Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જૈસિન્ટો ન્યૂસી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ


પ્રધાનમંત્રીએ આજે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ મહામહિમ ફિલિપ જૈસિન્ટો ન્યૂસી સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો.

બંને નેતાઓએ પોત પોતાના દેશમાં કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી પડકારજનક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આરોગ્ય કટોકટીના આ સમયમાં મોઝામ્બિકને આવશ્યક દવાઓ અને ઉપકરણો સહિત શક્ય હોય તે પ્રકારે મદદ કરવા માટે પ્રધાનમંત્રીએ ભારત વતી ઇચ્છા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ન્યૂસીએ આરોગ્ય સંભાળ અને ફાર્માસ્યુટિકલ પૂરવઠાઓના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે નીકટતાપૂર્વકના સહકારની પ્રશંસા કરી હતી.

બંને મહાનુભવોએ મોઝામ્બિકમાં ભારતીય રોકાણ અને વિકાસની પરિયોજનાઓ સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ મોઝામ્બિકમાં કોલસા અને કુદરતી વાયુના ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ દ્વારા મોટાપાયે કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓની નોંધ લઇને મોઝામ્બિકને આફ્રિકામાં એકંદરે ભારતની ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યું હતું.

બંને નેતાઓએ સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે વિકસી રહેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉત્તર મોઝામ્બિકમાં ત્રાસવાદી ઘટનાઓ અંગે રાષ્ટ્રપતિ ન્યૂસીની ચિંતા અંગે પણ ચર્ચા કરી હતી અને મોઝામ્બિકની પોલીસ અને સુરક્ષા દળોની ક્ષમતા નિર્માણ સહિત શક્ય હોય તે તમામ પ્રકારે સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી.

મોઝામ્બિકમાં વસતા ભારતીયો અને ભારતીય મૂળના લોકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મોઝામ્બિકના પ્રશાસને કરેલા પ્રયાસો બદલ પ્રધાનમંત્રીએ વિશેષરૂપે આભાર વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓ એ વાત સહમત થયા હતા કે, બંને રાષ્ટ્રના નેતાઓ વર્તમાન સમયમાં ચાલી રહેલી મહામારીના સમયમાં વધુ પારસ્પરિક સહકાર અને સહયોગની સંભાવનાઓ ચકાસવા માટે સંપર્કમાં રહેશે.

GP/DS