Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ચેન્નાઈની મુલાકાતે


પ્રધાનમંત્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસના 56માં પદવીદાન સમારંભમાં સામેલ થવા ચેન્નાઈનીમુલાકાત પર હતા. તેમણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર મીડિયાને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી પછી ચેન્નાઈની આ મારી પ્રથમ મુલાકાત છે. હું આઇઆઇટી મદ્રાસની ડાયમન્ડ જ્યુબિલીની ઉજવણીમાં સામેલ થવા આવ્યો છું, પણ મને તમે આટલી મોટી સંખ્યામાં મારું સ્વાગત કરીને મને તમારો ઋણી બનાવી દીધો છે.

તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે મેં અમેરિકામાં મારી તાજેતરની મુલાકાત દરમિયાન અમેરિકામાં વસતાં ભારતીય સમુદાય સાથે તમિલમાં વાત કરી અને તમિલ દુનિયાની સૌથી જૂની ભાષા છે એવું જણાવ્યું હતું, ત્યારે અમેરિકાનાં તમામ મીડિયાએ એની વિસ્તૃત નોંધ લીધી હતી.

તેમણે કહ્યું હતું કે, અમેરિકાની મારી મુલાકાત દરમિયાન મને અહેસાસ થયો હતો કે, દુનિયાને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને આ અપેક્ષા દિવસે-દિવસે વધી રહી છે. હવે ભારતમાં મહાન રાષ્ટ્ર બનાવવાની સાથે વૈશ્વિક સમુદાયની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારીઓ આપણાં પર છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર એકલા હાથે આ કામ ન કરી શકે, પણ 130 કરોડ ભારતીયો દ્વારા જ આ થઈ શકે. આ ભારતનાં ખૂણે-ખૂણે અને દેશનાં દરેક ખૂણે પ્રયાસો કરવાથી થઈ શકે છે, ધનિક કે ગરીબ, ગ્રામીણ કે શહેરી, યુવાન કે વૃદ્ધનાં પ્રયાસોથી થઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે, અમે જનતાની ભાગીદારી દ્વારા ઘણી સફળતા હાંસલ કરી છે અને આ જ રીતે અમે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી મુક્તિ અપાવીશું. કેટલાંક લોકો ભૂલથી એનું ખોટું અર્થઘટન કરીને કહે છે કે, હું પ્લાસ્ટિકમાંથી ભારતને મુક્ત કરાવીશ, મેં એવું કહ્યું નહોતું. મારો કહેવાનો અર્થ એવો હતો કે, દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થાય એવું હું ઇચ્છું છું. આ પ્લાસ્ટિકનો ઉપયોગ ફક્ત એકવાર થાય છે અને એનાથી પછી ઘણી સમસ્યાઓ સર્જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, બીજી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર આપણે પદયાત્રા કરીશું અને આ પદયાત્રા દ્વારા ગાંધીનાં વિચારોનો પ્રસાર કરીશું.

તેમણે કહ્યું હતું કે, “હું આટલી મોટી સંખ્યામાં મારું સ્વાગત કરવા આવવા બદલ તમારો ફરી એક વાર આભાર માનું છું.”

તેઓ આઇઆઇટી-એમ રિસર્ચ પાર્કમાં સિંગાપોર ઇન્ડિયા હેકેથોન 2019ને સંબોધિત પણ કરશે અને ત્યાં પેવેલિયનમાં સ્ટાર્ટઅપની મુલાકાત લેશે. તેઓ સંસ્થાનાં સ્ટુડન્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં પદવીદાન સમારંભને સંબોધન પણ કરશે.

RP