વણક્કમ
મારા વ્હાલા મિત્રો, ભાઈઓ અને બહેનો
અનગલિલ પાલાર તમિલનટ્ટી સરનથાવરગલ
તમારામાંના ઘણા તામિલનાડુના છે…
અનગલ અનૈવરુક્કુમ વણક્કમ.
તમને સહુને વણક્કમ
ઈન્ડિયાવિન વલારચિયિલ તમિલનટ્ટિન પાંગુ મુક્કઇમ.
ભારતના વિકાસમાં તામિલનાડુની ભૂમિકા મહત્ત્વની છે.
નમસ્કાર,
મલેશિયાના પ્રવાસથી હું ખુશ છું. અને તમારી સાથે, અહીં આ વિશાળ પરિસરમાં ખરો આનંદ થાય છે.
મારા માટે, ભારત એના પ્રદેશ સુધી સીમિત નથી. ભારત વિશ્વના દરેક ભાગમાં વસેલા ભારતીયમાં રહેલું છે. ભારત તમારામાં છે.
હું તમારી સામે ઊભો છું, ત્યારે મને મહાન તમિલ સંત થિરુવલ્લુવરના શબ્દો યાદ આવે છે:
“મિત્રતા એટલે માત્ર ચહેરા પર સ્મિત નહીં. પરંતુ જે હસતા હૃદયમાં ઊંચે અનુભવાય તે.”
મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે તેઓ થિરુવલ્લુવરના થિરુકુર્રલનો મૂળ સ્વરૂપે અભ્યાસ કરવા તમિલ શીખવા ઈચ્છે છે કેમકે તેમના જેવો જ્ઞાનનો ખજાનો બીજા કોઈએ આપ્યો નથી.
મિત્રતા વિશે સંતના શબ્દો હું જ્યારે પણ મલેશિયા આવું છું ત્યારે મને અનુભવાય છે.
હું સરકારમાં ન હતો ત્યારે કે હું ભારતના પ્રધાનમંત્રી તરીકે આવ્યો છું ત્યારે એ બાબતનો મારા અનુભવને જરાય ફરક પડ્યો નથી.
મિત્રતાની હૂંફ અને આવકાર મને એકસરખા અનુભવાયા છે. મલય – ભારતીયોના પ્રેમ અને મૈત્રી મારા હૃદયમાં હંમેશા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
અનેક પેઢીઓ પહેલાં તમારા પૂર્વજો એક અજાણ ભૂમિ પર આવ્યા હતા.
તમારામાંના ઘણા વૈશ્વિકીકરણને પગલે તાજેતરમાં સ્થળાંતર કરીને આવ્યા હશે.
તમે જ્યારે અહીં આવ્યા, તમે જે કોઈ પરિસ્થિતિમાં આવ્યા, સમય અને અંતરે તમારા ભારત માટેના પ્રેમને ઓછો કર્યો નથી.
તહેવારોની રોશની અને રંગોમાં હું આ પ્રેમ જોઈ શકું છું. એ એવાને એવા જ તેજસ્વીતાથી ઝળહળે છે.
હું આ પ્રેમને સંગીતના શુદ્ધ સૂરોમાં, નૃત્યકારના લાવણ્યમાંથી વરસતી કૃપામાં, ભક્તિના ઘંટનાદમાં અને પ્રાર્થનાના પોકારમાં જોવા મળે છે.
અને, ભારતમાં દર વર્ષે યોજાતા પ્રવાસી ભારતીય દિવસમાં મલય – ભારતીયો સૌથી વિશાળ સંખ્યામાં હોય છે.
અને, મલય – ભારતીયો વાઈબ્રન્ટ ગુજરાત સમિટને વધુ વાયબ્રન્ટ બનાવે છે.
એક સમયે ભારત અને મલેશિયા એક જ શાસન હેઠળ હતા. બંને એક જ દાયકામાં સ્વતંત્ર થયા હતા.
અને, સ્વતંત્ર ભારત મલય – ભારતીયોનું કૃતજ્ઞ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવગાથામાં મલેશિયામાં વસેલા ભારતીયોના સંઘર્ષ અને સમર્પણનો હિસ્સો છે.
તમારા અનેક પૂર્વજો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે અને ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાવા આગળ આવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ ઘરની સુખ-સુવિધા છોડીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે ખભેખભા મિલાવીને કૂચ કરવા માટે બહાર નિકળી હતી.
કેપ્ટન લક્ષ્મી સેહગલના નાયબ તરીકે સેવા આપનાર માનનીય શ્રી કેપ્ટન જાનકી અથિ નાહપ્પનને આજે હું ખાસ શ્રદ્ધાંજલિ અર્પું છું. તેઓ ભારતની આઝાદીની લડત માટે અન્ય એક વીરાંગના ઝાંસીની રાણીનું નામકરણ ધરાવતી રેજિમેન્ટમાં હતા.
પ્રત્યેક ભારતીય વતી, હું અનામી અને નહિ ઓળખાયેલા એવા તમામ મલેશિયામાં વસેલા ભારતીયોનું બહુમાન કરું છું, જેમણે ભારતને આઝાદ કરવા માટે પોતાની જાનની બાજી લગાવી દીધી.
તેમના બાળકો અને પૌત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
અને, અહીં કુઆલા લુમ્પુરમાં, આપણે ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રને નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ આપીશું.
70 વર્ષ અગાઉ કરુણ અને ઘાતક વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો.
મલેશિયાની યુદ્ધ ભૂમિ પર જાન કુરબાન કરનારા અગણિત ભારતીય સૈનિકોને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું. જાન ન્યોચ્છાવર કરનારા મોટા ભાગના શીખ સમુદાયના લોકો હતા.
તેમનાં શોણિત હંમેશને માટે મલેશિયાની માટીમાં મળી ગયા છે. એ એવું યુદ્ધ હતું, જે બંને દેશો માટે અગત્યનું હતું. અને, તેમનાં મલેશિયાની ધરતીમાં સમાયેલા રક્તે હવે બંને દેશો વચ્ચે એવાં સંબંધો સ્થાપ્યાં છે કે જે કદાપિ તૂટી શકે તેમ નથી.
અને, તેમના પરાક્રમ અને ફરજપરસ્તીનો જુસ્સો ભારતની પંજાબ રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ અને ડોગરા રેજિમેન્ટમાં જીવંત છે.
પેરાકમાં બેટલ ઑફ કમ્પાર ખાતે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં વૉર મેમોરિયલના નિર્માણ માટે અમે મલેશિયાની સરકાર સાથે કામ કરવા તૈયાર છીએ.
ભાઈઓ અને બહેનો,
મલેશિયામાં વસેલા ભારતીયો નેતાજીના આદેશનો હિંમત અને જુસ્સાથી પ્રતિસાદ આપતા હતા, સાથે સાથે તેઓ મહાત્મા ગાંધીજીના જીવન અને મિશનથી પણ પ્રોત્સાહિત થયા હતા.
સુંગાઈ પેટાનીમાં ભારતીય સમુદાયે મહાત્મા ગાંધીજીની શહાદતના થોડાં જ વર્ષોમાં ગાંધી મેમોરિયલ હોલનું નિર્માણ કર્યું હતું, એ બદલ હું તેમને સલામ કરું છું. તમે ગાંધીજીને મળ્યા ન હતા. ગાંધીજી પણ મલેશિયાની મુલાકાતે આવી શક્યા ન હતા. પરંતુ તેઓ તમારા હૃદયને સ્પર્શ્યા હતા.
અને, સમુદાય તરીકે, તેમની યાદના સન્માન, તેમના સિદ્ધાંતો પ્રત્યે આદર અને માતા ભારત અને માનવજાત માટે તેમણે જે કંઈ કર્યું તેનું ઋણ અદા કરવા માટે એ મેમોરિયલ તમે સ્વયં સાથે મળીને નિર્મિત કર્યું હતું.
આનાથી મૌન દ્વારા આપેલી અંજલિ કાર્યમાં પરિભૂત થઈને જીવંત યાદગીરી તરીકે નિર્માણ પામી.
અને આ ગાંધી મેમોરિયલ હોલ ખાતે આપણે ગાંધીજીની અર્ધ-પ્રતિમાની સ્થાપના કરીશું એ જાહેર કરતાં ખૂબ ગૌરવ અનુભવાય છે.
તમે સેવાનો જુસ્સો મજબૂત રીતે જાળવી રાખ્યો છે. અને, વર્ષ 2001માં મારા ગુજરાત રાજ્ય પર ભૂકંપનો પ્રકોપ થયો હતો, ત્યારે મલય – ભારતીયો સ્વયંભૂ રીતે સાથે મળીને ભંડોળ એકઠું કરીને ભૂકંપનો ભોગ બનેલા લોકોની જિંદગી ફરી શરૂ થાય એ માટે મદદે દોડી આવ્યા હતા.
આઝાદીની લડતથી માંડીને તમારી સંસ્કૃતિની ભવ્યતાને વહેંચવા સુધીના તમારા સતત યોગદાન દ્વારા ભારત તમારા હૃદયમાં વસે છે.
તમે અમારા વિચારોમાં હંમેશા વિશિષ્ટ સ્થાન ધરાવ્યું છે.
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
તમારાં કાર્યોમાં ભારતનો જુસ્સો બોલે છે.
તમે ભારતની ભાષાઓ, ધર્મો અને સંસ્કૃતિની વિવિધતા પ્રતિબિંબિત કરો છો. અને, સંવાદિતાનો જુસ્સો જાળવવા માત્ર મલય – ભારતીયો સાથે જ નહીં, પરંતુ મલેશિયાના વતનીઓ સાથે પણ ખભેખભા મિલાવીને ઊભા છો.
તમારી સિદ્ધિઓથી અમે ગૌરવ અનુભવીએ છીએ. તમે કાળી મજૂરી કરી છે. અહીં તમે ગૌરવશાળી જિંદગી બનાવી છે.
અને, દરેક પેઢી સાથે, તમે રાજકારણ, જાહેર જીવન, સરકાર અને વ્યાવસાયિક સેવાઓમાં વધુને વધુ સફળતા હાંસલ કરી છે.
તમે વેપારમાં સમૃદ્ધિ હાંસલ કરી છે અને ખેતીવાડીને વધુ ઉત્પાદક બનાવી છે.
તમે મલેશિયાનું વધુ વાયબ્રન્ટ મોડર્ન રાષ્ટ્ર તેમજ આર્થિક પાવરહાઉસ તરીકે નિર્માણ કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
અને, ભારત અને મલેશિયા વચ્ચેનાં સંબંધો વધુને વધુ મજબૂત થાય તે માટે તમે મદદરૂપ બન્યા છો.
મલેશિયાના કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. સુબ્રહ્મણ્યમના કામમાં હું આ જોઈ શકું છું. મલય – ભારતીયો જ્યારથી ડૉક્ટર બનવાનું પસંદ કરવા લાગ્યા ત્યારથી આ પદ મલેશિયામાં વસેલા ભારતીયો જ ધરાવે છે.
મને એ વાતનો પણ આનંદ છે કે સન્માનનીય મલેશિયામાં વસેલા ભારતીય દાતુ સામી વેલ્લુ, ભારત અને દક્ષિણ એશિયા વચ્ચેના કોઓપરેશન ઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર (બુનિયાદી માળખા અંગે સહયોગ) માટે મલેશિયાના વિશિષ્ટ પ્રતિનિધિ છે.
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
તમે બંને દેશોની મૈત્રીની જીવંત મિસાલ છો.
આપણી ધરતી જેટલી પુરાણી છે, એટલી જ જૂની ભારત અને મલેશિયા વચ્ચેનાં જોડાણને તમે પ્રતિબિંબિત કરો છો.
કોરોમંડલ અને કલિંગના તટપ્રદેશથી સમુદ્ર દ્વારા વેપાર, વાણિજ્ય અને સંસ્કુતિ મલાયા દ્વિપકલ્પમાં આવ્યા.
વેપારની વાત કરીએ તો, ગુજરાત પણ બહુ દૂર નથી. એટલે, ગુજરાતીઓ પણ વેપારમાં જોડાયા.
કેદાહ રાજ્યના ખીણવિસ્તારમાં બુજંગના શાસનમાં આપણે તામિલનાડુના મહાન પલ્લવ અને ચોલા શાસકોની ભવ્યતાની છબિ જોઈ શકીએ છીએ.
અને મરી મસાલાના વેપારને પગલે આપણાં ખાદ્યપદાર્થોમાં પણ એકસરખી સુવાસ જોવા મળે છે.
બૌદ્ધ સાધુઓના પદચિહ્નો દ્વારા પણ આપણાં જોડાણો જોવા મળે છે. બૌધ્ધ સાધુઓએ બુધ્ધની ધરતી ભારતથી માંડીને દક્ષિણ પૂર્વ એશિયામાં શાંતિનો સંદેશ પ્રસરાવ્યો.
આ આપણા વારસાની ભવ્યતા છે. આપણા આધુનિક જોડાણોનો આ પૌરાણિક પાયો છે.
આજે, મને રામકૃષ્ણ મિશનની મુલાકાત લેવાનું સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ અવસર મારા માટે વ્યક્તિગત રીતે માત્ર અત્યંત આધ્યાત્મિક ક્ષણ જ ન હતી, પરંતુ એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં તેમણે મલેશિયાથી અમેરિકા સુધી કરેલી મહાન યાત્રાને યાદ કરવાની તક પણ હતી.
તેમણે વૈશ્વિક એકતા માટે જુસ્સાભેર આહ્વાન કરતાં ભારતના પૌરાણિક જ્ઞાનને પ્રસ્તુત કર્યું હતું. આપણે જ્યારે અત્યારે વિશ્વના તખ્તા પર એશિયાની સદીનું સ્વપ્ન જોઈ રહ્યા છે, ત્યારે તેમણે એ સમયે એશિયાના લોકોના જુસ્સાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
અને વિશ્વમાં મહાન પડકારોને સમયે, મલેશિયાની ધરતી પર આ પ્રતિમા, સમાજને એકમેકથી અળગા કરી રહેલી ભૂલોને સુધારીને વિશ્વને મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાનું યાદ અપાવે છે.
અને, આવતીકાલે પ્રધાન મંત્રી શ્રી નજીબ અને હું સાથે મળીને બ્રિકફિલ્ડ્સમાં લિટલ ઈન્ડિયા ખાતે તોરાણા દ્વારનું ઉદ્ઘાટન કરીશું.
આ ભારત તરફથી ભેટ છે અને આ દ્વાર ભારતમાં બે હજાર વર્ષ પૂર્વે બંધાયેલા પ્રસિદ્ધ સાંચીના સ્તૂપ જેવો જ દેખાય છે,જે વિશ્વભરમાં બૌદ્ધ ધર્મનું સૌથી પૂજનીય સ્થળ છે.
એટલે, જે કોઈ લિટલ ઈન્ડિયાની મુલાકાત લે, તેને લોકો વચ્ચે શાંતિ, માનવ અને કુદરત વચ્ચે સંવાદિતા અને બે મહાન દેશોના લોકો વચ્ચે સુદૃઢ સંબંધોનો સંદેશ મળતો રહે.
ઉપરાંત, પ્રતિમા અને દ્વાર મલેશિયાની વિવિધતા અને સંવાદિતાની પ્રશસ્તિ છે.
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
મલેશિયાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. માત્ર છ દાયકા પહેલાં મલેશિયા સ્વતંત્ર થયું, છતાં ત્રણ કરોડ લોકોના આ દેશે ગૌરવ લેવા જેવું ઘણું બધું છે.
મલેશિયામાં ગરીબી લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ છે. મૂળભૂત જરૂરિયાતો સમગ્ર વસતીની પહોંચ શક્ય બને તે રીતે સ્થાપી છે. મલેશિયાએ આશરે 100 ટકા શિક્ષણ દર હાંસલ કર્યો છે. અને, જે લોકોને રોજગારની જરૂર હોય અથવા રોજગાર ઈચ્છતા હોય તેવા તમામને રોજગાર આપે છે.
મલેશિયાનો પર્યટન ઉદ્યોગ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. અને, તેણે પ્રકૃતિની સુંદર ભેટો જાળવી રાખી છે.
તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વ કક્ષાનાં છે. વ્યાપાર કરવાની સરળતા ધરાવતા દેશોની યાદીમાં તેનું સ્થાન ઘણું આગળ છે. અને, પાંચ દાયકાથી તે દર વર્ષે છ ટકાથી ઊંચો સરેરાશ વૃદ્ધિ દર નોંધાવે છે.
કોઈ પણ દેશ માટે આ અસાધારણ સિદ્ધિ છે.
પર્યટન માટે મલેશિયાનું એક પ્રસિદ્ધ પ્રચાર-સૂત્ર છે – મલેશિયા, ટ્રુલી એશિયા (મલેશિયા, ખરું એશિયા)
વિવિધતામાં એકતા, પરંપરાઓને આધુનિકતા સાથે જોડવી, નવિનીકરણ અને કઠોર પરિશ્રમ અને શાંતિ જાળવી રાખવી – એ મલેશિયાની સાચી ઓળખ છે.
મિત્રો,
ભારત, તમારા વારસાની ભૂમિએ આઝાદીથી અત્યાર સુધીમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ રાષ્ટ્રને સંસ્થાનવાદે ખોખલું બનાવ્યું હતું અને સ્વતંત્ર દેશ તરીકે તેના જન્મ સમયે ભાગલા દ્વારા તે ખંડિત થયું હતું.
આ અપ્રતિમ વિવિધતાઓ અને વિશાળ સામાજિક અને રાજકીય પડકારોની ભૂમિ છે.
જ્યારે ભારત સ્વતંત્ર બન્યું ત્યારે તેના શરૂઆતના વર્ષોમાં સવાલો ઉઠતા હતા કે તે યુવાવસ્થા સુધી પહોંચી શકશે કે નહીં. ઘણા લોકો એ ઈચ્છતા ન હતા.
આજે ભારત માત્ર સંગઠિત જ નથી, પરંતુ તેણે પોતાની વિવિધતામાંથી શક્તિ સંચિત કરી છે.
એવા અનેક દેશો છે, જ્યાં લોકતંત્રની શરૂઆતમાં ઊંચી આશાઓ હોય પરંતુ સમય જતાં એ આશાઓ ઠગારી નીવડી હોય.
ભારત મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવા 1.25 અબજ લોકોનો ગર્વશીલ લોકતાંત્રિક દેશ છે.
તે એવો યુવાન દેશ છે, જેમાં 80 કરોડ યુવાનો 35 વર્ષથી ઓછી વયના છે.
એ એવો દેશ છે, જ્યારે દરેક નાગરિકનો છે, દરેકને બંધારણની ખાતરી તેમજ અદાલત અને સરકારના રક્ષણ સાથેના સમાન અધિકારો મળે છે.
અમે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ખાદ્યપદાર્થો, ફળો, શાકભાજીઓ અને દૂધના અમે અગ્રણી ઉત્પાદક છીએ.
અમારા વૈજ્ઞાનિકો લોકોનું જીવન ધોરણ સુધરે તે માટે સ્પેસ પાવરનું સામંજસ્ય સાધી રહ્યા છે.
અમે પરમાણુશક્તિને ઉર્જા અને મેડિસીન ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં નિપુણતા કેળવી છે.
અમે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પણ પહોંચી શકે તેવી રસીઓ અને દવાઓ વિકસાવ્યાં છે.
અમે વિશ્વના શ્રેષ્ઠ ઈન્ફર્મેશન ટેકનોલોજી નિષ્ણાતો આપીએ છીએ.
અમારા તબીબો અને એન્જિનિયરો દુનિયાભરમાં સેવા આપે છે.
અને, અમારાં ઉત્પાદનો વૈશ્વિક બજારમાં સ્થાન પામે છે.
અમારાં વિદેશો સાથેનાં સંબંધો વિશ્વમાં શાંતિ પ્રસરાવે છે.
ભારતીય સશસ્ત્ર દળો દેશની સલામતિ અને સ્થિરતા માટે ખડે પગે તૈનાત છે. દુર્ઘટનાઓ સમયે તેઓ રાષ્ટ્રીયતા પૂછ્યા વિના માનવતાની વ્હારે આવે છે.
અને, અમારા દળો વિશ્વભરમાં શાંતિ જાળવવાનાં મિશનોમાં ભાગ લે છે.
અમને આ ઊંચાઈએ લાવનાર અમારા નેતાઓની પેઢીઓનો અમે આભાર માનીએ છીએ.
પરંતુ અમને ખબર છે કે અમારે હજુ લાંબી મજલ કાપવાની છે. અમે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને અમારે જે લક્ષ્યો ચાલુ રાખવાં જોઈએ, તેનાં પુરાવા ગામડાં અને શહેરોમાં છે.
અને, મારી સરકાર એ પરિવર્તન માટે શાસનમાં આવી છે.
અમે ગરીબોને માત્ર સંખ્યાબંધ કાર્યક્રમો સાથે જોડીને જ નહીં, પરંતુ આધુનિક અર્થવ્યવસ્થાનાં લાભ દ્વારા બેન્કો અને વીમાની સાર્વત્રિક પહોંચ ઉપલબ્ધ કરાવીને ગરીબી નાબૂદી હાથ ધરી છે.
વિશ્વમાં એવું કશે બન્યું છે ખરું કે ગણતરીના મહિનાઓમાં 19 કરોડ બેન્ક એકાઉન્ટ્સ ખૂલ્યાં હોય
અમે તેમને કૌશલ્યો અને શિક્ષણ દ્વારા સશક્ત બનાવી રહ્યા છીએ.
અમે એવો માહોલ સર્જી રહ્યા છીએ કે ઉદ્યોગ-સાહસો વિકસે અને લોકોને પોતાની આવકનું સ્તર વધારવાની તકો મળે.
અમે એવાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપી રહ્યાં છીએ, જેમાં લોકો તેમની ઘર, પાણી, સ્વચ્છતા, વીજળી, શાળાઓ અને તબીબી સહાય જેવી મૂળભૂત જરૂરિયાતો આપે તેવી બુનિયાદી સુવિધાઓ ઊભી કરી રહ્યાં છીએ.
અમે વ્યાપાર સુગમ બનાવીએ છીએ. અને, અમે વિચારો, માહિતી, પ્રત્યાયન, વ્યાપાર અને સાયબર જગતમાં મુક્ત આગેકૂચ માટે નવિનીકરણ લાવે તેવાં રાષ્ટ્રીય ડિજિટલ બુનિયાદી ઢાંચો ઊભો કરી રહ્યા છીએ.
અમે અમારા રેલવે તંત્રને દેશમાં નવી આર્થિક ક્રાંતિનું પરિચાલક બળ બનાવી રહ્યા છીએ. અને, અમારા બંદરો અને હવાઈ મથકોને સમૃદ્ધિનાં પ્રવેશદ્વારમાં પરિવર્તિત કરી રહ્યા છીએ.
અને, અમારાં શહેરોને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવાનો, અમારી નદીઓને પુનર્જીવિત કરવાનો અને અમારાં ગામડાંઓનાં સર્વાંગી પરિવર્તન કરવાનો અમારો સંકલ્પ છે.
અને, અમે પર્યટકો માણી શકે અને અમારી ભાવિ પેઢીઓ જોઈ શકે તે માટે પ્રાકૃતિક સંપત્તિઓનું જતન કરીશું.
અને, આ બધું સહેલું નથી. છેવટે તો આપણે 1.25 અબજ લોકોની, 500થી વધુ મોટાં શહેરોની અને છ લાખ ગામડાંની વાત કરી રહ્યા છીએ.
પરંતુ અમને ભારતીયોની હોશિયારી અને ઉદ્યોગ સાહસિકતામાં શ્રદ્ધા છે. અમને અમારા લોકોની સામુહિક શક્તિમાં વિશ્વાસ છે.
એટલે, આ લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે. પરિવર્તનનું ચક્ર ઘુમવા લાગ્યું છે. અને હવે તે વેગ પકડી રહ્યું છે.
અને, એનાં પરિણામો વિકાસનાં આંકડાઓમાં જોવા મળે છે.
વિશ્વભરમાં ભારત અત્યારે સૌથી ઝડપી વિકાસ પામતી અર્થવ્યવસ્થા છે. મને ખબર છે, તમે આ બાબતે ગર્વ અનુભવશો.
અમે દર વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ હાંસલ કરી રહ્યા છીએ, પરંતુ આગામી વર્ષોમાં હજુ વધુ ઊંચો વૃદ્ધિ દર મેળવીશું.
જ્યારે એશિયાના કેટલાક હિસ્સા સહિત વિશ્વના બાકીના દેશોમાં મંદીનો પવન ફૂંકાયો છે, એવા સમયે, દરેક અગ્રણી વૈશ્વિક સંસ્થાને ભારતને મજબૂત વિકાસ ધરાવતા અર્થતંત્ર ગણાવ્યું છે.
શહેરોમાં પરિવર્તન આવ્યું છે. ગામડાંઓમાં ઉત્સાહ ફેલાયો છે. અને, અમારા નાગરિકો, ખાસ કરીને અમારા યુવાનોમાં વિશ્વાસ આવ્યો છે.
અને, સરકારની કામ કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે.
અમે સરકારને પારદર્શી અને જવાબદાર બનાવી રહ્યા છીએ. અમે તમામ સ્તરેથી ભ્રષ્ટાચારને નાથી રહ્યા છીએ. અમે વ્યક્તિગત એષણાઓ દ્વારા નહીં પરંતુ નીતિઓ અને વ્યવસ્થાઓ મારફતે ચાલતું શાસન શરૂ કર્યું છે.
સરકાર અને નાગરિકોના પરસ્પર વાર્તાલાપનો રસ્તો અમે બદલી રહ્યા છીએ. અને, કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે.
હવે રાજ્યો પરસ્પર તંદુરસ્ત સ્પર્ધા કરે છે.
મારા વ્હાલા મિત્રો,
આપણે પરસ્પર – નિર્ભર હોય તેવા વિશ્વમાં રહીએ છીએ. દૂરના કોઈ દેશમાં કોઈ ઘટના બને તેની અસર અન્ય સ્થળે કામ કરતા કોઈ કામદારની આજીવિકાને અસર કરી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ અથવા વિશ્વ વ્યાપાર સંગઠનના કોન્ફરન્સ રૂમમાં લેવાયેલા નિર્ણયની અસર ભારતના ગામડામાં ખેડૂતની જિંદગીને અસર કરી શકે છે.
વિશ્વના એક હિસ્સાની જીવનશૈલી વિશ્વનાં અન્ય કોઈ હિસ્સાની આબોહવા અને કૃષિ પર અસર કરી શકે છે.
આપણે પરસ્પરનાં બજારો અને સ્ત્રોની જરૂર છે.
એટલે, આપણો રાષ્ટ્રીય વિકાસ, આપણા આંતરરાષ્ટ્રીય ભાગીદારોની શક્તિ અને સફળતા પર આધારિત છે.
આપણે મિત્રો અને સહયોગીઓ શોધવા દૂર નજર દોડાવવાની જરૂર નથી.
દક્ષિણપૂર્વ એશિયા જમીન અને દરિયા માર્ગે આપણું પાડોશી છે. તે વિશ્વનાં સૌથી ગતિશીલ અને શાંતિપૂર્ણ પ્રદેશોમાં સ્થાન ધરાવે છે. તે સંસ્કૃતિ, નિપુણતા, ઉદ્યોગ-સાહસિકતા અને કઠોર પરિશ્રમનો પ્રદેશ છે.
દક્ષિણપૂર્વ એશિયાના દેશો સાથે ભારત સુદૃઢ સંબંધો ધરાવે છે.
આસિયાન દેશો સાથે અમારી મજબૂત ભાગીદારી છે. મેં હમણાં જ ભારત-આસિયાન સમિટમાં ભાગ લીધો હતો.
આ એવો પ્રદેશ છે, જ્યાં અમારા આર્થિક સંબંધો ઝડપથી વધી રહ્યા છે. અને, તેનાથી અનેક ભારતીય પર્યટકો આકર્ષાય છે.
મિત્રો,
મલેશિયા અમારું મજબૂત ભાગીદાર અને આ પ્રદેશમાં સૌથી નિકટનું મિત્ર રહ્યું છે તેનો મને આનંદ છે.
મલેશિયાની કંપનીઓ ઉત્કૃષ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. મલેશિયાની બહાર તેઓ સૌથી વધુ ભારતમાં હાજરી ધરાવે છે.
મલેશિયાના રોકાણકારો વિશ્વના બીજા સૌથી મોટા ટેલીકોમ માર્કેટ – ભારતમાં હાજરી ધરાવે છે.
ભારતીય કંપની ઈરકોન (આઈઆરસીઓએન), મલેશિયામાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં મદદ કરી રહી છે.
મલેશિયામાં 150થી વધુ ભારતીય કંપનીઓ છે. 50 કરતાં વધુ ભારતીય આઈટી કંપનીઓ અહીં છે.
આસિયાનમાં મલેશિયા અમારા સૌથી મોટા વેપાર ભાગીદાર દેશોમાં સ્થાન ધરવે છે, પંરતુ અમે સહયોગ હજુ વધારવા માંગીએ છીએ.
ભારત, મલેશિયાના પર્યટકોનું સૌથી મોટું સ્ત્રોત છે. અને દર અઠવાડિયે ભારત અને મલેશિયા વચ્ચે 170 ફ્લાઈટ્સ ઉડે છે.
આયુર્વેદ અને ઉનાની જેવી પરંપરાગત દવાઓ માટે પણ ભારત અને મલેશિયા શ્રેષ્ઠ સહયોગીઓ છે.
અમે અમારા નાગરિકોને સલામત રાખવા માટે પણ સાથે મળીને કામ કરીએ છીએ.
સંરક્ષણ ક્ષેત્રે અમારાં સંબંધો મજબૂત છે. ભારતીય હવાઈ દળે મલેશિયાના હવાઈ દળને તાલીમમાં બે વર્ષ મદદ કરી હતી. અમે અવકાશ ક્ષેત્ર સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને ભૂમિ, સમદ્ર અને આકાશ ત્રણેય ક્ષેત્રે સંરક્ષણમાં સાથે મળીને કામ કરવાની શક્યતાઓ તપાસી રહ્યા છીએ.
આપણી સુરક્ષા એજન્સીઓ આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને કામ કરે છે. મજબૂત સુરક્ષા સહયોગ બદલ હું મલેશિયાની સરકારનો આભાર વ્યક્ત કરવા માંગું છું.
આજે વિશ્વમાં આતંકવાદ સૌથી મોટો પડકાર છે. તેને કોઈ સરહદો નડતી નથી. તે લોકોને પોતાના ઉદ્દેશો માટે કાર્યરત બનાવવા ધર્મનું નામ વાપરે છે. પરંતુ આ ખોટું છે.
અને, તે તમામ સંપ્રદાયના લોકોને મોતને ઘાટ ઉતારે છે. આપણે ધર્મ અને આતંકવાદને અલગ કરવાની જરૂર છે.
એકમાત્ર તફાવત છે કે માનવતામાં શ્રદ્ધા ધરાવતા લોકો અને અમાનવીય લોકો.
મેં અગાઉ પણ કહ્યું હતું અને અહીં પણ કહું છું. વર્તમાન સમયના આ સૌથી મોટા પડકાર સામે ટક્કર લેવા સમગ્ર વિશ્વએ હાથ મિલાવવા પડશે.
આપણે ગુપ્તચર સહયોગ વધુ મજબૂત કરી શકીએ તેમ છીએ. આપણે મિલિટરીનો ઉપયોગ કરી શકીએ તેમ છીએ. આપણે સાથે મળીને આંતરરાષ્ટ્રીય કાયદાકીય વ્યવસ્થા વધુ મજબૂત કરી શકીએ તેમ છીએ.
પરંતુ, હું જ્યારે એમ કહું છું કે સમગ્ર વિશ્વએ હાથ મિલાવવા પડશે ત્યારે આ માત્ર સુરક્ષાના સહયોગની વાત નથી.
એનો મતલબ છે કે કોઈ પણ દેશ આતંકવાદનો ઉપયોગ નહીં કરે અથવા તેને પ્રોત્સાહન પણ નહીં આપે. આતંકવાદને નાથવા કોઈ અભયારણ્યો નથી, કોઈ ભંડોળ નથી. કોઈ હથિયારો નથી.
પરંતુ આપણે આપણા સમાજમાં જ રહીને આતંકવાદ વિરુદ્ધ આપણા યુવાનો સાથે જંગ છેડવાનો છે. અમને વાલીઓ, સમુદાયો અને ધાર્મિક મોવડીઓનો સહયોગ જોઈએ છે. અને આપણે એ વાતની ખાતરી મેળવવી પડશે કે ઈન્ટરનેટના માધ્યમને આતંકવાદીઓ ભરતીનું સાધન ન બનાવી દે…
આપણે આપણા દેશોમાં શાંતિપૂર્ણ સંબંધો, પરસ્પર સમજ અને સહયોગને પ્રોત્સાહન આપવું પડશે. ઉજ્જ્વળ ભવિષ્ય માટે શાંતિ જ એકમાત્ર પાયો છે.
આપણાં ઘણાં હિતો અને પડકારો એકસરખાં છે. એટલે, આ પ્રદેશના નાના અને મોટા – તમામ દેશોએ સાથે મળીને વેપાર-વાણિજ્ય તેમજ આપણી આર્થિક ઉન્નતિ માટે દેશોમાં સલામતિ જળવાઈ રહે, આપણા સમુદ્રો મુક્ત અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
મિત્રો,
હું મહામહિમ, પ્રધાનમંત્રી શ્રી નજીબને આપણાં સંબંધો વધુ આગળ લઈ જવા માટે મળીશ.
ઘનિષ્ટ સંબંધોથી ભારત અને મલેશિયાને ઘણો લાભ થશે.
આપણે જે કંઈ કરવાનું નક્કી કરીએ, એકબીજાનો સાથ હશે.
ભારત અને મલેશિયાનાં સંબંધો દ્વારા તમે વધુ ઉલ્લાસમય જીવન અને તાકાતનો અનુભવ કરી શકશો.
વિકાસની દિશામાં ભારતની કૂચમાં તમારી ભાગીદારી માટે અમે હંમેશા આતુર હોઈશું અને આ વિશિષ્ટ સંબંધને હજુ વધુ આગળ લઈ જઈશું.
પરંતુ, અમારે મન હજુ વધુ કિમતી બાબત આપણને બાંધી રાખનાર પ્રેમ અને લાગણી છે. એ અમૂલ્ય છે અને કોઈ માપદંડો વડે માપી શકાય તેમ નથી.
અંતર અને નિયમનોની મુશ્કેલીઓ છતાં તમે અમારી સાથે જોડાયેલાં રહ્યા છો. તમે અમારા વારસાની ઝલક દર્શાવતી ખિડકી અને અમારા વિકાસને પ્રતિબિંબિત કરતો અરીસો છો.
તમે ભારત અને તમારા દેશ વચ્ચેનો સેતુ છો.
તમે ભારતમાં પરિવારો અને સમુદાયોને સહાયરૂપ બનો છો. તમારામાંથી ઘણા લોકો કોઈ બાળકને શાળાએ જવામાં અને કોઈ માતાને સ્વાસ્થ્ય સંભાળની સવલત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બની રહ્યા છે.
તમે કોઈ બદલા કે નામનાની અપેક્ષા વિના આ કામ કરી રહ્યા છો. એટલે અમારે તમારા માટે જે કંઈ કરી શકાય તેમ હોય તે કરવું જ જોઈએ.
અમે ઓસીઆઈ અને પીઆઈઓ કાર્ડ મર્જ કરી દીધાં છે અને વિઝા જીવનપર્યંત બનાવી દીધા છે. વધુમાં, ચોથી પેઢી સુધીની ભારતીય પેઢી હોય તો પણ ઓસીઆઈ માટે નોંધણી શક્ય બનાવી છે. આ ખાસ કરીને, પેઢીઓ પહેલાં જેમના પૂર્વજો મલેશિયામાં વસેલા તેવા મલય – ભારતીયો માટે મદદરૂપ થશે.
સગીર બાળકો જે વિદેશી નાગરિકત્વ ધરાવતા હોય અને વિદેશી નાગરિકત્વ ધરાવતા પતિ કે પત્ની હોય તેમને પણ હવે ઓસીઆઈ દરજ્જો મળશે.
અમે ઈ-વિઝા પદ્ધતિ શરૂ કરી છે, જેનાથી પ્રવાસ સુગમ બન્યો છે.
અહીં, મલેશિયામાં, અમે નવ વિઝા કલેક્શન સેન્ટર્સ ખોલ્યાં છે. ઈમાઈગ્રેટ નામનું પોર્ટલ છે, જેનાથી કામદારોને ચોક્કસ દેશોમાં જવાનું સરળ અને સલામત બન્યું છે. તેના પરથી જે વિદેશી રોજગાર આપનાર સામે કેસો પેન્ડિંગ હોય તેના વિશે સત્તાવાર ચેતવણીઓ પણ મેળવી શકાય છે.
અમે ઈન્ડિયન કોમ્યુનિટી વેલફેર ફંડની રચના પણ કરી છે અને વિદેશમાં પીડિત ભારતીય મહિલાઓને મદદ કરતું ફંડ પણ છે.
એવો સમય પણ હતો જ્યારે ભારતના કામદારો અહીં મુશ્કેલીઓમાં મૂકાઈ જતા હતા. તેમના કલ્યાણ અને સલામતિ અમારી ચિંતાના મુખ્ય વિષયો છે.
ગયા વર્ષે અમે 8000થી વધુ ભારતીય કામદારોને સલામત રીતે ઘરે પરત ફરવા માટે મદદ કરી હતી.
મલેશિયામાં શિક્ષણ માટે પૂરતાં સાધનો-નાણાંનો અભાવ હોય તેવાં મલેશિયામાં વસતા ભારતીય બાળકોને નાણાંકીય મદદ કરવા 1954માં ઈન્ડિયા-સ્ટુડન્ટ્સ ટ્રસ્ટ ફંડ સ્થાપવામાં આવ્યું હતું.
મલેશિયામાં ભારતીય સમુદાયનો એક વર્ગ એવો છે, જેને હજુ પણ આ ફંડની જરૂર છે. અમને એ જણાવતાં આનંદ થાય છે કે આ ટ્રસ્ટ ફંડને કોર્પસ માટે વધારાના ભંડોળ તરીકે અમે આશરે એક મિલિયન અમેરિકન ડોલરનું અનુદાન જાહેર કરીએ છીએ.
તમારા હજારો બાળકો ડોક્ટર બનવા (તબીબી શિક્ષણ માટે) ભારત જાય છે. આપણા સમાજમાં ડોક્ટરો મહત્ત્વપૂર્ણ જરૂરિયાત છે, છતાં હું આશા રાખું છું કે તમે અન્ય ક્ષેત્રોમાં શિક્ષણની તકોનો પણ લાભ લેશો.
મલેશિયા અને ભારતે બંને દેશો દ્વારા અપાતી પદવીઓને તાત્કાલિક માન્ય કરવી જોઈએ. આ મુદ્દો હું પ્રધાનમંત્રી શ્રી નજીબ સાથે ચર્ચવા વિચારું છું.
અંતમાં, તમે જે સ્થાન હાંસલ કર્યું છે, આ સમાજ સાથે જે રીતે સુમેળ સાધીને રહી રહ્યા છો અને જે સિદ્ધિઓ મેળવી છે તેના માટે અમે ગર્વ અનુભવીએ છીએ. પડકારો હંમેશા રહે છે, પરંતુ સ્વપ્નો પણ હોય છે.
અને પેઢી દર પેઢી પડકારોથી નહીં પરંતુ સફળતાઓથી ઓળખાતી રહે છે.
એટલે હું તમને તમારા પોતાના માટે, મલેશિયા માટે અને બંને મહાન દેશો માટે સ્વપ્નો જોવાનું ચાલુ રાખવા જણાવું છું.
છેલ્લે હું માનવતાની મહાન મિસાલ, તામિલનાડુના દરિયાકિનારેથી આવેલા ભારતના મહાન પુત્રના શબ્દો સાથે રજા લઈશ.
આધુનિક ભારતના ઘડવૈયાઓમાંના એક સ્વર્ગીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ વર્ષ 2008માં અહીં આવ્યા હતા.
તેમને અહીં ફરી પણ આવવું હતું, પરંતુ ઈશ્વરની મરજી કંઈક જુદી હતી. પરંતુ તેમનું જીવન, તેમનો સંદેશ અને તેમનાં સ્વપ્નો હંમેશા પ્રેરણાનો સ્ત્રોત રહેશે.
તેમણે કહ્યું હતું – ખાસ કરીને યુવાનોને મારો સંદેશ છે કે
કંઈક અલગ વિચારવાની હિંમત કરો,
કંઈક નવું શોધવાનું સાહસ કરો, વણખેડાયેલા માર્ગો પર ચાલવાની નીડરતા દાખવો,
અશક્યને શોધવાનો સંકલ્પ કરો,
અને મુશ્કેલીઓનો બહાદુરીપૂર્વક સામનો કરીને સફળ થાઓ.
એટલે યાદ રાખો કે તમારી સફળતામાં માત્ર મલેશિયાવાસીઓને જ નહીં પરંતુ 1.25 અબજ ભારતીયોને પણ આનંદ અને ગૌરવ થશે.
ઈશ્વર તમારું ભલું કરે. આભાર.
વણક્કમ, નમસ્તે.
UM/J.Khunt/GP
Splendid interaction with Malaysia's Indian community. They are the living bonds of India-Malaysia friendship. https://t.co/tffHywHfKz
— Narendra Modi (@narendramodi) November 22, 2015
We appreciate the love of Malaya Indians towards India. Remembered Subhas Babu & the INA, which was strengthened by many Malaya Indians.
— Narendra Modi (@narendramodi) November 22, 2015