Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને નેપાળના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કે. પી. શર્મા ઓલી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઇ હતી.

બંને મહાનુભવોએ વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે ઉભા થઇ રહેલા આરોગ્ય અને આર્થિક પડકારોથી બંને દેશ અને પ્રદેશના લોકોને સલામત રાખવા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. તેમણે મહામારીને અંકુશમાં લેવા માટે પોત-પોતાના દેશોમાં લેવાયેલા પગલાં અંગે પણ ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ઓલીના નેતૃત્વમાં નેપાળ સરકારે આ કટોકટી સામે આપેલી પ્રતિક્રિયા અને વ્યવસ્થાપનની કામગીરી બિરદાવી હતી અને આ પડકાર સામે લડવા માટે નેપાળના લોકોના દૃઢ નિર્ધારની પ્રશંસા કરી હતી.

નેપાળના પ્રધાનમંત્રીએ સાર્ક દેશોમાં આ મહામારી સામે પ્રતિક્રિયા માટે સંકલન સાધવા માટે પ્રધાનમંત્રી મોદીએ કરેલી પહેલ અંગે પોતાના પ્રશંસાના શબ્દોનો પૂનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભારત દ્વારા નેપાળને આપવામાં આવેલા દ્વિપક્ષીય સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ આ વૈશ્વિક મહામારી સામે લડવાના નેપાળના પ્રયાસોમાં ભારત શક્ય હોય તે તમામ પ્રકારે સહકાર અને મદદ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનો પૂનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ એ બાબતે સંમત થયા હતા કે, તેમના નિષ્ણાંતો અને અધિકારીઓ કોવિડ-19ના કારણે ઉભા થતા તમામ પ્રશ્નોના ઉકેલ માટે એકબીજા સાથે સતત નીકટતાથી વિચારવિમર્શ કરશે અને સંકલનમાં રહેશે. આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સીમાપાર પૂરો પાડવા અંગે પણ તેમણે સંમતિ દર્શાવી હતી.

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી ઓલી અને નેપાળના લોકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

GP/RP