પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મોરેશિયસનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ જગન્નાથને મળ્યાં હતાં. પ્રધાનમંત્રી જગન્નાથ તેમનાં પત્ની શ્રીમતી કોબિતા જગન્નાથ સાથે ભારતની અંગત મુલાકાતે આવ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ શાનદાર જનાદેશ સાથે બીજી વાર ચૂંટણી જીતવા બદલ પ્રધાનમંત્રી જગન્નાથને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી જગન્નાથે શ્રી મોદીનો આભાર માનીને પારસ્પરિક ભાઈચારાને વધારે મજબૂત અને ઘનિષ્ઠ બનાવવા તેમજ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ટકાઉ બનાવવા માટે પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રી જગન્નાથે મોરેશિયસમાં લાગુ થઈ રહેલી અનેક વિકાસ યોજનાઓ આગળ વધારવા માટે ભારતની પ્રશંસા કરી હતી, જેમાં મેટ્રો એક્સપ્રેસ યોજના, ઈએનટી હોસ્પિટલ, સામાજિક મકાન યોજના સામેલ હતી. આ યોજનાઓથી લોકોને વાસ્તવિક લાભ થયો છે.
પ્રધાનમંત્રી જગન્નાથે કહ્યું હતું કે, મોરેશિયસના સંપૂર્ણ વિકાસની ગતિને વેગ આપવા અને ભારતની સાથે સંબંધને વિવિધ ક્ષેત્રોમાં મજબૂત બનાવવો તેમનાં કાર્યકાળની પ્રાથમિકતા હશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ભારત આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, મોરેશિયસની સરકાર અને ત્યાંના લોકો પોતાનાં દેશને વધારે સુરક્ષિત, ટકાઉ અને સમૃદ્ધ બનાવવાની પોતાની આકાંક્ષાઓમાં ભારતનાં સંપૂર્ણ સમર્થન અને સતત સમન્વય પર પૂરો ભરોસો રાખી શકે છે.
બંને નેતાઓને વિવિધ ક્ષેત્રોમાં ગાઢ દ્વિપક્ષીય સંબંધોનું નિર્માણ કરવા અને તેમને મજબૂત બનાવવા તથા પારસ્પરિક હિતોની પ્રાથમિકતાઓને આધારે જોડાણનાં નવા ક્ષેત્રોની ઓળખ કરવા ગાઢપણે કામ કરવાની સમંતિ વ્યક્ત કરી હતી.
RP