પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે ભારત અને જાપાન વચ્ચે આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે તેમના મંતવ્યો અને વિચારો સાંભળવા માટે કીઝાઈ દોયુકાઈ (જાપાન એસોસિએશન ઓફ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ) ના અધ્યક્ષ શ્રી તાકેશી નીનામી અને 20 અન્ય વ્યાપાર પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.
આ ચર્ચામાં દ્વિપક્ષીય વેપારને મજબૂત કરવા, રોકાણની તકો વધારવા અને કૃષિ, દરિયાઈ ઉત્પાદનો, અંતરિક્ષ, સંરક્ષણ, વીમા, ટેકનોલોજી, માળખાગત સુવિધા, નાગરિક ઉડ્ડયન, સ્વચ્છ ઊર્જા, પરમાણુ ઊર્જા અને એમએસએમઈ ભાગીદારી જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી મોદીએ ભારત–જાપાનની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની વાત કરી અને વ્યવસાય–મૈત્રીપૂર્ણ વાતાવરણ પ્રદાન કરવા માટે ભારતના નિશ્ચયની પુષ્ટિ કરી. તેમણે ભારતમાં વિકસિત જાપાન પ્લસ સિસ્ટમ પર પ્રકાશ પાડ્યો હતો, જેનો ઉદ્દેશ ભારતમાં જાપાનીઝ રોકાણને સુલભ બનાવવાનો અને તેને ઝડપથી આગળ વધારવાનો છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રોકાણકારો માટે કોઈ અસ્પષ્ટતા અથવા ખચકાટ હોવો જોઈએ નહીં. ભારતનું શાસન નીતિ–સંચાલિત છે અને સરકાર પારદર્શક અને અપેક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના વૃદ્ધિના પુષ્કળ વ્યાપ વિશે વાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભારત નવા એરપોર્ટનું નિર્માણ અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓનાં વિસ્તરણ સહિત નોંધપાત્ર માળખાગત સુવિધાનું નિર્માણ કરવા પણ કામ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની વિશાળ વિવિધતાને જોતાં દેશ એઆઇ લેન્ડસ્કેપમાં મુખ્ય ભૂમિકા અદા કરશે. તેમણે એઆઈ સાથે સંકળાયેલા લોકો સાથે જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. જેથી તેમને ભારત સાથે ભાગીદારી કરવા પ્રોત્સાહન મળ્યું હતું.
પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, ભારતે જૈવઇંધણ પર કેન્દ્રીત અભિયાનનો શુભારંભ કરીને ગ્રીન એનર્જીનાં ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રને મહત્ત્વપૂર્ણ મૂલ્ય સંવર્ધન તરીકે જૈવિક બળતણનો લાભ મળશે.
પ્રધાનમંત્રીએ વીમા ક્ષેત્રને ખોલવા વિશે અને અંતરિક્ષ અને પરમાણુ ઊર્જામાં અત્યાધુનિક ક્ષેત્રોમાં તકોને વધારવા વિશે વાત કરી હતી.
જાપાનના વરિષ્ઠ ઉદ્યોગપતિઓ સહિત કાઈઝાઈ દોયુકાઈ પ્રતિનિધિમંડળે ભારત માટે તેમની યોજનાઓની આપ–લે કરી હતી. તેમણે માનવ સંસાધન અને કૌશલ્ય વિકાસમાં ભારત અને જાપાન વચ્ચે પૂરકતાનો ઉપયોગ કરવામાં રસ પણ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષોએ ભવિષ્યના સહયોગ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને આગામી વર્ષોમાં વ્યવસાયિક અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા આતુર હતા.
સનટોરી હોલ્ડિંગ્સ લિમિટેડના પ્રેસિડન્ટ અને સીઈઓના પ્રતિનિધિ નિનામી તાકેશીએ પીએમ મોદીના નેતૃત્વમાં ભારત અને જાપાન વચ્ચેના સમૃદ્ધ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ જાપાન માટે ભારતમાં રોકાણ કરવાની વિશાળ તક જુએ છે. તેમણે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના પીએમ મોદીના વિઝન પર ભાર મૂક્યો હતો.
એનઈસી કોર્પોરેશનના કોર્પોરેટ સિનિયર એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ગવર્નમેન્ટ અફેર્સ ઓફિસર તનાકા શિગેહિરોએ ટિપ્પણી કરી હતી કે પીએમ મોદીએ જાપાનના ઉદ્યોગ માટે ભારતમાં રોકાણ કરવા માટે તેમના દ્રષ્ટિકોણ અને અપેક્ષાઓને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવી હતી.
આ બેઠકમાં જાપાનના વ્યાપારને સહકાર અને વિકાસશીલ ભારત @2047 માટે અર્થપૂર્ણ અને પારસ્પરિક લાભદાયક રીતે વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
AP/IJ/GP/JD
Had an excellent meeting with a delegation from Keizai Doyukai (Japan Association of Corporate Executives). We talked about the robust India-Japan friendship and how to deepen economic linkages.https://t.co/SNhu8C173Q pic.twitter.com/gMeYeSmgZT
— Narendra Modi (@narendramodi) March 27, 2025