સરકાર દ્વારા તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વાતને આગળ વધારતા અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 4:30 વાગ્યે નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.
આ સંમેલન 21થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને તેમાં વિવિધ પ્રકારની પેનલ ડિસ્કશન, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસિદ્ધ સાહિત્યિક હસ્તીઓ સાથે સંવાદાત્મક સત્રોનું આયોજન કરવામાં આવશે. આ સંમેલન મરાઠી સાહિત્યની શાશ્વત પ્રાસંગિકતાની ઉજવણી કરશે અને સમકાલીન વાર્તાલાપોમાં તેની ભૂમિકાની શોધ કરશે. જેમાં ભાષા જાળવણી, અનુવાદ અને સાહિત્યિક કાર્યો પર ડિજિટલાઇઝેશનની અસરના વિષયો સામેલ છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં 71 વર્ષ પછી યોજાઈ રહેલી મરાઠી સાહિત્યિક સભામાં પૂણેથી દિલ્હી સુધીની પ્રતીકાત્મક સાહિત્યિક ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ થાય છે. જેમાં 1,200 સહભાગીઓને આવરી લેવામાં આવ્યા છે, જે સાહિત્યની એકતાની ભાવનાને પ્રદર્શિત કરે છે. તેમાં 2,600થી વધુ કવિતાઓના સબમિશન્સ, 50 બૂક લોન્ચ અને 100 બૂક સ્ટોલ્સ સામેલ હશે. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત વિદ્વાનો, લેખકો, કવિઓ અને સાહિત્યના શોખીનો ભાગ લેશે.
AP/IJ/GP/JD