પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એક ઐતિહાસિક પહેલ અંતર્ગત 6 ઓગસ્ટનાં રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશભરમાં 508 રેલવે સ્ટેશનોનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરશે.
પ્રધાનમંત્રીએ અવારનવાર અત્યાધુનિક જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર મૂક્યો છે. રેલવે એ દેશભરના લોકોના પરિવહનનું પસંદગીનું માધ્યમ છે તેની નોંધ લઈને તેમણે રેલવે સ્ટેશનો પર વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. આ વિઝનથી પ્રેરિત થઈને દેશભરના 1309 સ્ટેશનોના રિડેવલપમેન્ટ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરવામાં આવી હતી.
આ યોજનાના ભાગરૂપે પ્રધાનમંત્રીના હસ્તે 508 સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવશે. શહેરની બંને બાજુના યોગ્ય સંકલન સાથે આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ‘ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સુગ્રથિત અભિગમ રેલવે સ્ટેશનની આસપાસ કેન્દ્રિત શહેરના એકંદર શહેરી વિકાસના સર્વગ્રાહી દ્રષ્ટિકોણથી પ્રેરિત છે.
આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, ઝારખંડમાં 20-18, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18 સ્ટેશનોનો સમાવેશ થાય છે. હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.
પુનર્વિકાસથી મુસાફરોને આધુનિક સુવિધાઓ પ્રદાન થશે તેમજ સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલા ટ્રાફિકનું પરિભ્રમણ, આંતર–મોડલ સંકલન અને મુસાફરોનાં માર્ગદર્શન માટે સારી રીતે ડિઝાઇન કરવામાં આવેલા સંકેતો પણ સુનિશ્ચિત થશે. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે.
CB/GP/JD