Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 12 માર્ચના રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સંબંધિત પ્રવૃત્તિઓનો શુભારંભ કરાવશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 માર્ચ, 2021ના રોજ અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમથી પદયાત્રા‘ (સ્વતંત્રતાની કૂચ)નો પ્રારંભ કરાવશે અને આઝાદી કા અમૃત મહોત્સવ‘ (India@75) અંતર્ગત વિવિધ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે India@75 ની ઉજવણી માટે વિવિધ અન્ય સાંસ્કૃતિક અને ડિજિટલ પહેલનો પણ પ્રારંભ કરાવશે અને સાબરમતી આશ્રમ ખાતે ઉપસ્થિત લોકોને સંબોધિત કરશે. સવારે 10:30 કલાકથી શરૂ થનારા આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

આઝાદી કા અમૃત મહોત્સવ

આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા ઉજવણી અર્થે આયોજિત વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમો છે. આ મહોત્સવ જનભાગીદારીની ભાવના સાથે જનઉત્સવ તરીકે ઉજવવામાં આવશે.

આ ઉજવણી અંતર્ગત યોજવામાં આવનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અને તેને લગતી નીતિઓ ઘડવા માટે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય અમલીકરણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. 15 ઑગસ્ટ 2022ના બરાબર 75 અઠવાડિયા પહેલાં એટલે કે 12 માર્ચ, 2021થી આ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

પદયાત્રા

પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી આશ્રમથી નવસારીમાં દાંડી સુધીની પદયાત્રાનો પ્રારંભ કરાવશે જેમાં 81 પદયાત્રીઓ ભાગ લેશે અને 25 દિવસ પછી 5 એપ્રિલના રોજ તેઓ 241 માઇલનું અંતર પગપાળા કાપીને દાંડી પહોંચશે. આ પદયાત્રામાં દાંડી સુધીના માર્ગ દરમિયાન લોકોના અલગ અલગ સમૂહો જોડાશે. કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ આ પદયાત્રામાં શરૂઆતના 75 કિલોમીટર સુધી નેતૃત્ત્વ સંભાળશે.

India@75 હેઠળ વિવિધ પૂર્વાવલોકન પહેલ

India@75 થીમ અંતર્ગત આયોજન કરવામાં આવેલી વિવિધ પૂર્વાવલોકન પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે જેમાં ફિલ્મ, વેબસાઇટ, ગીતો, આત્મનિર્ભર ચરખો અને આત્મનિર્ભર ઇન્ક્યુબેટર જેવી વિવિધ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે.

ઉપરોક્ત ઉલ્લેખિત વિવિધ પહેલ ઉપરાંત, દેશની અજેય ભાવનાની ઉજવણી કરતા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સંગીત, નૃત્ય, પઠન, આમુખનું વાંચન (અલગ અલગ ભાષમાં દરેક વાક્ય, જે દેશના અલગ અલગ પ્રદેશોને પ્રસ્તુત કરશે) વગેરે સામેલ કરવામાં આવ્યા છે. યુવા શક્તિને ભારતના ભવિષ્ય તરીકે પ્રસ્તુત કરીને આ કાર્યક્રમ દરમિયાન એક સાથે વિભિન્ન 75 ધ્વનિ અને 75 નર્તકો દ્વારા પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

સમગ્ર ભારતમાં 12 માર્ચ, 2021ના રોજ વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા પણ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો ઉપરાંત, ભારતીય પુરાતત્વ સર્વે અને સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત ઝોનલ સાંસ્કૃતિક કેન્દ્રો, યુવા બાબતોના મંત્રાલય અને TRIFED દ્વારા પણ આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

SD/GP/BT