ભૂતાનના પ્રધાનમંત્રી ડૉ. લોટે ત્શેરીંગ ૩૦ મે, 2019ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.
આજે યોજવામાં આવેલ દ્વિપક્ષીય બેઠકમાં ડૉ. લોટે ત્શેરીંગે ભારતમાં તાજેતરમાં જ સંપન્ન થયેલ સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ફરીથી કાર્યભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભૂતાનના આદરણીય રાજાની શુભકામનાઓ અને ભૂતાનના લોકોની શુભેચ્છાઓ પણ પ્રધાનમંત્રી અને ભારતના લોકોને પાઠવી હતી. પ્રધાનમંત્રી ડૉ. ત્શેરીંગે જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી મોદી અને ભારત સરકાર સાથે મળીને આગળ કામ કરવા ઉત્સુક છે. આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી મોદીને સત્વરે ભૂતાનની મુલાકાતે આવવા આમંત્રણ પણ પાઠવ્યું હતુ.
પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છાઓ પાઠવવા બદલ અને શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ ભૂતાનના પ્રધાનમંત્રીનો ઉષ્માપૂર્ણ આભાર માન્યો હતો. તેમણે ખાતરી ઉચ્ચારી હતી કે ભારત ભૂતાન સાથે હાયડ્રો પાવર ક્ષેત્રમાં સહયોગ સહિત વિકાસની ભાગીદારીના ઊંડા મહત્વને માન આપે છે. તેમણે વિશાળ સમૃદ્ધિ અને કલ્યાણ માટેની ભૂતાનની દ્રઢ ઝંખનામાં ભૂતાન સાથે ભાગીદારી કરવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ અનુકૂળ સમય પર ભૂતાનની મુલાકાત લેવાના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
આ મુલાકાત મૈત્રીપૂર્ણ અને ઉષ્માપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. તેમાં બંને દેશો વચ્ચે વિશ્વાસની ભાવના, સહયોગ અને પારસ્પરિક સમજૂતીનું પ્રતિબિંબ છલકાતું હતું કે જે બંને દેશો વચ્ચેના પ્રગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને વ્યાખ્યાયિત કરે છે.
RP