Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં બેલુર મઠની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદ જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે કોલકાતામાં બેલુર મઠની મુલાકાત લીધી હતી. તેમણે મઠમાં સંતોમહંતો સાથે વાતચીત પણ કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને જણાવ્યું હતું કે, આ પવિત્ર બેલુર મઠમાં આવવું યાત્રા કરવા સમાન છે, પણ મારા માટે હંમેશા પોતાનાં ઘરે આવવા જેવું છે. આ પવિત્ર સ્થળમાં રાત્રિ પસાર કરવા પર ગર્વની લાગણી અનુભવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અહીં સ્વામી રામકૃષ્ણ પરમહંસ, મા શારદા દેવી, સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી વિવેકાનંદ સહિત તમામ ગુરુઓની ઓળખને અનુભવી શકાશે.

તેમણે પોતાની અગાઉની મુલાકાતને યાદ કરી હતી. તેમણે સ્વામી આત્મસ્થાનંદજીના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે સ્વામીએ પ્રશસ્ત કરેલા જનસેવાનાં માર્ગને દર્શાવ્યો છે.

તેમણે કહ્યું હતું કે, “અત્યારે તેઓ શારીરિક સ્વરૂપે હયાત નથી, પણ એમનું કાર્ય, એમનો માર્ગ, હંમેશા આપણાને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતો રહેશે.”

તેમણે જણાવ્યું હતું કે, તેમને બેલુર મઠમાં યુવા બ્રહ્મચારીઓ વચ્ચે થોડી ક્ષણો પસાર કરવાની તક મળી હતી અને એક સમયે તેમના જેવી મનઃસ્થિતિ મારી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આપણામાંથી મોટા ભાગનાં લોકો વિવેકાનંદનાં વિચારો, વિવેકાનંદનાં અવાજ, વિવેકાનંદનાં વ્યક્તિત્વથી પ્રેરિત થઈને અહીં આવે છે. પણ આ ભૂમિ પર આવ્યાં પછી માતા શારદા દેવીનાં આંચળ આપણને અહીં વસી જવા માટે માતા જેવો પ્રેમ આપે છે.

તેમણે કહ્યું હતું કે, “જાણેઅજાણે દેશનો દરેક યુવાન વિવેકાનંદના સંકલ્પનો ભાગ છે. સમય બદલાયો છે, દાયકાઓ બદલાઈ ગયા છે, સદી બદલાઈ ગઈ છે, પણ સ્વામીજીનાં સંકલ્પો દરેક યુવા પેઢીને પ્રેરિત અને જાગૃત કરી રહ્યાં છે. એમનાં વિચારો આગામી પેઢીઓને પણ પ્રેરિત કરતા રહેશે.”

એકલા હાથે દુનિયાને બદલી ન શકાય એવું માનતા દેશનાં યુવાનોને પ્રધાનમંત્રીએ સરળ મંત્ર આપ્યો હતો – “આપણે ક્યારેય એકલા હોતા નથી.”

તેમણે ઉમેર્યુ હતું કે, 21મી સદી માટે દેશ મહાન સંકલ્પ સાથે નવા ભારતનું નિર્માણ કરવા માટે વિવિધ પગલાં લઈ રહ્યો છે અને આ સંકલ્પો ફક્ત સરકારનાં નથી, પણ 130 કરોડ દેશવાસીઓનાં છે, દેશનાં યુવાનોનાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષનો અનુભવ દર્શાવે છે કે, દેશનાં યુવાનો સાથે જોડાવાનાં અભિયાનને સફળતા મળશે એ નિશ્ચિત છે. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષ અગાઉ નિરાશા હતી કે, ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે કે નહીં, ભારતમાં વહીવટી વ્યવસ્થામાં પારદર્શકતા આવશે કે નહીં તથા ભારતમાં ડિજિટલ પેમેન્ટનો પ્રસાર વધી શકશે કે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, પણ દેશના યુવાનોએ આગેવાની લીધી અને અત્યારે પરિવર્તન જોઈ શકાય છે.

તેમણે કહ્યું હતું કે, યુવાનમાં ધૈર્ય, જુસ્સો અને ઊર્જા 21મી સદીનાં આ દાયકામાં ભારતમાં પરિવર્તનનો પવન ફૂંકવાનો આધાર છે. યુવાનો સમસ્યાનો સામનો કરે છે, એનું સમાધાન કરે છે અને પોતે પડકારોને પડકાર ફેંકે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિચારસરણીને અનુસરીને કેન્દ્ર સરકાર પણ દાયકાઓ જૂનાં પડકારોનું સમાધાન કરવા પ્રયાસરત છે.

રાષ્ટ્રીય યુવા દિવસ પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક યુવાને સંતોષ આપવાની જવાબદારી એમની છે, તેમની નાગરિકતા સંશોધન કાયદા વિશેની શંકાઓ દૂર કરવાની અને તેમના મનમાંથી ગૂંચવાડો દૂર કરીને સ્પષ્ટતા કરવાની જવાબદારી એમની છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, નાગરિકતા સંશોધન કાયદો કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનો કાયદો નથી. આ એવો કાયદો છે, જે નાગરિકતા આપે છે. નાગરિકતા સંશોધન કાયદો ફક્ત એક સુધારો છે, જેનો આશય વિભાજન પછી પાકિસ્તાનમાં પોતાની ધાર્મિક માન્યતાને કારણે શોષિતો, પીડિતો અને અત્યાચારોનો ભોગ બનેલા લોકોને ભારતની નાગરિકતા આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે. મહાત્મા ગાંધી સહિત ઘણા નેતાઓએ એ સમયે આ વાતની મંજૂરી પણ આપી હતી. આ ઉપરાંત અત્યારે પણ કોઈ પણ વિસ્તારની વ્યક્તિ, પછી એ આસ્તિક હોય કે નાસ્તિક……જે કોઈ ભારતનાં બંધારણમાં માને એ સૂચિત પ્રક્રિયા હેઠળ ભારતની નાગરિકતા લઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, એમની સરકારે કાયદાને કારણે ઉત્તર પૂર્વની વસતિ પર થનારી માઠી અસરને દૂર કરવા માટે પણ જોગવાઈઓ કરી છે. આ પ્રકારની સ્પષ્ટતા કરવા છતાં કેટલાંક લોકો રાજકીય લાભ ખાટવા નાગરિકતા સંશોધન કાયદા વિશે સતત ભ્રામક વાતો ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, જો નાગરિકતા કાયદામાં આ સુધારા દ્વારા વિવાદ ન થયો હોત, તો દુનિયાને પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો પર થઈ રહેલા અત્યાચારોની જાણ જ ન થઈ હોત. કેવી રીતે માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એની ખબર જ ન પડત. આ અમારી પહેલનું પરિણામ છે કે, હવે પાકિસ્તાનને 70 વર્ષમાં ત્યાં લઘુમતી સમુદાયો પર થઈ રહેલા અત્યાચારોનો જવાબ આપવો પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ અને આપણું બંધારણ નાગરિકો તરીકે આપણી ફરજો પૂર્ણ કરવાની અપેક્ષા આપણી પાસે રાખે છે, પ્રામાણિકતા સાથે આપણી જવાબદારીઓ અદા કરવાની અને દેશ પ્રત્યે નિષ્ઠાની અપેક્ષા આપણી પાસે રાખે છે. દરેક ભારતીય નાગરિકની ફરજ એકસરખું મહત્વ ધરાવવી જોઈએ. આ માર્ગે ચાલવાથી આપણે ભારતને દુનિયામાં એનું સ્વાભાવિક સ્થાન અપાવી શકીશું. દરેક ભારતીય પાસેથી સ્વામી વિવેકાનંદની આ જ અપેક્ષા હતી અને આ જ સંસ્થાનું હાર્દ પણ છે. તેમણે અંતમાં કહ્યું હતું કે, ચાલો, આપણે એમનાં સ્વપ્નોને સાકાર કરવાનો સંકલ્પ કરીએ.

GP/DS