Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના ટોચના ઓક્સિજન ઉત્પાદકો સાથે મંત્રણા કરી

પ્રધાનમંત્રી શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના ટોચના ઓક્સિજન ઉત્પાદકો સાથે મંત્રણા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના ટોચના ઓક્સિજન ઉત્પાદકો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે એક બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમય માત્ર પડકારોનો સામનો કરવા માટે જ નથી પરંતુ ટૂંકાગાળામાં જ તેનો ઉકેલ પૂરો પાડવાનો પણ સમય પાકી ગયો છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સરકાર અને ઓક્સિજનના ઉત્પાદકો વચ્ચે સારો સહકાર જાળવી રાખવાની જરૂર છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં તેમના ઉત્પાદનમાં વધારો કરવા બદલ પ્રધાનમંત્રીએ ઓક્સિજન ઉત્પાદકોની પ્રશંસા કરી હતી. પ્રવાહી ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવા માટે લેવાયેલા પગલાંને પણ તેમણે આવકાર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી મોદીએ દેશમાં ઓદ્યોગિક ઓક્સિજનને મેડિકલ જરૂરિયાતમાં પરિવર્તિત કરવા બદલ પણ આ ઉદ્યોગોનો આભાર માન્યો હતો.

આ પરિસ્થિતિમાં હજી પણ સુધારો લાવવા માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ આગામી દિવસોમાં ઓક્સિજનની માગને પહોંચી વળવા માટે ઓક્સિજન ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ એમ પણ અવલોકન કર્યું હતું કે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે ઓક્સિજનના પરિવહન માટેની લોજિસ્ટિક સવલતને પણ બહેતર બનાવવાની જરૂર છે. તેમણે ઉદ્યોગને અનુરોધ કર્યો હતો કે ઓક્સિજન પુરવઠાને પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતા ટેન્કરનો આ કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર હાલમા રેલવે અને એર ફોર્સના અસરકારક ઉપયોગ પર પણ કામગીરી કરી રહી છે જેથી ટેન્કરો શક્ય તેટલી ઝડપથી ઉત્પાદન એકમ સુધી પહોંચી શકે.

પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી કે ઓક્સિજન માટે સરકાર, રાજ્ય સરકાર, ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટર્સ અને તમામ હોસ્પિટલો આ તમામે સાથે મળીને કામગીરી બજાવવાની છે. આ તમામમાં જેટલો બહેતર સહયોગ હશે એટલી જ આસાનીથી આ પડકારનો સામનો કરી શકાશે.

ઓક્સિજન ઉત્પાદકોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેમને સરકાર તરફથી સંપૂર્ણ સહકારની ઓફર કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આપણો દેશ આ કટોકટી સામે ઝડપથી સફળતા હાંસલ કરી શકશે.

શ્રી મુકેશ અંબાણી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, શ્રીમતિ સોમા માંડલ (SAILના ચેરપર્સન), જેએસડબ્લ્યુના શ્રી સજ્જન જિંદાલ, ટાટા સ્ટીલના શ્રી નરેન્દ્રન, જેએસપીએલના શ્રી નવીન જિન્દાલ, એએમએલએસના શ્રી દિલીપ ઓમ્મેન, એલઆઇએનડીઈના શ્રી એમ. બેનરજી, આઇનોક્સના શ્રી સિદ્ધાર્થ જૈન, એર વોટર જમશેદપુરના એમડી શ્રી નોરિયો શિબુયા, નેશનલ ઓક્સિજન લિમિટેડના શ્રી રાજેશ કુમાર સરાફ અને ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગેસ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રમુખ શ્રી સાકેત ટીકુ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.