય તસવીરો સમયાંતરે સ્થળ પરની પ્રગતિ આપશે અને પોર્ટલ પર પરિયોજનાઓની પ્રગતિ નિયમિત રીતે અપડેટ થતી રહેશે. માસ્ટર પ્લાનને વધારવા અને અપડેટ કરવા માટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપો ઓળખી કાઢવામાં એ મદદ કરશે.

જીવન જીવવાની સુગમતાને સુધારે અને સાથે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસને પણ સુધારે એવા નવી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાના પ્રધાનમંત્રીના સતત પ્રયાસોનું પરિણામ છે પીએમ ગતિશક્તિ. આ મલ્ટી-મોડલ કનેક્ટિવિટી લોકો, સામાન અને સેવાઓની પરિવહનની એક પદ્ધતિથી બીજી પદ્ધતિમાં હેરફેર માટે સંકલિત અને અસ્ખલિત કનેક્ટિવિટી પૂરી પાડશે. તે ઇન્ફ્રાસ્ટ્રચરની છેવાડાની કનેક્ટિવિટીને સુગમ બનાવશે અને લોકો માટે મુસાફરીનો સમય ઘટાડશે.

પીએમ ગતિશક્તિ લોકો અને વેપાર સમુદાયને આવી રહેલા કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સ, અન્ય બિઝનેસ હબ્સ, ઔદ્યોગિક વિસ્તારો અને આસપાસના પર્યાવરણ બાબતની માહિતી પૂરી પાડશે. આનાથી રોકાણકારો એમના બિઝનેસીસને અનુકૂળ સ્થળોએ આયોજિત કરી શકશે જેથી સુમેળ વધશે. તે રોજગારની બહુવિધ તકોનું સર્જન કરશે અને અર્થતંત્રને વેગ આપશે. તે પરિવહનનો ખર્ચ ઘટાડીને અને પુરવઠા સાંકળને સુધારીને સ્થાનિક વસ્તુઓની વૈશ્વિક સ્પર્ધાત્મક્તાને સુધારશે અને સ્થાનિક ઉદ્યોગ અને ગ્રાહકો માટે યોગ્ય જોડાણો પણ સુનિશ્ચિત કરશે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન પ્રગતિ મેદાન ખાતે ન્યુ એક્ઝિબિશન કૉમ્પ્લેક્સ (પ્રદર્શન હૉલ્સ 2 થી 5)નું પણ ઉદ્ઘાટન કરશે. આ નવા પ્રદર્શન ગૃહોમાં ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઑર્ગેનાઇઝેશનનો મુખ્ય કાર્યક્રમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (આઇઆઇટીએફ) 2021 પણ 14-27 નવેમ્બર 2021 દરમ્યાન આયોજિત થશે.

વાણિજ્ય, માર્ગ પરિવહન અને રાજમાર્ગ, રેલવે, નાગરિક ઉડ્ડયન, વહાણવટા, વિદ્યુત, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માટેના કેન્દ્રીય મંત્રીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહેશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad &nbs…