પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શિન્ઝો આબે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી.
બંને મહાનુભવો વચ્ચે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે ઉભા થઇ રહેલા વૈશ્વિક આરોગ્ય અને આર્થિક પડકારો અંગે ચર્ચા થઇ હતી. તેમણે સંકટના આ સમયમાં પોત-પોતાના દેશોમાં લેવાયેલા પગલાં અંગે પણ ચર્ચા કરી હતી.
વર્તમાન કટોકટીના સમયમાં એકબીજાના રાષ્ટ્રમાં રહેલા પોતાના નાગરિકોને પૂરતો સહકાર આપવા અને સુવિધાઓ પૂરી પાડવા અંગે બંનેએ પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી અને સતત સંકલનમાં રહેવા માટે પણ સંમત થયા હતા.
ભારત અને જાપાનની ભાગીદારી આ મહામારીના કારણે ઉભા થયેલા પડકારોનો ઉકેલ શોધીને સમગ્ર દુનિયાને મદદરૂપ થવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તે બાબતે બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી હતી.
GP/RP