આજે લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નાં તમામ અધિકારીઓ અને સ્ટાફ માટે દિવાળી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
પીએમઓ સ્ટાફનાં દરેક કર્મચારીઓનાં સારા કાર્યની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે કરેલા તમામ પરિવર્તનલક્ષી કાર્ય કર્મચારીઓની મહેનત અને ખંતપૂર્વકનાં પ્રયાસને આભારી છે. તેમણે સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો અને ગયા વર્ષમાં શું કામ કર્યું છે અને આગામી વર્ષમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા શું કરવું પડશે એ વિશે વિચારવા પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કાર્યાલય સરકાર માટે રોલ મોડલની જેમ કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, પીએમઓ કોઈ પણ કામ માટેનાં અમલીકરણની રૂપરેખા બનાવવાની સાથે અન્ય વિભાગોને પ્રેરણા આપે છે અને માર્ગ પ્રશસ્ત કરે છે. પ્રધાનમંત્રીએ કર્મચારીઓને તેમની નૈતિકતા અને કટિબદ્ધતા સાથે સરકારનાં અન્ય તમામ વિભાગ માટે પ્રેરણારૂપ બની રહેવાની અપીલ કરી હતી. તેમણે વર્ષ 2022માં ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી અગાઉ સરકારના તમામ લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટેની રૂપરેખા રજૂ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પીએમઓએ લાખો નાગરિકોનાં સ્વપ્નો અને એમની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે સતત કાર્ય કરતા રહેવું જોઈએ.
RP