Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતના સૌથી મોટા મોબિલિટી એક્સ્પો ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે સતત ત્રીજી વખત તેમની સરકાર ચૂંટાવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં અન્ય બે સ્થળોએ આ એક્સ્પો યોજાવાની સાથે આ વર્ષના એક્સ્પોનું પ્રમાણ ઘણું વિસ્તૃત થયું છે, જે ગયા વર્ષે 800 પ્રદર્શકો, 2.5 લાખ મુલાકાતીઓની સંખ્યા હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આગામી 5 દિવસમાં ઘણાં નવા વાહનો લોંચ થશે, જેમાં ઘણાં પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સામેલ થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ દર્શાવે છે કે, ભારતમાં મોબિલિટીનાં ભવિષ્ય સાથે સંબંધિત મહાન સકારાત્મકતા છે.” આ પ્રદર્શનના સ્થળે પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતનો ઓટોમોટિવ ઉદ્યોગ અદભૂત અને ભવિષ્ય માટે તૈયાર છે.” તેમણે દરેકને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ભારતીય ઓટો સેક્ટરના ભવ્ય આયોજન દરમિયાન શ્રી રતન ટાટા અને શ્રી ઓસામુ સુઝુકીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીય ઓટો સેક્ટરનાં વિકાસમાં તેમજ ભારતનાં મધ્યમ વર્ગનાં પરિવારોનાં સ્વપ્નોને સાકાર કરવામાં બંને દિગ્ગજોનું પ્રદાન ઘણું મોટું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમનો વારસો ભારતનાં સંપૂર્ણ મોબિલિટી ક્ષેત્રને સતત પ્રેરિત કરતો રહેશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લોકોની આકાંક્ષાઓ અને યુવાનોની ઊર્જાથી પ્રેરિત થઈને ભારતનું ઓટોમોબાઈલ ક્ષેત્ર અભૂતપૂર્વ પરિવર્તનનો સાક્ષી બની રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં ભારતીય ઓટો ઉદ્યોગમાં આશરે 12 ટકાનો વધારો થયો છે. “મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ” ના મંત્રથી નિકાસ વધી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, ભારતમાં દર વર્ષે વેચાતી કારોની સંખ્યા ઘણાં દેશોની વસતિ કરતાં વધારે છે. તેમણે કહ્યું કે એક વર્ષમાં આશરે 2.5 કરોડ કારનું વેચાણ ભારતમાં સતત વધતી માંગને દર્શાવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ દર્શાવે છે કે જ્યારે મોબિલિટીનાં ભવિષ્યની વાત આવે છે, ત્યારે ભારતને આટલી ઊંચી અપેક્ષાઓ સાથે શા માટે જોવામાં આવે છે.

શ્રી મોદીએ જણાવ્યું કે, “અત્યારે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને પેસેન્જર વ્હિકલનું ત્રીજું સૌથી મોટું બજાર છે.” તેમણે નોંધ્યું હતું કે, જ્યારે ભારત વૈશ્વિક સ્તરે ટોચનાં ત્રણ અર્થતંત્રોમાંનું એક બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે, ત્યારે દેશનાં ઓટો માર્કેટમાં અભૂતપૂર્વ પરિવર્તન અને વિસ્તરણ જોવા મળશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેટલાંક પરિબળો ભારતમાં મોબિલિટીનાં ભવિષ્યને વેગ આપે છે, જેમાં દેશની યુવા પેઢીની મોટી વસતિ, મધ્યમ વર્ગનું વિસ્તરણ, ઝડપી શહેરીકરણ, આધુનિક માળખાગત વિકાસ અને મેક ઇન ઇન્ડિયા પહેલ મારફતે વાજબી વાહનો સામેલ છે. તેમણે કહ્યું કે, આ પરિબળો સામૂહિક રીતે ભારતમાં ઓટો ક્ષેત્રના વિકાસને વેગ આપે છે.

ઓટો ઉદ્યોગનાં વિકાસ માટે જરૂરિયાત અને આકાંક્ષાઓ એમ બંનેનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત બંને વસ્તુ છે અને તેમણે એ વાત પર ભાર આપ્યો કે ભારત ઘણાં દાયકાઓ સુધી દુનિયાનો સૌથી યુવા દેશ બની રહેશે, જેમાં યુવાનો સૌથી મોટો ગ્રાહક વર્ગ હશે. તેમણે કહ્યું હતું કે આ મોટી યુવા વસ્તી મહત્વપૂર્ણ માંગ પેદા કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, અન્ય મુખ્ય ગ્રાહક વર્ગ ભારતનો મધ્યમ વર્ગ છે અને છેલ્લાં એક દાયકામાં 25 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યાં છે, જે નવ-મધ્યમ વર્ગની રચના કરે છે, જે તેમનાં પ્રથમ વાહનોની ખરીદી કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, જેમ-જેમ પ્રગતિ ચાલુ રહેશે, તેમ-તેમ આ જૂથ તેમનાં વાહનોને અપગ્રેડ કરશે, જેનો લાભ ઓટો ક્ષેત્રને મળશે.

એક સમયે ભારતમાં કાર ન ખરીદવાનું કારણ સારા અને પહોળા માર્ગોનો અભાવ હોવાનું નોંધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે આ સ્થિતિ બદલાઈ રહી છે અને તેમણે કહ્યું હતું કે, “સરળતા હવે ભારત માટે પ્રાથમિકતા છે.” તેમણે નોંધ્યું હતું કે, ગયા વર્ષના બજેટમાં માળખાગત વિકાસ માટે રૂ. 11 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સમગ્ર ભારતમાં મલ્ટિ-લેન હાઇવે અને એક્સપ્રેસવેનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનથી મલ્ટિમોડલ કનેક્ટિવિટીને વેગ મળ્યો છે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ ભારતને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સ્પર્ધાત્મક માલપરિવહન ખર્ચ ધરાવતો દેશ બનાવશે. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસોથી ઓટો ઉદ્યોગ માટે અસંખ્ય નવી તકો ખુલી રહી છે અને દેશમાં વાહનોની વધતી જતી માગનું પણ એક મહત્ત્વપૂર્ણ કારણ છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સારા માળખાગત સુવિધાઓની સાથે-સાથે નવી ટેકનોલોજીનું પણ સંકલન કરવામાં આવી રહ્યું છે. ફાસ્ટેગને કારણે ભારતમાં ડ્રાઇવિંગનો અનુભવ ઘણો સરળ બન્યો છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ભારતમાં અવિરત પ્રવાસ માટેનાં પ્રયાસોને વધારે મજબૂત કરે છે. ભારત હવે સ્માર્ટ મોબિલિટી તરફ આગેકૂચ કરી રહ્યું છે, જેમાં કનેક્ટેડ વાહનો અને સ્વાયત્ત ડ્રાઇવિંગમાં ઝડપથી પ્રગતિ થઈ રહી છે.

ભારતના ઓટો ઉદ્યોગની વૃદ્ધિની સંભવિતતામાં મેક ઇન ઇન્ડિયા પહેલની નોંધપાત્ર ભૂમિકા પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીએલઆઇ યોજનાઓએ મેક ઇન ઇન્ડિયા અભિયાનને નવી ગતિ આપી છે અને રૂ. 2.25 લાખ કરોડના વેચાણને સહાય કરી છે. આ યોજનાએ આ ક્ષેત્રમાં 1.5 લાખથી વધારે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓટો ક્ષેત્રમાં રોજગારીનું સર્જન અન્ય ક્ષેત્રો પર અનેકગણી અસર કરે છે. એમએસએમઇ ક્ષેત્ર મારફતે મોટી સંખ્યામાં ઓટો પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. જેમ જેમ ઓટો ક્ષેત્રનો વિકાસ થાય છે, તેમ તેમ એમએસએમઇ, લોજિસ્ટિક્સ, પ્રવાસન અને પરિવહન ક્ષેત્રોમાં પણ નવી રોજગારીનું સર્જન થાય છે.

દરેક સ્તરે ઓટો ક્ષેત્રને સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિસ્તૃત સમર્થન પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં આ ઉદ્યોગમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ), ટેકનોલોજી હસ્તાંતરણ અને વૈશ્વિક ભાગીદારી માટે નવા માર્ગો સ્થાપિત થયા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં જ આ ક્ષેત્રએ 36 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આકર્ષ્યું છે. આગામી વર્ષોમાં આ આંકડો વધવાની ધારણા છે. પ્રધાનમંત્રીએ ભારતની અંદર ઓટો ઉત્પાદન માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવા સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

“મોબિલિટી સોલ્યુશન્સ માટે સેવન સી”ના પોતાના વિઝનને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “મોબિલિટી સોલ્યુશન્સ માટે સેવન સી”: કોમન, કનેક્ટેડ, કન્વિનિયન્ટ, કન્જેશન-ફ્રી, ચાર્જ્ડ, ક્લિન અને કટિંગ એજ, ગ્રીન મોબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આ વિઝનનો એક ભાગ છે. ભારત અર્થતંત્ર અને ઇકોલોજી એમ બંનેને ટેકો આપતી મોબિલિટી સિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે, જેનાથી અશ્મિભૂત ઇંધણ માટે આયાત બિલમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રીન ટેકનોલોજી, ઇવી, હાઇડ્રોજન ઇંધણ અને જૈવઇંધણનાં વિકાસ પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન અને ગ્રીન હાઇડ્રોજન મિશન જેવી પહેલો આ વિઝનને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની ઝડપી વૃદ્ધિ પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં ઇલેક્ટ્રિક વાહનોનાં વેચાણમાં 640 ગણો વધારો થયો છે. દસ વર્ષ અગાઉ દર વર્ષે ફક્ત 2,600 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું, જ્યારે વર્ષ 2024માં 16.80 લાખથી વધારે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે એક જ દિવસમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે, જે એક દાયકા અગાઉ એક આખા વર્ષમાં વેચાયેલી સંખ્યા કરતાં બમણી છે. પ્રધાનમંત્રીએ એવી ધારણા વ્યક્ત કરી હતી કે, આ દાયકાના અંત સુધીમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં આઠ ગણો વધારો થઈ શકે છે, જે આ સેગમેન્ટમાં સારી સંભવિતતા પ્રદર્શિત કરે છે.

દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના વિસ્તરણ માટે સરકાર દ્વારા સતત નીતિગત નિર્ણયો અને સહાય પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ શરૂ થયેલી ફેમ-2 યોજનાએ રૂ. 8,000 કરોડથી વધારે મૂલ્યનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ રકમનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપવા અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે કરવામાં આવ્યો છે, જે 5,000થી વધારે ઇલેક્ટ્રિક બસો સહિત 16 લાખથી વધારે ઇવીને સમર્થન આપે છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી 1,200થી વધારે ઇલેક્ટ્રિક બસો દિલ્હીમાં કાર્યરત છે. પ્રધાનમંત્રીએ ત્રીજી ટર્મમાં પીએમ ઇ-ડ્રાઇવ યોજના શરૂ કરવા પર પ્રકાશ પાડ્યો હતો, જે દ્વિચક્રી વાહનો, થ્રી-વ્હીલર્સ, ઇ-એમ્બ્યુલન્સ અને ઇ-ટ્રક સહિત આશરે 28 લાખ ઇવીની ખરીદીને સમર્થન આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આશરે 14,000 ઇલેક્ટ્રિક બસો પણ ખરીદવામાં આવશે અને વિવિધ વાહનો માટે દેશભરમાં 70,000થી વધારે ફાસ્ટ ચાર્જર સ્થાપિત કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ ઇ-બસ સેવા ત્રીજી ટર્મમાં શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ દેશભરનાં નાનાં શહેરોમાં આશરે 38,000 ઇ-બસોનાં સંચાલનને સમર્થન આપવાનો છે. ઇવી ઉત્પાદન માટે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતા સતત સમર્થન પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતમાં ઇવી કાર ઉત્પાદનમાં રસ ધરાવતા વૈશ્વિક રોકાણકારો માટે માર્ગો ઊભા કરવામાં આવ્યા છે. આ પ્રયાસો ગુણવત્તાયુક્ત ઇવી ઉત્પાદન ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવામાં અને ભારતમાં વેલ્યુ ચેઇન બનાવવામાં મદદ કરશે.

ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે સૌર ઊર્જા અને વૈકલ્પિક ઇંધણને સતત પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતના જી-20ની અધ્યક્ષતા દરમિયાન ગ્રીન ફ્યૂચર પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતમાં ઇવી અને સૌર ઊર્જા બંને પર નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી સૂર્યગઢ – નિઃશુલ્ક વીજળીની યોજના રૂફટોપ સોલર માટે મોટું અભિયાન છે. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં બેટરી અને સ્ટોરેજ સિસ્ટમની વધતી જતી માગ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, સરકારે એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી સ્ટોરેજને પ્રોત્સાહન આપવા માટે રૂ. 18,000 કરોડની પીએલઆઈ યોજના શરૂ કરી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ માટે આ યોગ્ય સમય છે. તેમણે દેશના યુવાનોને એનર્જી સ્ટોરેજ સેક્ટરમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતમાં ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને બેટરી અને સ્ટોરેજ સિસ્ટમ બનાવી શકે તેવા ઇનોવેશન પર કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, આ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી થઈ રહી છે, પણ તેને મિશન મોડમાં આગળ ધપાવવી જરૂરી છે.

કેન્દ્ર સરકારનાં સ્પષ્ટ ઉદ્દેશ અને કટિબદ્ધતા પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, નવી નીતિઓ ઘડવાની વાત હોય કે પછી સુધારાનો અમલ કરવાની વાત હોય, સરકારનાં પ્રયાસો ચાલુ છે. વાહનોની સ્ક્રેપિંગ નીતિનો લાભ લેવા ઉત્પાદકોને વિનંતી કરતા તેમણે સૂચવ્યું હતું કે, કંપનીઓ તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે વધુ લોકોને પ્રોત્સાહિત કરવા માટે તેમની પોતાની પ્રોત્સાહક યોજનાઓ રજૂ કરી શકે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રેરણા મહત્ત્વપૂર્ણ છે અને દેશનાં વાતાવરણમાં મહત્ત્વપૂર્ણ સેવા કરશે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ઓટોમોટિવ ઉદ્યોગ નવીનતા અને ટેકનોલોજીથી પ્રેરિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભવિષ્ય પૂર્વ, એશિયા અને ભારતનું છે. ભારત તે દરેક રોકાણકાર માટે શ્રેષ્ઠ સ્થળ છે, જેઓ તેમનું ભવિષ્ય મોબિલિટીમાં જોવા ઇચ્છે છે. પોતાનાં સંબોધનનું સમાપન કરતાં શ્રી મોદીએ દરેકને ખાતરી આપી હતી કે, સરકાર સંપૂર્ણ પણે સાથ સહકાર આપી રહી છે અને તેમણે દરેકને “મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ”નાં મંત્ર સાથે આગળ વધવ માટે પ્રોત્સાહિત કર્યાં.

આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી શ્રી મનોહર લાલ, ભારે ઉદ્યોગ અને સ્ટીલ કેન્દ્રીય મંત્રી શ્રી એચ.ડી.કુમારસ્વામી, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી જીતન રામ માંઝી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વ ભાગ

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું આયોજન 17-22 જાન્યુઆરી, 2025 દરમિયાન ત્રણ અલગ અલગ સ્થળો પર કરવામાં આવ્યું છે: નવી દિલ્હીમાં ભારત મંડપમ અને યશોભૂમિ તથા ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો સેન્ટર એન્ડ માર્ટ ખાતે કરાયું છે. એક્સ્પોમાં 9થી વધુ શો, 20થી વધુ કોન્ફરન્સ અને પેવેલિયનનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત આ એક્સ્પોમાં મોબિલિટી ક્ષેત્રે નીતિઓ અને પહેલોને પ્રદર્શિત કરવા માટે રાજ્ય સત્રનું પણ આયોજન કરાશે કે જેથી ઉદ્યોગ અને પ્રાદેશિક સ્તરો વચ્ચે સહયોગ સાધી શકાય.

ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025નો હેતુ સંપૂર્ણ મોબિલિટી વેલ્યૂ ચેનને એક છત હેઠળ લાવવાનો છે. આ વર્ષના એક્સ્પોમાં વૈશ્વિક મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં વિશ્વભરના પ્રદર્શકો અને મુલાકાતીઓ ભાગ લઈ રહ્યાં છે. આ એક ઉદ્યોગ નેતૃત્વવાળી અને સરકાર દ્વારા સમર્થિત પહેલ છે અને તેનું સંકલન એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને ભાગીદાર સંગઠનોના સંયુક્ત સમર્થન સાથે કરવામાં આવી રહ્યું છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com