Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેન સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે અમેરિકાનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બાઈડેનનો ફોન આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઈડેનની ભારતઅમેરિકા વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની ઊંડી પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી, જે લોકશાહીના સહિયારા મૂલ્યો, કાયદાનું શાસન અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો પર આધારિત છે.

બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકાની ભાગીદારીનો ઉદ્દેશ બંને દેશોનાં લોકોને તેમજ સંપૂર્ણ માનવતાને લાભ પહોંચાડવાનો છે.

બંને નેતાઓએ અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.

યૂક્રેનની સ્થિતિ પર ચર્ચા કરતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેનને તેમની તાજેતરની યુક્રેન યાત્રા વિશે જાણકારી આપી હતી. તેમણે સંવાદ અને મુત્સદ્દીગીરીની તરફેણમાં ભારતની સુસંગત સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો તથા શાંતિ અને સ્થિરતાને વહેલાસર પરત લાવવા માટે સંપૂર્ણ ટેકો વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ બાંગ્લાદેશની સ્થિતિ પર પોતાની સહિયારી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થાની પુનઃસ્થાપના કરવા તથા બાંગ્લાદેશમાં લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ ક્વાડ સહિત બહુપક્ષીય ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેઓ સંપર્કમાં રહેવા સંમત થયા.

AP/GP/JD