Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલીફોન પર વાતચીત થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 30 મિનિટની વાતચીતમાં દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં હતા. બંને નેતાઓની વાતચીત ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ રહી હતી.

પ્રધાનમંત્રીએ આ વાતચીત દરમિયાન ચાલુ વર્ષની શરૂઆતમાં જૂનનાં અંતે ઓસાકામાં આયોજિત જી-20નાં શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓ વચ્ચે થયેલી બેઠકને યાદ કરી હતી.

ઓસાકામાં દ્વિપક્ષીય ચર્ચાનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, ભારતનાં વાણિજ્ય મંત્રી અને અમેરિકાનાં વાણિજ્ય મંત્રી શક્ય તેટલી વહેલી બેઠક યોજશે, જેથી પારસ્પરિક લાભ માટે દ્વિપક્ષીય વેપારી સંભવિતતાઓની ચર્ચા થઈ શકે.

પ્રાદેશિક સ્થિતિનાં સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, પ્રદેશનાં ચોક્કસ નેતાઓ ભારતવિરોધી ઉશ્કેરણીજનક અને ચરમપંથી વિધાનો કરે છે, જે શાંતિ સ્થાપિત કરવા માટે ઉચિત નથી. તેમણે આંતક અને હિંસામુક્ત વાતાવરણ ઊભુ કરવાનાં મહત્ત્વ પર તેમજ કોઈ પણ પ્રકારનાં અપવાદ વિના આતંકવાદને પ્રોત્સાહન ન આપવા ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ગરીબી, નિરક્ષરતા અને વિવિધ પ્રકારનાં રોગ સામેની લડાઈમાં આ માર્ગને અનુસરનાર કોઈ પણ વ્યક્તિ સાથે સાથસહકાર સ્થાપિત કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આજે અફઘાનિસ્તાનને આઝાદી મળ્યાનાં 100મા વર્ષને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારતની એક, સુરક્ષિત, લોકતાંત્રિક અને ખરા અર્થમાં સ્વતંત્ર અફઘાનિસ્તાન માટે કામ કરવાની લાંબા ગાળાની અને સાતત્યપૂર્ણ કટિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતુ કે, તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે નિયમિતપણે સંપર્કમાં રહેવાની સરાહના કરી હતી.

RP