પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્પેનની સરકારના પ્રેસિડન્ટ (પ્રધાનમંત્રીની સમકક્ષ હોદ્દો) મહામહિમ પેડ્રો સાન્ચેઝ પરેઝ-કાસ્તેજોન સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 મહામારી દ્વારા ઊભા થયેલા વૈશ્વિક પડકાર પર ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ સ્પેનમાં મોટી સંખ્યામાં જાનહાનિ બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને હજુ આ રોગથી પીડિત લોકો ઝડપથી સાજાં થાય એવી પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, સ્પેનના પ્રશંસનીય પ્રયાસો સાથે ભારત સંપૂર્ણ સાથસહકાર આપવા તૈયાર છે. તેમણે સ્પેનનાં પ્રેસિડન્ટ સમક્ષ શક્ય એટલી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
બંને નેતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની કટોકટી સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સાથસહકારના મહત્ત્વ પર સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ પછીના યુગ માટે દુનિયાએ વૈશ્વિકરણની નવી, માનવકેન્દ્રિત વિભાવનાને પરિભાષિત કરવાની જરૂર છે. આ વાત સાથે સ્પેનનાં પ્રધાનમંત્રી સંમત થયા હતા.
બંને નેતાઓ રોગચાળાને કારણે પોતાના ઘરોમાં બંધ લોકોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવાના સરળ સુલભ માધ્યમ માટે યોગ અને પરંપરાગત ઔષધિઓની ઉપયોગિતા પર પણ સંમત થયા હતા.
તેઓ સંમત થયા હતા કે, તેમની ટીમો કોવિડ-19ની બદલાતી સ્થિતિ અને એમાંથી ઊભી થતી જરૂરિયાતોના સંબંધમાં એકબીજાનાં સતત સંપર્કમાં રહેશે.
RP