પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે નેપાળના માનનીય પ્રધાનમંત્રી શ્રી કે. પી. શર્મા ઓલીએ ટેલિફોન કર્યો હતો.
નેપાળના પ્રધાનમંત્રીએ ભારતના 74માં સ્વતંત્રતા દિવસના અવસરે ભારત સરકાર અને ભારતના લોકોને શુભેચ્છા પાઠવી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના હંગામી સદસ્ય તરીકે ભારત માટે તાજેતરમાં થયેલી ચૂંટણી માટે અભિનંદન પણ આપ્યા.
બંને દેશોમાં કોવિડ-19 રોગચાળાની અસરને ઓછી કરવાના પ્રયત્નોના સંદર્ભમાં બંન્ને નેતાઓએ પરસ્પર સુદ્રઢતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં નેપાળના પ્રધાનમંત્રીને ભારત તેમને સતત સમર્થન પૂરું પાડશે તેવી બાહેંધરી આપી હતી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રીનો ટેલિફોન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો અને ભારત અને નેપાળની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક સંબંધોને યાદ કર્યા.
SD/GP/BT