Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના દાહોદ અને પંચમહાલમાં રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના દાહોદ અને પંચમહાલમાં રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે રૂપિયા 22000 કરોડના મૂલ્યની વિકાસની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ અહીં રૂપિયા 1400 કરોડના મૂલ્યની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે લગભગ રૂપિયા 840 કરોડના ખર્ચે નર્મદા બેઝીન પર બાંધવામાં આવેલી દાહોદ જિલ્લા દક્ષિણી વિસ્તાર પ્રાદેશિક જળ પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી દાહોદ જિલ્લાના અંદાજે 280 ગામડાં અને દેવગઢ બારિયા શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે પાણી પુરવઠો પહોંડાચી શકાશે. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 335 કરોડની દાહોદ સ્માર્ટ સિટીની પાંચ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. પરિયોજનાઓમાં એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) ભવન, સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ, ગટરના કામો, ઘન કચરાના વ્યવસ્થાપનનું તંત્ર અને વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સામેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, પંચમહાલ અને દાહોદ જિલ્લાના 10,000 આદિવાસીઓને રૂપિયા 120 કરોડના લાભો આપવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ 66 KVના ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ગૃહો, આંગણવાડીઓ વગેરેનું પણ ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રીએ દાહોદમાં આવેલા ઉત્પાદન એકમમાં 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું વિનિર્માણ કરવા માટે નવી સુવિધાના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. પરિયોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે. આના કારણે અંદાજે 10,000 કરતાં વધારે લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે. પ્રધાનમંત્રીએ રૂપિયા 550 કરોડના મૂલ્યની રાજ્ય સરકારની વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો. આમાં રૂપિયા 300 કરોડના મૂલ્યની વિવિધ જળ પુરવઠા પરિયોજનાઓ, અંદાજે રૂપિયા 175 કરોડની દાહોદ સ્માર્ટ સિટી પરિયોજનાઓ, દૂધીમતી નદી પરિયોજના સંબંધિત વિવિધ કાર્યો, ઘોડિયા ખાતે GETCO સબસ્ટેશનનું કામ તેમજ અન્ય કાર્યો સામેલ છે. કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રીમતી દર્શના જરદોશ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત સરકારના અન્ય ઘણા મંત્રીઓ તેમજ મહાનુભાવો પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાય સાથે તેમના લાંબા જોડાણને યાદ કર્યું હતું અને રાષ્ટ્રની સેવા કરવા માટે તેમના આશીર્વાદથી પ્રેરણા મળી તેનો શ્રેય સમુદાયને આપ્યો હતો. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા આદિવાસી સમુદાયો અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું હોય તેવા સંજોગો માટે તેમણે સમુદાય તરફથી મળેલા સમર્થન અને આશીર્વાદનો શ્રેય પણ તેમને આપ્યો હતો. તેમણે આજે કેટલીક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં, એક યોજના પીવાલાયક પાણી સંબંધિત છે અને બીજી પરિયોજના દાહોદને સ્માર્ટ સિટી બનાવવા સંબંધિત છે. આના કારણે પ્રદેશની માતાઓ અને દીકરીઓના જીવનમાં વધારે સરળતા આવશે. તેમણે જણાવ્યું હતું કે, દાહોદના ઉત્પાદન એકમમાં 9000 HPના ઇલેક્ટ્રિક લોકોમોટીવ માટેની રૂપિયા 20,000 કરોડની યોજના આવી હોવાથી હવે મેક ઇન ઇન્ડિયામાં દાહોદ યોગદાન આપશે. તેમણે ઘણા સમય પહેલાં વિસ્તારના સર્વન્ટ ક્વાર્ટર્સની મુલાકાત લીધી તે વખતે દાહોદનો રેલવે વિસ્તાર કેવી રીતે ખતમ થઇ રહ્યો હતો તે દિવસોને પણ યાદ કર્યા હતા. તે સમયે તેમણે વિસ્તારમાં રેલવે સેટઅપને ફરી સજીવન કરવાનો સંકલ્પ લીધો હતો અને આજે જ્યારે સપનું સાકાર થઇ રહ્યું છે ત્યારે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહીં આવનારા ખૂબ મોટા રોકાણના કારણે વિસ્તારના યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે નોંધ્યું હતું કે, રેલવેને તમામ પાસાઓમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે અને આવા અદ્યતન લોકોમોટીવનું ઉત્પાદન ભારતના પરાક્રમનું સૂચક છે. તેમણે ઉમેર્યું હતું કે, “વિદેશમાં ઇલેક્ટ્રિક એન્જિનની માંગ વધી રહી છે. માંગને પહોંચી વળવામાં દાહોદ ઘણી મોટી ભૂમિકા ભજવશે. ભારત હવે વિશ્વના એવા અમુક દેશોમાંથી એક છે જે 9 હજાર હોર્સપાવરના શક્તિશાળી લોકોમોટીવ બનાવે છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં બોલવાની શરૂઆત કરતા કહ્યું હતું કે, પ્રગતિની સફરમાં આપણી માતાઓ અને દીકરીઓ પાછળ ના રહી જાય તેની આપણે ખાતરી કરવાની છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આથી સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓના જીવનનું સરળીકરણ અને મહિલા સશક્તિકરણને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. તેમણે મહિલાઓને સૌથી પહેલા અસર કરતી પાણીની અછતનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે, આથી સરકાર દરેક પરિવારને નળ દ્વારા પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. છેલ્લા અમુક વર્ષમાં 6 કરોડ પરિવારોને નળ દ્વારા પાણી મળતું થયું છે. ગુજરાતમાં 5 લાખ આદિવાસી પરિવારોને નળ દ્વારા પાણીની સુવિધા પ્રાપ્ત થઇ છે. અભિયાને આવનારા દિવસોમાં હજુ પણ વેગવાન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મહામારીના અને યુદ્ધના મુશ્કેલ સમયમાં પણ, સરકારે ST, SC, OBC અને સ્થળાંતરિત શ્રમિકો જેવા નિઃસહાય સમુદાયોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે. એક પણ ગરીબ પરિવારને ભૂખ્યા સૂવું ના પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું અને છેલ્લા બે વર્ષ કરતાં વધારે સમયથી 80 કરોડ કરતાં વધારે લોકોને મફત રેશન આપવામાં આવી રહ્યું છે. તેમણે પોતાના સંકલ્પનો પણ પુનરુચ્ચાર કર્યો હતો કે, દરેક આદિવાસી પરિવાર પાસે શૌચાલય, ગેસ કનેક્શન, વીજળી, પાણીના કનેક્શન સાથેનું પાકું ઘર હોવું જોઇએ. તેમના ગામમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર, શિક્ષણ, એમ્બ્યુલન્સ સુવિધાઓ અને રસ્તા હોવા જોઇએ. બધુ પ્રાપ્ત કરવા માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારો અથાક રીતે કામ કરી રહી છે. તેમણે લાભાર્થીઓને પ્રાકૃતિક ખેતી જેવી રાષ્ટ્ર સેવાની પરિયોજનાઓમાં સાહસ કરતા જોઇને અપાર ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સરકારે સિકલ સેલ રોગના મુદ્દા પર પણ ધ્યાન આપ્યું છે.

આઝાકી કા અમૃત મહોત્સવના સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંખ્યાબંધ વાસ્તવિક સ્વાતંત્ર્ય સેનાઓને જેટલું માન મળવું જોઇતું હતું એટલું મળ્યું નથી. તેમણે ભગવાન બિરસા મૂંડા જેવા આદરણીય સેનાનીઓને આપવામાં આવેલા આદર અને સ્વીકૃતી વિશે વાત કરી હતી. તેમણે સ્થાનિક શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે, દાહોદમાં થયેલા હત્યાકાંડ વિશે શીખવવામાં આવે જે જલિયાવાલા બાગ હત્યાકાંડ જેવો હતો, જેથી ભાવિ પેઢી ઘટનાઓ વિશે માહિતગાર રહે. જ્યારે વિજ્ઞાનની એક પણ શાળા નહોતી તે દિવસોની સરખામણીએ પ્રદેશનીમાં થયેલી પ્રગતિ વિશે પણ તેમણે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે મેડિકલ અને નર્સિંગ કોલેજો આવી રહી છે, યુવાનો અભ્યાસ માટે વિદેશ જઇ રહ્યા છે અને એકલવ્ય મોડેલ સ્કૂલની સ્થાપના થઇ રહી છે. આદિજાતિ સંશોધન સંસ્થાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 108 સુવિધા હેઠળ કેવી રીતે સાપના ડંખ માટે ઇન્જેક્શન આપવામાં આવે છે તે પણ તેમણે યાદ કર્યું હતું.

પોતાની વાતના સમાપનમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં જિલ્લામાં 75 સરોવરનું નિર્માણ કરવાની પોતાની વિનંતીનો પુનરુચ્ચાર કર્યો હતો.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com