Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ પીટ્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના પૂર્ણ સત્રને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ પીટ્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના પૂર્ણ સત્રને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (એસપીઆઈઈએફ)ના પૂર્ણ સત્રને સંબોધન કર્યું હતું. આ સત્રમાં ” વૈશ્વિક ફલક પર નવી સમતુલા પ્રસ્થાપિત કરવાના ધ્યેયને સિદ્ધ કરવું” (એચિવિંગ એ ન્યૂ બેલેન્સ ઓન ગ્લોબલ સ્ટેજ)ના વિષય પર ચર્ચા વિચારણા થઈ હતી.

આ વર્ષે એસપીઆઈઈએફના અતિથિ રાષ્ટ્ર તરીકે ભારત દેશ છે અને ભારતના પ્રધાનમંત્રી મોદી માનદ મહેમાન તરીકે આ સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સત્રને સંબોધન કરતી વેળાએ પ્રધાનમંત્રી મોદીએ રળિયામણા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં યોજવામાં આવેલા એસપીઆઈઈએફમાં તેમને હાજર રહેવાની તક આપી તે માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિનનો આભાર માન્યો હતો.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સારા સંબંધો વિકસાવવાની દિશામાં તેઓ સારી ગતિથી આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પરસ્પર વિશ્વાસને આધારે બહુ જ ઓછા દેશો વચ્ચે સારા સંબંધ બંધાતા હોય છે. તેમણે કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે છેલ્લા 70 વર્ષથી ગાઢ સંબંધો છે. આ સંબંધો વિશ્વાસની બુનિયાદ પર ઊભેલા છે. વિશ્વના બદલાઈ રહેલા માહોલમાં પણ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં વિશ્વાસ વધુ બુલંદ બન્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતના 125 કરોડ લોકોના પ્રતિનિધિ તરીકે તેઓ એસપીઆઈઈએફ ખાતે ઉપસ્થિત રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આજે વિશ્વના બધા જ દેશોનું ધ્યાન એશિયાના દેશો પર કેન્દ્રીત થયું છે. તેથી સહજ પણે એશિયાના એક મહત્વના દેશ તરીકે ભારત પર ધ્યાન કેન્દ્રીત થયું છે. તેમણે કહ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી તરીકે તેમણે જવાબદારી સ્વીકારી તે પછીના ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારે જુદા જુદા મોરચે પ્રગતિશીલ નિર્ણયો લીધા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની સરકારે પ્રગતિશીલ પગલાં લીધા હોવાથી જ આજે ભારતની કુલ રાષ્ટ્રીય ઉપજનો દર – જીડીપીનો દર 7 ટકાની સપાટીએ છે.

પ્રધાનમંત્રી મોદી જણાવ્યું હતું કે ભારતમાં ગવર્નન્સમાં કરવામાં આવેલા સુધારાઓને પરિણામે આજે “મિનિમમ ગવર્મેન્ટ અને મેક્ઝિમમ ગવર્નન્સ” (સરકારની દખલ ઓછી અને નિયમન ઝાઝુ ” તથા “તુમાર શાહી ઓછી અને લાલજાજમ વધુ”ની સ્થિતિ નિર્માણ થઈ છે. તેમણે કહ્યું હતું કે રાજકીય ઇચ્છા શક્તિ અને સ્પષ્ટ વિઝન- દ્રષ્ટિ સુધારાઓ દાખલ કરવા માટે જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માટે અમલદાર શાહી પણ જોમવંતી અને નેતૃત્વની ઇચ્છા શક્તિ પ્રમાણે ચાલવી જોઈએ.

ભારતની વિવિધતા જ ભારતની તાકાત હોવાનું જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પહેલી જુલાઈથી દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નવતર સિસ્ટમ અમલમાં મૂકી દેવામાં આવશે. તેની સાથે જ સમગ્ર ભારત દેશમાં એક જ વેરાના નવીન યુગનો આરંભ થશે.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન સાથે સહમત થતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હવે ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ તેમણે ડિજિટલ ઇન્ડિયાના નિર્માણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય સમાજમાં “ડિજિટલ ડિવાઈડ”ના મૂળીયા ઘર કરી જાય તે ચલાવી શકાય જ નહીં.

ફાઈનાન્શિયલ ઇન્ક્લુઝનના મોરચે સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જનધન, આધાર, મોબાઈલ (જેએએમ) ટ્રિનિટના આયોજનો અમલમાં મૂકવામાં આવ્યા છે. (સરકારી સબસિડી લાભાર્થી સિવાયની બીજી વ્યક્તિએ હડપ ન કરી જાય તે માટેની જનધન આધાર ને મોબાઈલ યોજના અમલમાં મૂકી છે. ) તદુપરાંત કેન્દ્ર સરકાર દ્વારા 1200થી વધુ જૂના કાયદાઓ રદ કરી દેવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના ધ્યેયને સિદ્ધ કરવા માટે ભારત સરકારે 7000 જેટલા સુધારાઓ કર્યા છે. માત્ર કેન્દ્ર સરકારના સ્તરે જ આ સુધારાઓ કરવામાં આવ્યા છે.

સ્પર્ધાત્મકતા વધારવા માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ને મોરચે લેવામાં આવેલા પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એફડીઆઈને આકર્ષવા માટેના વિશ્વના ટોચના ત્રણ ડેસ્ટિનેશનમાંથી ભારત એક છે.

મૂડી રોકાણ કરનારાઓની સલામતીના મહત્વની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રોકાણકારોની સલામતીની ખાતરી કરાવવા માટે ખાસ્સા પગલાંઓ લેવામાં આવ્યા છે. ભારતની જોમવંતી લોકશાહી અને અંગ્રેજી ભાષાના ઉપયોગ કરનારાઓની મોટી સંખ્યા આંતરરાષ્ટ્રીય રોકાણકારો વધુ સારી રીતે નિર્ણયો લેવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “નવા ભારત” (ન્યૂ ઇન્ડિયા)ના વિઝનમાં ભારતના 80 કરોડ પ્રતિભાશાળી યુવાનોની કાર્યકુશળતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. આ બાબતના સંદર્ભમાં જ બોલતા તેમણે જણાવ્યું હતું કે ભારતના પ્રતિભાશાળી યુવાનોને કારણે જ પહેલા જ પ્રયાસમાં ભારતના માર્શ મિશનને સફળતા મળી છે. તેમણે કહ્યું હતું કે નવા ભારતમાં યુવાનો નોકરી માગનારાઓ નહીં, પરંતુ નવી નોકરીઓનું નિર્માણ કરનારાઓ હશે. તેઓ કુશળ માનવ બળ માટેની વિશ્વના દેશોની જરૂરિયાતોને પરિપૂર્ણ કરી શકશે.

તેમણે કહ્યું હતું કે ભારતના શહેરીકરણના સતત વધી રહેલા વ્યાપને ધ્યાનમાં લેતા મેટ્રો નેટવર્ક અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વગેરે જેવી અત્યાધુનિક માળખાકીય સુવધાઓ ભારતે ઊભી કરવાની જરૂર છે. તેમણે રેલવે નેટવર્કને આધુનિક કરવાના આયોજનોની અને વિસ્તરણ કરવાની વાત પણ છેડી હતી. આ સાથે જ ગંગાના શુદ્ધિકરણ માટે શરૂ કરવામાં આવેલા પ્રયાસોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ તમામ પગલાંઓને પરિણામે ભારતમાં મૂડી રોકાણ કરવા માટેની સારામાં સારી તક નિર્માણ થઈ છે.

ભારત સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે લીધેલા પગલાંની રૂપરેખા આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાં સેન્દ્રીય ખાતરથી જ ખેતી કરવાના ક્ષેત્રમાં અને ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરવાની સારી તક છે. વિદેશી રોકાણકારો મેડિકલ ડિવાઈઝ અને સંરક્ષણના ક્ષેત્રમાં જોઈતા ઉપકરણો વિકસાવવાના અને તૈયાર કરવાના ક્ષેત્રમાં પણ મૂડી રોકાણ કરી શકે છે.

સર્વિસ સેક્ટરનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પર્યનટ અને આતિથ્ય સત્કાર એટલે કે હોસ્પિટાલિટીના ક્ષેત્રને પણ ભારત સરકાર અગ્રક્રમ આપી રહી છે.

ભારતના ચાર વેદમાંથી એક વેદ એટલે કે અથર્વવેદ પાંચ હજાર વર્ષ પૂર્વે જ પ્રકૃતિને અર્પણ કરવામાં આવેલો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતનો આર્થિક વિકાસ કુદરતનું શોષણ કરીને સાધવા પર નિર્ભર નથી. કુદરતનું શોષણ કરીને વિકાસ સાધવો એ એક ગુનો જ છે. ભારતનો વિકાસ કુદરતનો ઉપયોગ કરવા પર અને તેની જાળવણી કરવાની ભૂમિકા પર આધારિત છે. કુદરતની સ્થિતિને માન આપીને જ વિકાસ પથ પર ભારત દેશ આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 2022ની સાલ સુધીમાં 175 ગીગાવોટ વીજળી પેદા કરવાનું ભારતનું લક્ષ્યાંક રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને પાર પાડવાનું છે. વીજ ઉત્પાદન વધારવા માટે કોલસા આધારિત વીજળી પેદા કરવાનું આયોજન કરીને વીજ ઉત્પાદન વધારવા પર મદાર બાંધવામાં આવ્યો નથી. હવે ભારત કોલસાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવાને બદલે અન્ય રિન્યુએબલ એનર્જીના સ્રોતનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. આ સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વાતાવરણમાં આવી રહેલા પલટાને ધ્યાનમાં લઈને ક્લાઈમેટની બાબતમાં ભારત એક જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તન કરશે. આ માટે ઝીરો ડિફેક્ટ અને ઝીરો ઇફેક્ટ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમને અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેથી પર્યાવરણને ખરાબ કરે તેવી કોઈ જ અસરો પડશે નહીં. તેમણે કહ્યું હતુંકે એલઈડી બલ્બના વિતરણ જેવા કાર્યક્રમોના અમલીકરણને પરિણામે જંગી પ્રમાણમાં વીજ ઊર્જાની બચત કરવામાં સફળતા મળી છે.

આમ ભારતમાં મૂડી રોકાણ કરવા માટેની અનંત શક્યતાઓ રહેલી હોવાની બાબત પ્રધાનમંત્રીએ ભાર પૂર્વક જણાવી હતી. આ સાથે જ ભારતમાં મૂડી રોકાણ કરવા માટે વિશ્વના મોટા ઇન્વેસ્ટર્સ આવે તે માટેની એક સંગીન ભૂમિકા ઊભી કરી આપી છે.

TR