પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી ડિસેમ્બર, 2022ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘વીર બાલ દિવસ’ નિમિત્તે ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી લગભગ ત્રણસો બાલ કીર્તનીઓ દ્વારા રજૂ કરાયેલા ‘શબદ કીર્તન’માં હાજરી આપશે. આ મહત્વપૂર્ણ અવસર પર પ્રધાનમંત્રી દિલ્હીમાં લગભગ ત્રણ હજાર બાળકો દ્વારા માર્ચ-પાસ્ટને ફ્લેગ ઓફ પણ કરશે.
સાહિબજાદોની અનુકરણીય હિંમતની વાર્તા વિશે નાગરિકોને, ખાસ કરીને નાના બાળકોને માહિતગાર કરવા અને શિક્ષિત કરવા સરકાર દેશભરમાં ઇન્ટરેક્ટિવ અને સહભાગી કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ પ્રયાસમાં દેશભરની શાળાઓ અને કોલેજોમાં નિબંધ લેખન, ક્વિઝ સ્પર્ધા અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશન, પેટ્રોલ પંપ, એરપોર્ટ વગેરે જેવા જાહેર સ્થળો પર ડિજિટલ પ્રદર્શનો ગોઠવવામાં આવશે, કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જ્યાં મહાનુભાવો સાહિબજાદોની જીવનગાથા અને બલિદાનનું વર્ણન કરશે.
9મી જાન્યુઆરી 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વના દિવસે, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે શ્રી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો સાહિબજાદાઓ બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીની શહાદતને ચિહ્નિત કરવા માટે 26મી ડિસેમ્બરને ‘વીર બાલ દિવસ‘ તરીકે મનાવવામાં આવશે.
YP/GP/JD