Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કિસાન અંતર્ગત હપ્તાની ચૂકવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પ્રધાનમંત્રી કિસાન અંતર્ગત હપ્તાની ચૂકવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


સમગ્ર દેશમાંથી જોડાયેલા મારા ખેડૂત ભાઈ- બહેનો, આ કાર્યક્રમમાં દેશના અલગ-અલગ સ્થળોએથી જોડાયેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળ, રાજ્ય સરકારોના મંત્રીગણ, પંચાયતથી માંડીને સંસદ સુધી ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિએ તમામ ગામડાઓમાં જઈને ખેડૂતોની વચ્ચે બેઠા છે. હું આપ સૌને અને મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને મારા તરફથી નમસ્કાર કરૂં છું.

ખેડૂતના જીવનમાં ખુશી આવે તે આપણા સૌનો આનંદ વધારી દે છે. આજનો દિવસ તો ખૂબ જ પવિત્ર દિવસ પણ છે. ખેડૂતોને આજે જે સન્માન નિધિ મળી છે તેની સાથે જ આજનો દિવસ અનેક અવસરોનો સંગમ બનીને આવ્યો છે. તમામ દેશવાસીઓને આજે નાતાલ માટે પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મારી એવી શુભેચ્છા છે કે નાતાલનો આ તહેવાર વિશ્વમાં પ્રેમ, શાતિ અને સદ્દભાવ ફેલાવે.

સાથીઓ,

આજે મોક્ષદા એકાદશી છે, ગીતા જયંતિ છે, આજના જ દિવસે ભારત રત્ન મહામના મદનમોહન માલવીયજીની જયંતિ પણ છે અને દેશના મહાન કર્મયોગી અમારા પ્રેરણા પુરૂષ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની પણ આજે જન્મ જયંતિ છે. તેમની સ્મૃતિમાં દેશ આજે ગુડ ગવર્નન્સ ડે પણ મનાવી રહ્યો છે.

સાથીઓ,

અટલજીએ ગીતાના સંદેશને અનુરૂપ જીવન જીવવાનો લગાતાર પ્રયાસ કર્યો હતો. ગીતામાં કહેવામાં આવ્યું છે કે स्वे स्वे कर्मणि अभिरत: संसिद्धिम् लभते नरः। નો અર્થ થાય છે કે જે પોતાના સ્વાભાવિક કર્મો તત્પરતા સાથે કરે છે તેને સિધ્ધિ મળે છે. અટલજીએ પણ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર પ્રત્યે પોતાના કર્મની પૂરી નિષ્ઠા સાથે નિભાવવામાં સમર્પિત કર્યું હતું. સુશાસન હોય કે ગુડ ગવર્નન્સ (સુશાસન) હોય, તેને અટલજીએ ભારતની રાજનીતિ અને સામાજિક વિમર્શનો હિસ્સો બનાવ્યો. ગામડાં અને ગરીબના વિકાસને અટલજી સૌથી વધુ પ્રાથમિકતા આપતા હતા. ગ્રામ સડક યોજના હોય કે પછી સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના હોય, અંત્યોદય યોજના હોય કે પછી સર્વ શિક્ષા અભિયાન હોય, રાષ્ટ્રના જીવનમાં સાર્થક બદલાવ લાવનારા અનેક કદમ અટલજીએ ઉઠાવ્યા હતા. આજે સમગ્ર દેશ તેમનું સ્મરણ કરી રહ્યો છે. અટલજીને નમન કરી રહ્યો છે. આજે જે કૃષિ સુધારા દેશમાં અમલી બનાવ્યા છે તેના સૂત્રધાર પણ એક રીતે કહીએ તો અટલજી બિહારી વાજપેયીજી જ હતા.

સાથીઓ,

અટલજી ગરીબના હિતમાં, ખેડૂતના હિતમાં, બનનારી તમામ યોજનાઓમાં થતા ભ્રષ્ટાચારને રાષ્ટ્રીય રોગ માનતા હતા. આપ સૌને યાદ હશે કે તેમણે એક વખત અગાઉની સરકારો ઉપર કટાક્ષ કરતાં કરતાં એક પૂર્વ પ્રધાનમંત્રીની વાતની યાદ અપાવી હતી અને તે યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે રૂપિયો ચાલે છે, તો ઘસાય છે. ઘસાય છે તો હાથમાં વાગે છે અને ધીરે ધીરે ખિસ્સામાં ચાલ્યો જાય છે. મને સંતોષ છે કે આજે રૂપિયો ઘસાતો નથી અને નથી કોઈ ખોટા હાથમાં જતો. દિલ્હીથી ગરીબ માટે જે રૂપિયો નીકળે છે તે તેના બેંકના ખાતામાં સીધો જ પહોંચે છે. હમણાં અમારા કૃષિ મંત્રી નરેન્દ્રજી તોમરે આ વિષયે વિસ્તારથી આ વાતને તમારી સામે મૂકી છે. પીએમ કિસાન સન્માન નિધિ તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે.

આજે દેશના 9 કરોડ કરતાં વધુ ખેડૂત પરિવારોના બેંકના ખાતામાં સીધા, એક કોમ્પ્યુટર ક્લીકથી અઢાર હજાર કરોડ રૂપિયાથી પણ વધુ રકમ તે ખેડૂતોના બેંકના ખાતામાં જમા થઈ ચૂકી છે. જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂકી છે અને તે જ તો ગુડ ગવર્નન્સ છે. આ જ તો ગુડ ગવર્નન્સનો ટેકનોલોજી મારફતે ઉપયોગ કરવામાં આવ્યો છે. 18 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ક્ષણભરમાં, કેટલીક જ પળોમાં ખેડૂતોના બેંકના ખાતામાં સીધા જમા થઈ ગઈ છે. કોઈ કમિશન નહીં, કોઈ કપાત નહીં, કોઈ હેરાફેરી નહીં, ટેકનોલોજીનો ઉપયોગ કરીને પીએમ કિસાન સન્માન યોજનામાં તેને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈ લીકેજ ના થાય. રાજ્ય સરકારોનો માધ્યમથી ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા પછી તેમના આધાર નંબર અને બેંકના ખાતાઓની ચકાસણી થયા પછી જ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ મને આજે એ વાતનો અફસોસ છે કે સમગ્ર ભારતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે, તમામ વિચારધારા ધરાવતી સરકારો તેમાં જોડાઈ છે, પરંતુ એક માત્ર પશ્ચિમ બંગાળ સરકારમાં ત્યાંના 70 લાખ કરતાં વધુ મારા કિસાન ભાઈ- બહેનોને બંગાળમાં આ યોજનાનો લાભ મળી શકતો નથી, કારણ કે બંગાળની સરકાર પોતાના રાજનીતિક કારણોથી તેમના રાજ્યના ખેડૂતોને ભારત સરકારના જે પૈસા મળવાના છે તેમાં રાજ્ય સરકારે એક કોડીનો પણ ખર્ચ કરવાનો નથી, પરંતુ આ પૈસા તેમને મળી રહ્યા નથી. ઘણાં ખેડૂતોએ ભારત સરકારને સીધો પત્ર પણ લખ્યો છે, પરંતુ તેને માન્યતા આપવામાં આવતી નથી, એટલે કે તમે કલ્પના કરી શકો છો કે કેટલા લાખ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરીને ઓનલાઈન આવેદન પત્ર આપી ચૂક્યા છે, પરંતુ ત્યાની રાજ્ય સરકારે તેને પણ અટકાવીને બેઠી છે.

ભાઈઓ અને બહેનો, હું હેરાન છું અને આ વાત મેં દેશવાસીઓની સામે ઘણાં દર્દ સાથે, ખૂબ જ પીડા સાથે કહેવા માંગુ છું કે જે લોકો 30-30 વર્ષ સુધી બંગાળમાં રાજ કરતા રહ્યા છે, એક એવી રાજનીતિક વિચારધારા સાથે બંગાળને ક્યાંથી ક્યાં લાવીને તેમણે બંગાળની કેવી હાલત કરી છે તે સમગ્ર દેશ જાણે છે. મમતાજીનું 15 વર્ષ જૂનું ભાષણ સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આ રાજનીતિક વિચારધારાએ બંગાળને કેટલું બરબાદ કરી દીધું છે. અને આ લોકો કેવા છે, બંગાળમાં તેમનો પક્ષ છે, તેમનું સંગઠન છે, 30 વર્ષ સરકાર ચલાવી છે, કેટલા લોકો હશે તેમની પાસે ? એક વખત પણ આ લોકોએ ખેડૂતોને મળનારા આ રૂ.2000 ના કાર્યક્રમ માટે બંગાળમાં કોઈ આંદોલન ચલાવ્યું નથી. જુઓ, તમારા દિલમાં ખેડૂતો માટે આટલો પ્રેમ હતો, બંગાળમાં તમારી ધરતી છે, તો બંગાળમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના પૈસા ખેડૂતોને મળે તે માટે આંદોલન કેમ ના કર્યું ? તમે અવાજ કેમ ના ઉઠાવ્યો ? અને તમે ત્યાંથી ઉઠીને પંજાબ પહોંચી ગયા, ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે પશ્ચિમ બંગાળની સરકાર તો જુઓ, પોતાના રાજ્યમાં આટલો મોટો લાભ ખેડૂતોને, 70 લાખ ખેડૂતોને આટલું ધન મળે, હજારો કરોડ રૂપિયા મળે તે આપવામાં તેમને રાજનીતિ નડી રહી છે, પરંતુ તે પંજાબ જઈને જે લોકો સાથે બંગાળમાં લડાઈ લડે છે તે અહીં આવીને તેમને ચૂપ કરી દે છે. શું દેશની જનતા આ ખેલ જાણતી નથી ? શું દેશની જનતાને આ ખેલનો ખ્યાલ આવતો નથી ? જે લોકો આજે વિપક્ષમાં છે તેમની જુબાન પણ આ બાબતે કેમ ચૂપ થઈ ગઈ છે ? કેમ ચૂપ છે?

સાથીઓ,

આજે જે રાજનીતિક દળોના લોકો પોતાની જાતને આ રાજનીતિક પ્રવાહમાં જ્યારે દેશની જનતાએ તેમને નકારી કાઢ્યા છે ત્યારે કંઈને કંઈ એવા પ્રોગ્રામ કરી રહ્યા છે, ઈવેન્ટ મેનેજમેન્ટ થઈ રહ્યુ છે, એટલે કે કોઈ સેલ્ફી લે છે, કોઈના ફોટા છપાય છે, કોઈ ટીવી પર દેખાઈ રહ્યું છે અને તેમની રાજનીતિ ચાલી રહી છે. હવે દેશે આવા લોકોને પણ જોઈ લીધા છે. આવા લોકો દેશની સામે ખૂલ્લા પડી ગયા છે. સ્વાર્થની રાજનીતિનું આ એક કદરૂપું ઉદાહરણ છે અને આપણે તેને બારીકીથી જોઈ રહ્યા છીએ. જે પક્ષ પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના અહિત અંગે કશું બોલી શકતા નથી તે અહીં દિલ્હીના નાગરિકોને પરેશાન કરવામાં જોડાઈ ગયા છે. દેશની અર્થ નીતિને બરબાદ કરવામાં લાગી રહ્યા છે અને તે પણ ખેડૂતોના નામે. આ પક્ષોને તમે સાંભળ્યા હશે, તે મંડીઓ મંડીઓ બોલી રહ્યા છે. તે એપીએમસીની વાત કરી રહ્યા છે અને મોટી મોટી હેડ લાઈન મેળવવા માટે ભાષણો કરી રહ્યા છે, પરંતુ આ એ જ પક્ષો છે, આ એ જ ઝંડાવાળા છે, એ જ વિચારધારા ધરાવતા લોકો છે કે જેમણે બંગાળને બરબાદ કર્યું છે. કેરળમાં પણ તેમની સરકાર છે. આ પહેલાં પણ જે 50- 60 વર્ષ સુધી દેશમાં રાજ કરી રહ્યા હતા, તેમની સરકાર હતી ત્યારે કેરળમાં એપીએમસી ન હતી. મંડીઓ ન હતી. હું જરા તેમને પૂછવા માંગુ છું કે આ ફોટા પાડવાનો જે કાર્યક્રમ કરી રહ્યા છે તો કેરળમાં આંદોલન કરીને ત્યાં તો એપીએમસી ચાલુ કરાવો. પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે તમારી પાસે સમય છે, કેરળની અંદર આવી વ્યવસ્થા નથી. જો આ વ્યવસ્થા સારી હોય તો તે કેરળમાં કેમ નથી ? શું તમે બેવડી નીતિ અપનાવીને ચાલી રહ્યા છો ? તે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે કે જેમાં કોઈ તર્ક નથી, કોઈ તથ્ય પણ નથી. માત્ર જૂઠા આરોપ લગાવવા, માત્ર અફવાઓ ફેલાવવી, આપણાં ખેડૂતોને ડરાવી દેવા અને ભલા ભોળા ખેડૂતો ક્યારેક તો તમારી વાતોમાં ગેરમાર્ગે દોરાઈ જાય છે.

ભાઈઓ અને બહેનો,

આ લોકો લોકશાહીને કોઈપણ પ્રકારે, કોઈપણ માપદંડથી માનવા તૈયાર નથી. તેમને માત્ર પોતાનો જ લાભ અને પોતાનો સ્વાર્થ જ નજરે પડે છે. અને હું જે વાતો કહી રહ્યો છું, ખેડૂતો માટે બોલી રહ્યો નથી, ખેડૂતોના નામે પોતાના ઝંડા લઈને જે લોકો ખેલ ખેલી રહ્યા છે તેમણે હવે આ બધું સાંભળવું પડશે અને દરેક વાતે ખેડૂતોને ગાળો આપવી, ખેડૂતોને અપમાનીત કરીને તમે લોકો બચી નહીં શકો. આ લોકો અખબારો અને મિડીયામાં જગા મેળવીને રાજનીતિક મેદાનમાં પોતાને જીવતા રાખવાની જડીબુટ્ટી શોધી રહયા છે, પરંતુ દેશનો ખેડૂત તેમને ઓળખી ગયો છે. હવે દેશનો ખેડૂત તેમને આ જડીબુટ્ટી આપવાનો નથી. કોઈપણ રાજનીતિ લોકતંત્રમાં રાજનીતિ કરવાનો તેમનો હક્ક છે. અમે તેનો વિરોધ કરતા નથી, પરંતુ નિર્દોષ ખેડૂતોની જીંદગી સાથે ખેલ ના ખેલે, તેમના ભવિષ્ય સાથે રમત ના રમે, તેમને ગેરમાર્ગે ના દોરે, ભ્રમિત ના કરે.

સાથીઓ, આ એ જ લોકો છે કે જે વર્ષો સુધી સત્તામાં રહ્યા છે અને તેમની નીતિઓને જ કારણે દેશમાં ખેતી અને ખેડૂતનો એટલો વિકાસ થઈ શક્યો નથી કે જેટલું તેમનું સામર્થ્ય હતું. અગાઉની સરકારની નીતિઓના કારણે સૌથી વધુ બરબાદ એવા ખેડૂતો થયા છે કે જેમની પાસે વધુ જમીન ન હતી કે વધુ સાધનો પણ ન હતા. આ નાના ખેડૂતોને બેંકોમાંથી પૈસા મળતા ન હતા, કારણ કે તેમની પાસે બેંકમાં ખાતા પણ ન હતા. અગાઉના સમયમાં જે પાક વીમા યોજના હતી તેનો લાભ પણ આ નાના ખેડૂતોને મળે તેવું કોઈ નામ નિશાન જ ન હતું. કોઈ એકલ-દોકલને લાભ મળી ગયો હોય તો તે અલગ બાબત છે. એક નાના ખેડૂતને ખેતીમાં સિંચાઈ કરવા માટે પાણી મળતું ન હતું કે વીજળી પણ મળતી ન હતી. તે આપણો બિચારો ગરીબ ખેડૂત પોતાનો લોહી પસીનો વહાવીને ખેતરમાંથી જે ઉપજ મેળવતો હતો તેને વેચવામાં પણ તેની હાલત ખરાબ થઈ જતી હતી. આ નાના ખેડૂતની ખબર લેનાર પણ કોઈ હતું નહીં. અને આજે હું દેશવાસીઓને ફરીથી યાદ અપાવવા માંગુ છું કે દેશમાં આવા ખેડૂતોની સંખ્યા નાની નથી. તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે એવા 80 ટકા કરતાં વધુ ખેડૂતો આ દેશમાં છે. લગભગ 10 કરોડ કરતાં વધુ ખેડૂતો છે. જે લોકો આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યા એ લોકોએ આ ખેડૂતોને પોતાની હાલત ઉપર છોડી દીધા હતા. ચૂંટણીઓ થતી રહી, સરકારો બનતી રહી, રિપોર્ટર્સ આવતા રહ્યા, પંચ બનતા ગયા, વાયદા કરો, ભૂલી જાવ, કરો, ભૂલી જાવ. આ બધું થતું રહેતું હતું પણ ખેડૂતની સ્થિતિ બદલાતી ન હતી. આનું પરિણામ શું આવ્યું ? ગરીબ ખેડૂત વધુ ગરીબ થતો ગયો. શું દેશમાં આ સ્થિતિ બદલવાની જરૂર ન હતી ?

મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, વર્ષ 2014માં સરકાર બની તે પછી અમારી સરકારે નવા અભિગમ સાથે કામ કરવાનું શરૂ કર્યું. અમે દેશના ખેડૂતોની નાની-નાની તકલીફો અને ખેતીના આધુનિકીકરણ, તેને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર કરવામાં, બંને બાબતો ઉપર એક સાથે ધ્યાન આપવામાં આવ્યું. અમે ઘણું બધું સાંભળતા હતા કે તે દેશમાં ખેતી એટલી આધુનિક છે, ત્યાંના ખેડૂતો એટલા સમૃધ્ધ છે એવું ઈઝરાયેલના ખેડૂતોનું ઉદાહરણ સાંભળતા રહ્યા હતા. અમે સમગ્ર દુનિયામાં ખેતી ક્ષેત્રે શું ક્રાંતિ આવી છે, કેવા ફેરફારો થયા છે, કેવી નવી પહેલ હાથ ધરવામાં આવી છે, કેવી અર્થ વ્યવસ્થા સાથે કેવી રીતે જોડવામાં આવ્યા છે તે બધી બાબતોનો ઊંડો અભ્યાસ કર્યો અને તે પછી અમે પોતાના અલગ અલગ ધ્યેય નક્કી કર્યા અને તમામ ધ્યેય માટે એક સાથે કામ કરવાનું શરૂ કર્યું. અમે એવું લક્ષ્ય નક્કી કરીને કામ કર્યું કે દેશના ખેડૂતોને ખેતી માટે થતો ખર્ચ ઓછો થાય. ઈનપુટ ખર્ચ ઓછો થાય. સોઈલ હેલ્થ કાર્ડ, યુરિયાનું નીમ કોટીંગ, લાખોની સંખ્યામાં સોલર પંપ જેવી યોજનાઓ ખેડૂતોનો ખર્ચ ઓછો કરવા માટે એક પછી એક અમલમાં મૂકવામાં આવી. અમારી સરકારે પ્રયાસ કર્યો કે ખેડૂતો પાસે એક બહેતર પાક વીમા સુરક્ષા હોય. આજે દેશના કરોડો ખેડૂતોને પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે.

અને મારા વ્હાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, હું જ્યારે ખેડૂત ભાઈઓ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે મને આપણાં મહારાષ્ટ્રના લાતુર જીલ્લાના ગણેશજીએ વાત કરી કે તેમણે અઢી હજાર રૂપિયા આપ્યા અને તેમને આશરે ચોપ્પન હજાર રૂપિયા મળ્યા. મામૂલી પ્રિમિયમના બદલે ખેડૂતોને વિતેલા એક વર્ષમાં રૂ.87 હજાર કરોડની રકમ મળી છે. રૂ.87 હજાર કરોડ એટલે કે આશરે રૂ.90 હજાર કરોડ. ખેડૂતોએ મામૂલી પ્રિમિયમ ચૂકવ્યું અને તકલીફના સમયમાં તેમને પાક વીમા યોજના કામમા આવી છે. અમે આ લક્ષ્ય ઉપર પણ કામ કર્યું છે કે દેશના ખેડૂત પાસે ખેતરમાં સિંચાઈ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ હોય. અમે દાયકાઓ જૂની સિંચાઈ યોજનાઓ પૂરી કરાવવાની સાથે સાથે સમગ્ર દેશમાં દરેક ટીંપા દીઠ વધુ પાકના મંત્ર સાથે માઈક્રો ઈરિગેશનને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને મને એ બાબતનો આનંદ છે કે હમણાં તામિલનાડુના આપણાં સુબ્રમણ્યમજી મને જણાવી રહ્યા હતા કે અગાઉ તે માઈક્રો ઈરિગેશન દ્વારા, ડ્રીપ ઈરિગેશનથી પહેલાં એક એકરમાં કામ થતું હતું ત્યાં ત્રણ એકરમાં કામ કર્યું અને માઈક્રો ઈરિગેશનને કારણે પહેલાં કરતાં રૂપિયા એક લાખ વધુ કમાયા.

સાથીઓ,

અમારી સરકારે એ પ્રયાસ કર્યો છે કે દેશના ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે. અગાઉ લાંબા સમયથી લટકાવી રાખેલ સ્વામિનાથન કમિટીના અહેવાલ મુજબ અમે પડતરની દોઢ ગણી રકમ ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ તરીકે આપી. અગાઉ થોડાક જ પાક ઉપર લઘુતમ ટેકાના ભાવ મળતા હતા અને અમે તેની સંખ્યામાં વધારો કર્યો. અગાઉ લઘુતમ ટેકાના ભાવની જાહેરાત અખબારોમાં થોડીક જગ્યા મેળવતી હતી. માત્ર સમાચાર તરીકે જ તે છપાતી હતી અને ખેડૂતો સુધી તેનો લાભ પહોંચતો ન હતો. ક્યાંય ત્રાજવા પણ લગાવવામાં આવતા ન હતા અને એટલા માટે ખેડૂતના જીવનમાં કોઈ પરિવર્તન પણ આવતું ન હતું. આજે જ્યારે લઘુતમ ટેકાના ભાવથી સરકાર વિક્રમ ખરીદી કરી રહી છે, ખેડૂતોના ખિસ્સામાં લઘુતમ ટેકાના ભાવના વિક્રમ પૈસા પહોંચી રહ્યા છે. જે લોકો આજે ખેડૂતોના નામે આંદોલન કરી રહ્યા છે તે લોકો જ્યારે તેમનો સમય હતો ત્યારે ચૂપ થઈને કેમ બેસી ગયા હતા. જે લોકો આંદોલન ચલાવી રહ્યા છે તે લોકો તે સરકારના ભાગીદાર નથી કે સરકારનું સમર્થન પણ કરતા નથી. આ જ લોકો સ્વામિનાથન સમિતિના અહેવાલ ઉપર વર્ષો સુધી બેસી રહયા હતા. અમે આવીને અહેવાલ બહાર કાઢ્યો, કારણ કે અમારા દિલમાં ખેડૂતોની જીંદગીનો ભલુ કરવાનો ખ્યાલ હતો. તેમના કલ્યાણ માટેની વાત હતી. આ અમારો જીવન મંત્ર છે. એટલા માટે જ આ કરી રહ્યા છીએ.

સાથીઓ, અમે એ દિશામાં વિચારી રહ્યા છીએ કે ખેડૂતોને તેમની ઉપજ વેચવા માટે માત્ર એક જ મંડી નહીં, પરંતુ અનેક વિકલ્પ મળવા જોઈએ. બજાર મળવું જોઈએ. અમે દેશની 1000 કરતાં વધુ ખેતી મંડીઓને ઓનલાઈન પધ્ધતિ સાથે જોડી અને તેમાં આજ સુધીમાં ખેડૂતોએ રૂ.1 લાખ કરતાં વધુ રકમનો વેપાર કર્યો છે. ખેડૂતોએ ઓનલાઈન વેચાણ કરવાનું શરૂ કરી દીધું છે.

સાથીઓ, અમે વધુ એક લક્ષ્ય નક્કી કર્યું છે કે નાના ખેડૂતોનો સમુદાય ઉભો કરવામાં આવે અને જેથી તે પોતાના ક્ષેત્રમાં એક સામુહિક તાકાત બનીને કામ કરી શકે. આજે દેશમાં 10 હજાર કરતાં વધુ ખેડૂત ઉત્પાદન સંઘ બનાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમને આર્થિક મદદ આપવામાં આવી રહી છે. હજુ હમણાં જ હું મહારાજ ગંજના રામગુલાબજીને સાંભળી રહ્યો હતો. તેમણે આશરે 300 જેટલા ખેડૂતોને સંગઠીત કર્યા છે અને તેમણે અગાઉની તુલનામાં દોઢ ગણા ભાવથી માલ વેચવાનું શરૂ કરી દીધું છે. ખેડૂત ઉત્પાદન સંઘ બનાવીને તેમણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતીમાં મદદ મેળવી અને આજે તેમને ફાયદો થઈ રહ્યો છે.

સાથીઓ,

આપણાં ખેતી ક્ષેત્રમાં સૌથી મોટી જરૂરિયાત એ છે કે ગામની પાસે જ સંગ્રહ વ્યવસ્થા હોય. કોલ્ડ સ્ટોરેજ જેવી આધુનિક સુવિધા ઓછી કિંમતે ખેડૂતોને ઉપલબ્ધ થાય. એ બાબતને પણ અમારી સરકારે અગ્રતા આપી છે. આજે સમગ્ર દેશમાં કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક વિકસાવવા માટે સરકાર કરોડો રૂપિયાનું મૂડી રોકાણ કરી રહી છે. અમારી નીતિઓમાં એ બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે ખેતીની સાથે સાથે ખેડૂત પાસે આવક વધારવાના બીજા વિકલ્પો પણ ઉપલબ્ધ હોય. અમારી સરકારે માછીમારી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મધમાખી ઉછેર જેવા તમામ વ્યવસાયોને પ્રોત્સાહન આપી રહી છે. અમારી સરકારે એ બાબતની પણ ખાત્રી રાખી છે કે દેશની બેંકોના પૈસા દેશના ખેડૂતો માટે કામમાં આવે. વર્ષ 2014માં જ્યારે અમે પ્રથમ વખત સરકારમાં આવ્યા તે અમારી શરૂઆત હતી. 2014માં આપણે ત્યાં રૂ.7 લાખ કરોડની જોગવાઈ આ માટે કરવામાં આવી હતી. આ જોગવાઈને અમે આશરે રૂ.14 લાખ કરોડ એટલે કે બમણી કરી દીધી છે કે જેથી ખેડૂતને ધિરાણ મળી શકે. વિતેલા થોડાક મહિનાઓમાં આશરે અઢી કરોડ નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડવામાં આવ્યા છે અને આ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. અમે માછલી ઉછેરનારા અને પશુપાલકોને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપી રહ્યા છીએ. આ લાભ હવે તેમને પણ મળવાનો છે.

સાથીઓ,

અમે એ લક્ષ્ય ઉપર પણ કામ કરી રહ્યા છીએ કે ખેતીની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના માટે દેશમાં આધુનિક ખેતી સંસ્થાઓ હોય. વિતેલા વર્ષોમાં દેશમાં અનેક ખેતી સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ખેતીના ભણતર માટે બેઠકો પણ વધારવામાં આવી છે.

અને સાથીઓ,

ખેતી સાથે જોડાયેલા આ તમામ પ્રયાસોની સાથે સાથે અમે એક મોટા લક્ષ્ય ઉપર પણ કામ કરવાનું શરૂ કર્યું છે અને આ લક્ષ્ય એ છે કે ગામમાં રહેનારા ખેડૂત ભાઈઓનું જીવન આસાન બને.

સાથીઓ,

આજે જે લોકો ખેડૂતો માટે આંસુ વહાવી રહ્યા છે. આટલા મોટા મોટા નિવેદનો કરી રહ્યા છે, ભારે દુઃખ દેખાડી રહ્યા છે તે જ લોકો જ્યારે સરકારમાં હતા ત્યારે તેમણે ખેડૂતોનું દુઃખ અને તેમની તકલીફો દૂર કરવા માટે શું કર્યું હતું તે દેશનો ખેડૂત સારી રીતે જાણે છે. આજે માત્ર ખેતી જ નહીં, પણ તેમના જીવનને આસાન બનાવવા માટે સરકાર તેમના દરવાજા સુધી પહોંચી છે. આજે દેશના નાના અને સિમાંત ખેડૂતોને પોતાના પાકા મકાનો મળી રહ્યા છે. શૌચાલયો મળી રહ્યા છે. નળનું ચોખ્ખુ પાણી મળી રહ્યું છે. આ ખેડૂતો કે જેમને વિજળીનાં મફત જોડાણ, ગેસના મફત જોડાણનો બહુ મોટો લાભ મળ્યો છે. દર વર્ષે આયુષમાન ભારત યોજના હેઠળ રૂ.5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પણ આજે મારા નાના ખેડૂત ભાઈઓના જીવનમાં ઘણી મોટી ચિંતા ઓછી કરી રહી છે. માત્ર દૈનિક 90 પૈસામાં એટલે કે એક ચાની કિંમતથી પણ ઓછા પૈસામાં માત્ર રૂ.1ના પ્રિમિયમથી વીમો લઈને મારા ખેડૂત ભાઈઓનો જીવનમાં મોટી તાકાત પેદા થઈ છે. 60 વર્ષની ઉંમર પછી માસિક રૂ.3000નું પેન્શન. આ સુરક્ષા કવચ પણ હાલમાં ખેડૂતો પાસે છે.

સાથીઓ,

આજ કાલ કેટલાક લોકો ખેડૂતોની જમીન માટે ચિંતા કરવાનો દેખાવ કરી રહ્યા છે. ખેડૂતોની જમીન હડપવામાં કેવા કેવા લોકોનાં નામ અખબારમાં ચમકી રહ્યા છે તે આપણે જાણીએ છીએ. એ સમયે આ લોકો ક્યાં હતા કે જ્યારે માલિકીના દસ્તાવેજના અભાવને કારણે ખેડૂતોના ઘર અને જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લેવામાં આવતો હતો. ગામના નાના અને સિમાંત ખેડૂતોને, ખેત મજૂરોને, આ અધિકારથી અનેક વર્ષો સુધી કોણે વંચિત રાખ્યા હતા તેનો જવાબ આ લોકો પાસે નથી. ગામમાં રહેનારા આપણાં ભાઈ બહેનો માટે આ કામ આજે થઈ રહ્યું છે. હવે ગામમાં ખેડૂતોને તેમની જમીનના, તેમના મકાનના નકશા અને કાનૂની દસ્તાવેજ આપવામાં આવી રહ્યા છે. ટેકનોલોજીની મદદથી સ્વામિત્વ યોજના આવ્યા પછી હવે ગામના ખેડૂત માટે જમીન અને ઘરના નામે બેંકમાંથી ધિરાણ મેળવવાનું આસાન થઈ ગયું છે.

સાથીઓ,

બદલાતા સમયની સાથે આપણે આપણાં અભિગમનો પણ વિસ્તાર કરવો એટલો જ જરૂરી છે. આપણે 21 મી સદીમાં ભારતની કૃષિને આધુનિક બનાવવી જ પડશે અને તેનું જ બીડું દેશના કરોડો ખેડૂતોએ પણ ઉપાડ્યું છે અને સરકાર પણ તેમની સાથે ખભે ખભો મિલાવીને આગળ વધવા માટે કૃત સંકલ્પ છે. આજે દરેક ખેડૂતને એ ખબર છે કે તેના પાકની સૌથી વધુ સારી કિંમત તેને ક્યાં મળી શકે તેમ છે. પહેલા શું થતું હતું કે જો બજારમાં સારા ભાવ ના મળે અથવા તો તેની ઉપજને બીજા સ્તરનો ગણાવીને ખરીદવાની ના પાડી દેવામાં આવતી હતી તો ખેડૂત મજબૂરીમાં અડધા પોણા ભાવે પોતાની પેદાશ વેચવા માટે મજબૂર થઈ જતો હતો. આ કૃષિ સુધારાઓનાં માધ્યમથી અમે ખેડૂતોને વધુ સારા વિકલ્પો આપ્યા છે. આ કાયદાઓ બાદ તમે જ્યાં ઈચ્છો, જેની પાસે ઈચ્છો તેને પોતાનો પાક વેચી શકો છો.

મારા ખેડૂત ભાઈઓ અને બહેનો,

મારા આ શબ્દોને તમે ધ્યાનપૂર્વક સાંભળો, હું ફરીથી કહી રહ્યો છું કે તમે તમારા પાકને જ્યાં પણ ઈચ્છો ત્યાં તમે પોતે નક્કી કરીને વેચી શકો છો. તમને જ્યાં સારો ભાવ મળે તમે ત્યાં આગળ પાક વેચી શકો છો. તમે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી પર પોતાનો પાક વેચવા માંગો છો? તમે વેચી શકો છો. તમે બજારમાં તમારો પાક વેચવા માંગો છો? તમે વેચી શકો છો. તમે તમારી પાકની નિકાસ કરવા માંગો છો? તમે નિકાસ કરી શકો છો. તમે તેને કોઈ વેપારીને વેચવા માંગો છો? તમે વેચી શકો છો. તમે તમારો પાક અન્ય રાજ્યમાં વેચવા માંગો છો? તમે વેચી શકો છો. તમે આખા ગામના ખેડૂતોને એફપીઓના માધ્યમથી ભેગા કરીને તમારો બધો કુલ પાક એક સાથે વેચવા માંગો છો? તમે વેચી શકો છો. તમે બિસ્કિટ, ચિપ્સ, જામ, અન્ય ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોની વેલ્યૂ ચેઇનનો ભાગ બનવા માંગો છો? તો તમે તે પણ કરી શકો છો. દેશના ખેડૂતને એટલા અધિકાર મળી રહ્યા છે તો તેમાં ખોટું શું છે? તેમાં એવું તો શું ખોટું છે કે જો ખેડૂતોને પોતાનો પાક વેચવાનો વિકલ્પ ઓનલાઈન માધ્યમથી આખા વર્ષ દરમિયાન બીજે ક્યાંક પણ મળી રહ્યો છે?

સાથીઓ,

આજે નવા કૃષિ સુધારાઓ વિષે અસંખ્ય જુઠ્ઠાણાંઓ ફેલાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો ખેડૂતોની વચ્ચે ભ્રમ ફેલાવી રહ્યા છે કે એમએસપી ખતમ કરવામાં આવી રહી છે. તો કેટલાક લોકો એવી અફવાઓ ફેલાવી રહ્યા છે કે બજારોને બંધ કરી દેવામાં આવશે. હું તમારું ફરી એકવાર ધ્યાન દોરવા માંગુ છું કે આ કાયદાઓ લાગુ થયા એને ઘણા મહિનાઓ થઈ ગયા છે. શું તમે દેશના કોઈપણ એક ખૂણામાં એક પણ બજાર બંધ થઈ હોય એવા સમાચાર સાંભળ્યા છે ખરા? જ્યાં સુધી એમએસપીનો પ્રશ્ન છે હમણાં તાજેતરના દિવસોમાં સરકારે ઘણા બધા પાકોના લઘુત્તમ ટેકાના ભાવો પણ વધારી દીધા છે. આ કૃષિ સુધારાઓ પછી પણ થયું છે, નવા કૃષિ કાયદાઓ પછી પણ થયું છે. એટલું જ નહિ જે લોકો ખેડૂતોના નામ પર વાતો કરે છે ને આ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં કેટલાય લોકો સાચા અને નિર્દોષ ખેડૂતો પણ છે. એવું નથી કે બધા જ, તે રાજનૈતિક વિચારધારાવાળા લોકો તો નેતાઓ છે બાકી તો ભલા ભોળા ખેડૂતો છે. તેમને જઈને ખાનગીમાં પૂછશો કે ભાઈ તમારી કેટલી જમીન છે? શું ઉગાડો છો? આ વખતે વેચ્યું કે નથી વેચ્યું? તો તે પણ કહેશે કે તે એમએસપી પર વેચીને આયો છે અને જ્યારે એમએસપી પર ખરીદી ચાલી રહી હતી ને ત્યારે આ આંદોલનને તેમણે ઠંડુ કરી દીધું હતું કારણ કે તેમને ખબર હતી કે અત્યારે હમણાં જરા ખેડૂત બજારમાં જઈને પાક વેચી રહ્યો છે. તે બધુ વેચાણ કામ પૂરું થઈ ગયું પછી તેમણે આંદોલન શરૂ કર્યું.

સાથીઓ,

વાસ્તવિકતા તો એ છે કે વધેલા લઘુત્તમ ટેકાના ભાવ એમએસપી પર સરકારે ખેડૂતોના પાકને રેકોર્ડ સ્તર પર ખરીદ્યો છે અને તે પણ નવા કાયદા બન્યા પછી. અને બીજી એક મહત્વની વાત, આ કૃષિ સુધારાઓ દ્વારા સરકારે પોતાની જવાબદારીઓ વધારી જ છે. ઉદાહરણ તરીકે એગ્રીમેન્ટ ફાર્મિંગની વાત જ લઈ લો. કેટલાક રાજ્યોમાં એવા કાયદાઓ, એવી જોગવાઇઓ કેટલાય વર્ષોથી છે, પંજાબમાં પણ છે. ત્યાં તો ખાનગીઓ કંપનીઓ સંધિ કરારો કરીને ખેતી કરી રહી છે. શું તમે જાણો છો કે પહેલાના કાયદાઓમાં સમજૂતીઓ તોડે તો ખેડૂતો ઉપર દંડ લાગતો હતો! મારા ખેડૂત ભાઈઓને આ કોઈએ સમજાવ્યું નહિ હોય. પરંતુ અમારી સરકારે આ સુધારો કર્યો અને એ બાબતની ખાતરી કરી કે મારા ખેડૂત ભાઈઓ પર દંડ અથવા કોઈ બીજા પ્રકારની વસૂલી ના લગાવવામાં આવે!

સાથીઓ,

તમે એ સારી રીતે જાણો છે કે પહેલા જો કોઈ કારણસર ખેડૂત બજારમાં નહોતો પણ જઈ શકતો તો તે શું કરતો હતો? તે કોઈ વેપારીને પોતાનો માલ વેચી દેતો હતો. એવામાં તે વ્યક્તિ ખેડૂતનો ફાયદો ના ઉઠાવી શકે, તેની માટે પણ અમારી સરકારે કાયદાકીય ઉપાયો કર્યા છે. ખરીદદાર સમયસર ચુકવણી કરવા માટે હવે કાયદાકીય રીતે બાધ્ય છે. તેણે રસીદ પણ આપવી પડશે અને ત્રણ દિવસની અંદર ચુકવણી પણ કરવી પડશે નહિતર આ કાયદો ખેડૂતને શક્તિ આપે છે, તાકાત આપે છે કે તે અધિકારીઓ પાસે જઈને કાયદાકીય તંત્રનો સહારો લઈને પોતાના પૈસા પ્રાપ્ત કરી શકે છે! આ બધી જ વસ્તુઓ થઈ ચૂકી છે, થઈ રહી છે, સમાચારો આવી રહ્યા છે કે કઈ રીતે એક એક કરીને આપણાં દેશના ખેડૂત ભાઈઓ આ કાયદાઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સરકાર ખેડૂતની સાથે દરેક પગલે ઊભી છે. ખેડૂત ભલે ગમે તેને પોતાનો પાક વેચવા માંગતો હોય, સરકારે એવી વ્યવસ્થા કરી છે કે એક મજબૂત કાયદો અને કાયદાકીય વ્યવસ્થા તંત્ર ખેડૂતોના પક્ષમાં હંમેશા ઊભું રહે.

સાથીઓ,

કૃષિ સુધારાઓનું એક બીજું મહત્વનું પાસું બધા માટે સમજવું જરૂરી છે. હવે જ્યારે કોઈ ખેડૂતની સાથે સંધિ કરશે તો તે એવું પણ ઇચ્છશે કે ઉત્પાદન સારામાં સારું થાય. તેની માટે સંધિ કરનારાઓ ખેડૂતોને સારા બિયારણ, આધુનિક ટેકનોલોજી, અત્યાધુનિક સાધનો, તજજ્ઞતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે જ કરશે કારણ કે તેની તો રોજી રોટી તેમાં છે. સારા પાક માટે સુવિધાઓ ખેડૂતોના દરવાજા ઉપર ઉપલબ્ધ કરાવશે. સંધિ કરનારા વ્યક્તિ બજારના ટ્રેન્ડ વિષે સંપૂર્ણ રીતે જાણકાર રહેશે અને તેને જ અનુરૂપ આપણાં ખેડૂતોને બજારની માંગ અનુસાર કામ કરવામાં મદદ મળશે. હવે તમને હું એક બીજી સ્થિતિ જણાવું છું. જો કોઈ કારણસર કોઈ મુશ્કેલીના કારણે ખેડૂતનો પાક સારો નથી થતો અથવા તો બરબાદ થઈ જાય છે તો પણ, એ યાદ રાખજો, તો પણ જેણે સંધિ કરી છે તેને ખેડૂતની ઉપજનો જે ભાવ નક્કી થયો હતો તે તેણે આપવો જ પડશે. સંધિ કરનારો પોતાની સંધિને પોતાની મરજી મુજબ ખતમ નથી કરી શકતો. પરંતુ બીજી બાજુ જો ખેડૂત, સંધિને કોઈપણ કારણસર ખતમ કરવા માંગે છે તો ખેડૂત કરી શકે છે, સામે વાળો આમ નથી કરી શકતો. શું આ સ્થિતિ ખેડૂતો માટે ફાયદાકારક નથી? સૌથી વધુ બાહેંધરી ખેડૂતોની પાસે છે કે નથી? ખેડૂતોને ફાયદો આપનારી ખાતરી આમાં છે કે નથી? એક બીજો પણ સવાલ લોકોએ બહુ ઉછાળી રાખ્યો છે, તમારા મનમાં પણ આવતો હશે. જો કોઈ પરિસ્થિતિમાં પાક સારો થયો, બજાર બહુ સરસ થઈ ગયું, જે સંધિમાં હતો તેના કરતાં પણ વધુ નફો સંધિ કરનારાઓને મળી રહ્યો છે. જો આવું થાય છે તો સંધિના જેટલા પૈસા છે તે તો આપવાના જ છે પરંતુ જો વધારે નફો થાય છે તો તેમાંથી અમુક બોનસ પણ ખેડૂતને આપવું પડશે. આનાથી મોટી ખેડૂતની રક્ષા કોણ કરી શકે તેમ છે? આવી સ્થિતિઓમાં ખેડૂત સંધિમાં નક્કી કરવામાં આવેલ મૂલ્ય સિવાય જેમ કે મેં કહ્યું તેમ બોનસનો પણ તે હકદાર રહેશે. પહેલા શું થતું હતું યાદ છે ને? બધુ જોખમ ખેડૂતનું રહેતું હતું અને વળતર બીજા કોઈનું રહેતું હતું. હવે નવા કૃષિ કાયદાઓ અને સુધારાઓ પછી સ્થિતિ સંપૂર્ણ રીતે ખેડૂતોના પક્ષમાં થઈ ગઈ છે. હવે બધુ જોખમ સંધિ કરનાર વ્યક્તિ અથવા કંપનીનું રહેશે અને વળતર ખેડૂતોનું હશે!

સાથીઓ,

દેશના અનેક ભાગોમાં એગ્રીમેન્ટ ફાર્મિંગને પહેલા પણ પરખવામાં આવ્યું છે, તેને કસોટી પર કસવામાં આવ્યું છે. શું તમને જાણ છે કે દુનિયામાં આજે સૌથી વધુ દૂધ ઉત્પાદન, મિલ્ક પ્રોડક્શન કરનારો દેશ કયો છે? આ દેશ કોઈ બીજો નથી આપણું હિન્દુસ્તાન છે! આપણાં પશુપાલકો, આપણાં ખેડૂતોની મહેનત છે. આજે ડેરી ક્ષેત્રમા ઘણી બધી સરકારી અને ખાનગી કંપનીઓ ખેડૂતો પાસેથી દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ ખરીદે છે અને તેને બજારમાં વેચે છે. આ મોડલ કેટલા વર્ષોથી ચાલી રહ્યું હતું, શું તમે ક્યારેય એવું સાંભળ્યું કે કોઈ એક કંપની અથવા સહકારી સંસ્થાએ બજાર પર પોતાનો કબજો જમાવી દીધો હોય, પોતાનો એકાધિકાર કરી લીધો હોય? શું તમે તે ખેડૂતો અને તે દૂધ ઉત્પાદકોની સફળતાથી પરિચિત નથી જેમણે ડેરી ક્ષેત્રના આ કામ વડે લાભ થયો છે? એક બીજું પણ ક્ષેત્ર છે જ્યાં આગળ આપણો દેશ ઘણો આગળ છે – તે છે મરઘાં ઉછેર એટલે કે પોલ્ટ્રી. આજે ભારતમાં સૌથી વધુ ઈંડાનું ઉત્પાદન થાય છે. સંપૂર્ણ મરઘાં ઉછેર ક્ષેત્રમા ઘણી બધી મોટી કંપનીઓ કામ કરી રહી છે, કેટલીક નાની કંપનીઓ પણ છે તો કેટલાક સ્થાનિક ખરીદદારો પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો પોતાનું ઉત્પાદન કોઈને પણ ગમે ત્યાં વેચવા માટે સ્વતંત્ર છે. જ્યાં પણ તેમને સૌથી વધુ ભાવ મળે છે તેઓ ત્યાં ઈંડા વેચી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે આપણાં ખેડૂતોને, કૃષિ ક્ષેત્રને આ જ રીતનો વિકાસ કરવાનો અવસર મળે જેવો પોલ્ટ્રી અને ડેરી ક્ષેત્રને મળ્યો છે. આપણાં ખેડૂતોની સેવામાં જ્યારે ઘણી બધી કંપનીઓ, વ્યવસાયના અનેક પ્રકારના પ્રતિસ્પર્ધી રહેશે તો તેમને પોતાના પાકનો વધારે ભાવ પણ મળશે અને બજાર સુધી તેમની વધુ સારી પહોંચ પણ શક્ય બની શકશે.

સાથીઓ,

નવા કૃષિ સુધારાઓનાં માધ્યમથી ભારતીય કૃષિમાં નવી ટેકનોલોજીને પણ પ્રવેશ મળશે. આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આપણાં ખેડૂતો પોતાના પાકને વધારી શકશે, પોતાના પાકને વિવિધતા આપી શકશે, પોતાના પાકનું વધુ સારી રીતે પેકેજિંગ કરી શકશે, પોતાના પાકમાં મૂલ્ય ઉમેરણ કરી શકશે. એક વખત આવું થઈ ગયું તો આપણાં ખેડૂતોની ઉપજની આખી દુનિયામાં માંગ થઈ જશે અને આ માંગ સતત વધ્યા જ કરશે. આપણાં ખેડૂત માત્ર ઉત્પાદક જ નહિ પરંતુ પોતે નિકાસકાર પણ બની શકશે. દુનિયામાં કોઈપણ જો કૃષિ ઉત્પાદનોના માધ્યમથી બજારોમાં પોતાની ધાક જમાવવા માંગશે તો તેને ભારત આવવું જ પડશે. જો દુનિયામાં ક્યાંય પણ ગુણવત્તા અને જથ્થા બંનેની જરૂરિયાત હશે તો તેમને ભારતના ખેડૂતોની સાથે ભાગીદારી કરવી પડશે. જ્યારે અમે અન્ય ક્ષેત્રોમાં રોકાણ અને ઇનોવેશન વધાર્યું તો અમે આવક વધવાની સાથે જ તે ક્ષેત્રમા બ્રાન્ડ ઈન્ડિયાને પણ સ્થાપિત કરી. હવે સમય આવી ગયો છે કે બ્રાન્ડ ઈન્ડિયા દુનિયાના કૃષિ બજારોમાં પણ પોતાની જાતને તેટલી જ પ્રતિષ્ઠા સાથે સ્થાપિત કરે.

સાથીઓ,

કેટલાક રાજનૈતિક દળો, જેમને દેશની જનતાએ લોકશાહી રીતે નકારી દીધા છે, તે લોકો આજે કેટલાક ખેડૂતોને ગુમરાહ કરીને જે કઈં પણ કરી રહ્યા છે તે બધાને વારે વારે નમ્રતા પૂર્વક સાકાર તરફથી અનેક પ્રયાસો કરવા છતાં પણ કોઈ ને કોઈ રાજનૈતિક કારણસર, કોઇને કોઈ બંધાયેલી રાજનૈતિક વિચારધારાના કારણે આ ચર્ચા નથી થવા દઈ રહ્યા. કૃષિ કાયદાઓના સંદર્ભમાં આ જે રાજકીય પક્ષની વિચારધારાવાળા જે કેટલાક લોકો છે જેઓ ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ફોડી રહ્યા છે, કૃષિ કાયદાઓના સંદર્ભમાં તેમની પાસે મજબૂત તર્ક ના હોવાના કારણે તેઓ જાત જાતના મુદ્દાઓને ખેડૂતોના નામ પર ઉછાળી રહ્યા છે. તમે જોયું હશે કે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તેમની માંગણી હતી કે એમએસપીની બાહેંધરી આપો, તેમના મન માં બરાબર હતું કારણ કે તેઓ ખેડૂતો હતા, તેમને લાગ્યું કે ક્યાંક આવું ના થઈ જાય. પરંતુ તેનો માહોલ બતાવીને આ રાજનૈતિક વિચારધારાવાળા લોકો ચઢી બેઠા અને હવે એમએસપી વગેરે બાજુમાં રાખીને, શું ચાલી રહ્યું છે આ લોકો હિંસાના આરોપીઓ, એવા લોકોને જેલમાંથી છોડાવવાની માંગ કરી રહ્યા છે. દેશમાં આધુનિક ધોરીમાર્ગો બને, નિર્માણ પામે, જે પાછલી બધી સરકારોએ કર્યું હતું, આ લોકો પણ સરકારોમાં સમર્થન કરતાં હતા, ભાગીદાર હતા. હવે કહે છે કે ટોલ ટેક્સ નહિ લાગે, ટોલ ખાલી કરી નાખો. ભાઈ ખેડૂતનો વિષય છોડીને નવી જગ્યા ઉપર શા માટે જવું પડી રહ્યું છે? જે નીતિઓ પહેલાના સમયથી ચાલતી આવી રહી છે, હવે આ ખેડૂત આંદોલનની આડશમાં તેનો પણ વિરોધ કરી રહ્યા છે, ટોલ નાકાઓનો વિરોધ કરી રહ્યા છે.

સાથીઓ,

એવી પરિસ્થિતિમાં પણ દેશભરના ખેડૂતોએ કૃષિ સુધારાઓનું ભરપૂર સમર્થન કર્યું છે, ભરપૂર સ્વાગત કર્યું છે. હું બધા જ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું, હું માથું નમાવીને તેમને પ્રણામ કરું છું કે દેશને આગળ લઈ જવા માટે દેશના કોટિ કોટિ ખેડૂતો આજે આ નિર્ણય સાથે આ હિંમત સાથે ઉભેલા છે હું મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને ભરોસો અપાવું છું કે તમારા વિશ્વાસ પર અમે કોઈ આંચ નહિ આવવા દઈએ. પાછલા દિવસોમાં અનેક રાજ્યો અને એ વાત સમજવી પડશે, અનેક રાજ્યો, પછી તે આસામ હોય કે આ બાજુ રાજસ્થાન હોય, જમ્મુ કાશ્મીર હોય, એવી કેટલીય જગ્યાઓ પર પંચાયતોની ચૂંટણી થઈ. તેમાં પ્રમુખતા ગ્રામીણ ક્ષેત્રના લોકોએ જ મત આપવાનો હોય છે, એક રીતે ખેડૂતે જ મત આપવાનો હોય છે. આટલો ગુમરાહ કરનારા લોકોના ખેલ ચાલી રહ્યા હતા, આટલું મોટું આંદોલનનું નામ આપવામાં આવી રહ્યું હતું, હો હલ્લા કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેની જ આજુબાજુમાં જ્યાં જ્યાં પણ ચૂંટણી થઈ છે, તે ગામના ખેડૂતોએ આ આંદોલન ચલાવનાર જેટલા પણ લોકો હતા તેમને ઇનકાર કરી દીધા છે, પરાજિત કરી દીધા છે. આ પણ એક રીતે તેમણે બેલેટ બોક્સના માધ્યમથી આ નવા કાયદાઓને ખુલ્લી રીતે સમર્થન આપ્યું છે.

સાથીઓ,

તર્ક અને તથ્યના આધાર પર, દરેક કસોટી પર આપણાં આ નિર્ણયો કઈ રીતે જઈ શકે છે. તેમાં કોઈ ખામી છે તો તેને આંગળી ચીંધવી જોઈએ. લોકશાહી છે, અમને બધી જ રીતે ભગવાને જ્ઞાન આપ્યું છે એવો દાવો અમારો નથી પરંતુ વાત તો થાય ને! આ વાતો કરવા છતાં પણ, લોકશાહીમાં અતૂટ આસ્થા અને શ્રદ્ધા હોવાના કારણે ખેડૂતો પ્રત્યે અમારું સમર્પણ હોવાના લીધે, દરેક સમયે, ખેડૂતોના દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. સમાધાન માટે અમે ખુલ્લુ મન લઈને ચાલી રહ્યા છે. કેટલાક દળો એવા પણ છે જેઓ આ જ કૃષિ સુધાર કાર્યોના પક્ષમાં રહ્યા છે, તેમના લિખિત નિવેદનો પણ અમે જોયા છે, આજે તેઓ પોતાની કહેલી વાતોથી જ ફરી ગયા છે, તેમની ભાષા બદલાઈ ગઈ છે. તે રાજનીતિક નેતાઓ જેઓ ખેડૂતોને ભ્રમિત કરવામાં લાગેલા છે જેમની લોકશાહીમાં જરા પણ શ્રદ્ધા નથી રહી, તેઓ વિશ્વાસ જ નથી કરતાં લોકશાહી પર, દુનિયાના અનેક દેશોમાં તેમનો પરિચય છે લોકોને, આવા લોકોને જે પણ તેમણે કહ્યું છે કે પાછલા દિવસોમાં, જે રીતના જેવા તેવા આરોપો લગાવ્યા છે, જે ભાષાનો પ્રયોગ કર્યો છે, ખબર નહિ કેવી કેવી ઈચ્છાઓ વ્યક્ત કરી છે હું બોલી પણ નથી શકતો. આ બધુ કરવા છતાં પણ તે બધી જ વસ્તુઓને સહન કરવા છતાં પણ, તેને પેટમાં ઉતારીને પણ, મન ઠંડુ રાખીને પણ, એ બધાને સહન કરીને, હું આજે ફરી એક વાર નમ્રતા સાથે તે બધા જ લોકોને પણ જેઓ અમારો ઘોર વિરોધ કરવા પર લાગેલા છે, તેમને પણ કહું છું, હું નમ્રતા સાથે કહું છું કે અમારી સરકાર ખેડૂતોના હિતમાં તેમની સાથે પણ વાત કરવા માટે તૈયાર છે પરંતુ વાત મુદ્દાઓ પર થશે, તર્ક અને તથ્ય પર થશે.

સાથીઓ,

અમે દેશના અન્નદાતાને ઉન્નત કરવા માટેના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. જ્યારે તમારી ઉન્નતિ થશે, તો આખા રાષ્ટ્રની ઉન્નતિ થવી નક્કી છે. માત્ર આત્મનિર્ભર ખેડૂત જ આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી શકે છે. મારો દેશના ખેડૂતોને આગ્રહ છે – કોઈના ભડકાવામાં ના આવશો, કોઈના જુઠ્ઠાણાંને ના માનશો, તર્ક અને તથ્યને આધાર બનાવીને જ વિચાર વિમર્શ કરો અને ફરી એકવાર આખા દેશના ખેડૂતોએ ખૂલીને જે સમર્થન આપ્યું છે તે મારી માટે અત્યંત સંતોષ અને ગર્વનો વિષય છે. હું તમારો ખૂબ આભારી છું. એક વાર ફરી કરોડો ખેડૂત પરિવારોને પીએમ કિસાન સમ્માન નિધિ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું તમને સતત પ્રાર્થના કરું છું, તમારી માટે પણ સતત પ્રાર્થના કરું છું, તમે સ્વસ્થ રહો, તમારો પરિવાર સ્વસ્થ રહે, એ જ કામના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

આભાર!

SD/GP/BT