Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીએ જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે સંવાદ કર્યો

પ્રધાનમંત્રી મોદીએ જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે સંવાદ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ/ ગ્રામ્ય જળ અને સેનિટાઇઝેશન સમિતિ (VWCS) સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ પ્રસંગે હિતધારકોમાં જાગૃતિમાં વધારો કરવા માટે અને આ મિશન હેઠળ યોજનામાં વધારે પારદર્શકતા તેમજ જવાબદારી માટે જળ જીવન મિશન એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય જળ કોષનો પણ પ્રારંભ કર્યો હતો, જ્યાં કોઇપણ વ્યક્તિ, સંસ્થા, નિગમ અથવા પરોપકારીઓ, ભલે તે ભારતીય હોય કે વિદેશી તેઓ, દરેક ગ્રામ્ય પરિવાર, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આશ્રમ શાળા અને અન્ય સાર્વજનિક સંસ્થાઓમાં નળ દ્વારા પાણીના જોડાણો પૂરા પાડવા માટે મદદરૂપ થવાના આશયથી યોગદાન આપી શકે છે. ગ્રામ પંચાયતો અને પાણી સમિતિના સભ્યો ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ આ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

સમિતિઓ સાથે વાતચીત કરતી વખતે પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં આવેલા ઉમેરી ગામના રહેવાસી શ્રી ગિરિજાપ્રસાદ તિવારીને તેમના ગામમાં જળ જીવન મિશનના પ્રભાવ અંગે પૂછ્યું હતું. શ્રી તિવારીએ માહિતી આપી હતી કે, હવે તેમને સ્વચ્છ અન સલામત પાણી ઉપલબ્ધ થાય છે અને આના કારણે ગામડાંમાં મહિલાઓના જીવનમાં પણ ઘણો સુધારો આવ્યો છે. પ્રધાનમંત્રીએ શ્રી તિવારીને પૂછ્યું હતું કે, શું તેમના ગામવાસીઓને લાગતુ હતું કે તેમને ક્યારેય પાઇપ દ્વારા પાણીનું જોડાણ મળશે અને હવે તેમને કેવું લાગી રહ્યું છે. શ્રી તિવારીએ આ મિશન માટે ગામડામાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત પ્રયાસો અંગે વાત કરી હતી. શ્રી તિવારીએ માહિતી આપી હતી કે, ગામમાં દરેક પરિવારમાં શૌચાલયની વ્યવસ્થા થઇ ગઇ છે અને દરેક લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ બુંદેલખંડના ગામવાસીઓની સમર્પણ ભાવનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, મહિલાઓ વધુ સશક્ત બની રહી છે અને પીએમ આવાસ, ઉજ્જવલા તેમજ જળ જીવન મિશન જેવી યોજનાઓ મારફતે તેમનું સન્માન ફરી પાછું મેળવી રહી છે.

 

પ્રધાનમંત્રીએ ગુજરાતના પીપળીના રહેવાસી શ્રી રમેશભાઇ સાથે વાત કરતી વખતે તેમના ગામમાં પાણીની ઉપલબ્ધતા અંગે પૂછ્યું હતું. તેમણે પાણીની ગુણવત્તાની ચકાસણી રોજ કરવામાં આવે છે કે નહીં તેના વિશે પણ માહિતી જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શ્રી રમેશભાઇએ માહિતી આપી હતી કે, પાણીની ગુણવત્તા સારી છે અને ગામની મહિલાઓને ગુણવત્તા ચકાસવા માટે તાલીમ આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ પીવાના પાણી માટે નાણાંની ચુકવણી કરે છે કે નહીં તેના વિશે પણ પૂછ્યું હતું. શ્રી રમેશભાઇએ માહિતી આપી હતી કે, ગામડાઓ માટે પાણીનું મૂલ્ય ખૂબ જ સ્પષ્ટ છે અને તેના માટે ચુકવવાની તૈયારી છે. પ્રધાનમંત્રીએ પાણી બચાવવા માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગ વિશે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીને તેમણે માહિતી આપી હતી કે, ગામડાંમાં નવતર સિંચાઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન 2.0 નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, લોકોએ સ્વચ્છતા માટે આ મિશનને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન આપ્યું છે અને જળ જીવન મિશનને પણ એવી જ સફળતા પ્રાપ્ત થશે તેવી આશા રાખે છે.

 

પ્રધાનમંત્રી ઉત્તરાખંડના શ્રીમતી કૌશલ્યા રાવતને જળ જીવન મિશન પહેલાં અને પછીના સમયમાં પાણીની ઉપલબ્ધતાની સ્થિતિ અંગે પૂછ્યું હતું. તેમણે પણ એવી માહિતી આપી હતી કે, જળ જીવન મિશન દ્વારા પાણીની ઉપલબ્ધતા થયા પછી તેમના ગામમાં પર્યટકોએ આવવાનું અને હોમસ્ટેમાં રહેવાનું શરૂ કર્યું છે. શ્રીમતી રાવતે માહિતી આપી હતી કે, તેમના ગામમાં સંપૂર્ણ રસીકરણ થયેલું છે. પ્રધાનમંત્રીએ વનીકરણ, સુધારેલું પર્યટન અને હોમસ્ટે જેવી દીર્ઘકાલિન પદ્ધતિઓ અપનાવવા બદલ તેમની અને ગામડાંઓની પ્રશંસા કરી.

 

પ્રધાનમંત્રીએ તમિલનાડુના વેલ્લેરીના રહેવાસી શ્રીમતી સુધાને પૂછ્યું હતું કે, જળ જીવન મિશનના કારણે તેમના ગામડામાં શું અસર જોવા મળી છે. તેમણે માહિતી આપી હતી કે, આ મિશન પછી તમામ ઘરોને પાઇપ દ્વારા પીવાના પાણીનું જોડાણ પ્રાપ્ત થયું છે. પ્રધાનમંત્રીએ તેમના ગામમાં તૈયાર થતી વિશ્વ વિખ્યાત અરની સિલ્કની સાડી અંગે પણ પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ એવું પણ પૂછ્યું હતું કે, તેમના ગામમાં પરિવારોને પાઇપ દ્વારા પીવાના પાણીનું જોડાણ મળ્યા પછી શું અન્ય પારિવારિક પ્રવૃત્તિઓ કરવા માટે તેમની પાસે સમયની બચત થવા લાગી છે. શ્રીમતી સુધાએ માહિતી આપી હતી કે, પાણીની ઉપલબ્ધતાના કારણે તેમના જીવનમાં સુધારો આવ્યો છે અને તેમની પાસે અન્ય ઉત્પાદક પ્રવૃત્તિઓ કરવા માટે સમય રહે છે. તેમણે વરસાદી પાણીને બચાવવા અને સંગ્રહ કરવા માટે તેમના ગામ દ્વારા ચેકડેમ, તળાવ વગેરેના નિર્માણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી.

 

પ્રધાનમંત્રી શ્રી મોદી મણીપુરના રહેવાસી શ્રીમતી લૈથેન્થમ સરોજિની દેવીજી સાથે સંવાદ કરતા હતા ત્યારે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા કે, અગાઉ ખૂબ જ દૂરના અંતરે જવાથી જ પાણી મળતું હતું અને ત્યાં ગયા પછી પણ લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું. જોકે, હવે તમામ ઘરોમાં પાઇપ દ્વારા પાણી પહોંચી રહ્યું હોવાથી પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ODF થવાથી અને સંપૂર્ણ રીતે ગામડાઓને આવરી લેવાથી ગામડાઓમાં આરોગ્યની ઘણી સારી સ્થિતિ પણ પ્રાપ્ત થઇ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, તેના ગામમાં પાણીની ગુણવત્તાનું નિયમિત ધોરણે પરીક્ષણ કરવામાં આવે છે અને પાંચ મહિલાઓને આ પરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકાર લોકોના જીવનમાં સરળતા લાવવા માટે એકધારી કામ કરી રહી છે. તેમણે એ બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો કે, પૂર્વોત્તરમાં જીવનધોરણમાં વાસ્તવમાં પરિવર્તન આવી રહ્યું છે.

 

ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાંઓ બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીજીના હૃદયનો ભાગ હતા. તેમણે ખુશી વ્યક્ત કરી કે, આ દિવસે દેશભરના લાખો ગામડાંઓના લોકો ગ્રામ સભાના રૂપમાં જળ જીવન સંવાદનું આયોજન કરી રહ્યા છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જળ જીવન મિશનની દૂરંદેશી ફક્ત લોકો માટે પાણી સુલભ કરાવવા પૂરતી નથી. આ પણ વિકેન્દ્રીકરણની એક મોટી ઝુંબેશ છે. તેમણે જણાવ્યું હતું કે, આ ગામડાંઓ દ્વારા ચાલિત- મહિલાઓ દ્વારા ચાલિત એક ઝુંબેશ છે. તેનો મુખ્ય આધાર જન આંદોલન અને લોક ભાગીદારી છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ગાંધીજી કહેતા હતા કે ગ્રામ સ્વરાજનો વાસ્તવિક અર્થ છે આત્મવિશ્વાસથી ભરેલા હોવું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આથી જ મારા સતત એવા પ્રયાસો રહ્યાં છે કે, ગ્રામ સ્વરાજની આ વિચારધારાને પરિપૂર્ણ કરવાની દિશામાં આગળ ધપાવવી જોઇએ.” શ્રી મોદીએ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આરૂઢ હતા ત્યારે પોતાના કાર્યકાળ દરમિયાન ગ્રામ સ્વરાજ માટે લેવામાં આવેલા વિવિધ પગલાં જેમકે ODF ગામડાઓ માટે નિલમ ગાંવ, ગામડાંઓમાં જુના બોર અને કુવા ફરી કાર્યરત કરવા માટે જળ મંદિર અભિયાન, ગામડાઓમાં 24 કલાક વીજળી માટે જ્યોતિગ્રામ, ગામડાઓમાં પારસ્પરિત વિશ્વાસ માટે તીર્થ ગ્રામ અને ગામડાંઓમાં બ્રોડબેન્ડ સેવાઓ માટે ઇ-ગ્રામ વગેરેને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી તરીકે પણ, તેમણે યોજનાઓના આયોજન અને સંચાલનમાં સ્થાનિક સમુદાયોને સામેલ કરવાનું કામ કર્યું છે. તેમણે માહિતી આપી કે, આના માટે ખાસ કરીને પાણી અને સ્વચ્છતા માટે, રૂપિયા 2.5 લાખ કરોડ કરતાં વધારે રકમ ગ્રામ પંચાયતોને સીધી જ  આપવામાં આવી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, પંચાયતોના કામકાજમાં સત્તાની સાથે સાથે પારદર્શિતા આવે તેના પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જળ જીવન મિશન અને પાણી સમિતિઓ ગ્રામ સ્વરાજ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનું મુખ્ય ઉદાહરણ છે.

 

પાણીની સમસ્યાના ઉકેલ માટે લોકપ્રિય પરિકલ્પનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ફિલ્મો, વાર્તાઓ, કવિતાઓ વિશે વાત કરી હતી જેમાં વિગતવાર જણાવેલું છે કે, કેવી રીતે ગામડાંઓની મહિલાઓ અને બાળકોને પાણી લાવવા માટે માઇલો દૂર સુધી ચાલીને જવું પડે છે. કેટલાક લોકોના મનમાં ગામનું નામ લેતાની સાથે જ આ છબી ઉપસી આવે છે. પ્રધાનમંત્રીએ પ્રશ્ન કર્યો હતો કે, આ સવાલ અંગે શા માટે માત્ર બહુ ઓછા લોકો જ વિચારે છે: શા માટે આ લોકોને દરરોજ કોઈ નદી કે તળાવમાં જવું પડે છે, આખરે, શા માટે પાણી આ લોકો સુધી નથી પહોંચતું? પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “મને લાગે છે કે, લાંબા સમયથી જેમના પર નીતિઓ ઘડવાની જવાબદારી હતી તેમણે જ પોતાની જાતને આ સવાલ કરવો જોઇએ.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કદાચ અગાઉના નીતિ ઘડનારાઓને પાણીનું મહત્વ જ સમજાયું નહોતું કારણ કે તેઓ પાણીથી સમૃદ્ધ ક્ષેત્રોમાંથી આવતા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા રાજ્યમાંથી તેઓ આવતા હોવાથી તેમણે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ જોઇ છે અને પાણીના દરેક ટીપાંનું મહત્વ સમજે છે. આથી જ, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાણી સુધીની પહોંચ અને જળ સંરક્ષણ તેમની મુખ્ય પ્રાથમિકતાઓમાંથી એક હતા.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી મળી ત્યારથી 2019 સુધીમાં, આપણા દેશમાં માત્ર 3 કરોડ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચતુ હતું. 2019માં જળ જીવન મિશનનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં, 5 કરોડ ઘરોને પાણીના જોડાણ સાથે સાંકળી લેવામાં આવ્યા છે. આજે દેશના લગભગ 80 જિલ્લાઓના અંદાજે 1.25 લાખ ગામડાંઓમાં દરેક ઘરમાં પાઇપ દ્વારા પાણી પહોંચી રહ્યું છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં નળના જોડાણોની સંખ્યા 31 લાખથી વધીને 1.16 કરોડ સુધી પહોંચી ગઇ છે.

 

તેમણે નોંધ્યું હતું કે, છેલ્લા સાત દાયકામાં પણ જે કામ નથી થઇ શક્યું તે કામ માત્ર બે વર્ષમાં જ કરવામાં આવ્યું છે. તેમણે પાણીથી સમૃદ્ધ ક્ષેત્રોમાં રહેતા દેશના દરેક નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ પાણી બચાવવા માટે શક્ય હોય એટલા વધારે પ્રયાસો કરે. આ માટે તેમણે પોતાની આદતોમાં પરિવર્તન લાવવા માટે પણ લોકોને આહ્વાન કર્યું હતું.

 

પ્રધાનમંત્રીએ દેશની દીકરીઓના આરોગ્ય અને સલામતીમાં સુધારો લાવવા માટે લેવાયેલા પગલાં પણ ગણાવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, દરેક ઘર અને શાળામાં શૌચાલય, પરવડે તેવા દરે સેનેટરી પેડ્સ, ગર્ભાવસ્થા દરમિયાન પોષણ સહાય અને ઇમ્યુનાઇઝેશન જેવા પગલાંઓથી માતૃશક્તિવધારે મજબૂત બની છે. તેમણે માહિતી આપી હતી કે, ગામડાંઓમાં બાંધવામાં આવેલા 2.5 કરોડ મકાનોમાંથી મોટાભાગના મકાનો મહિલાઓના નામે છે. ઉજ્જવલા યોજનાનો અમલ કરવાથી મહિલાઓને ધૂમાડાથી ભરેલા જીવનમાંથી મુક્તિ મળી છે. સ્વ સહાય સમૂહો દ્વારા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર મિશન સાથે જોડવામાં આવી રહી છે અને આ સમૂહોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન ત્રણ ગણો વધારો થયો છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષમાં રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત મહિલાઓને મળતી સહાયતામાં 2014 પહેલાંના પાંચ વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો 13 ગણો વધારો થયો છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com