પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કતાર દેશના આમીર મહામહિમ શેખ તામીમ બિન હમાદ અલથાની સાથે ટેલિફોન પર ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ વર્તમાન સમયમાં વૈશ્વિક મહામારી કોવિડ-19 સંબંધિત સતત બદલાઇ રહેલી પરિસ્થિતિ અંગે તેમજ તેની સામાજિક અને આર્થિક અસરો અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પોતાના દેશમાં આ વાયરસને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે એકબીજાને જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મહામહિમ આમીરને SAARC દેશોમાં તાજેતરમાં લેવાયેલી પ્રાદેશિક પહેલ અને દિવસની શરૂઆતમાં G-20 નેતાઓ સાથે યોજાયેલી વર્ચ્યુઅલ સમિટ અંગે પણ માહિતી આપી હતી.
બંને નેતાએ આશા વ્યક્ત કરી હતી કે, તમામ અસરગ્રસ્ત દેશોમાં આ બીમારીનો ફેલાવો રોકવા માટે થઇ રહેલા પ્રયાસો અને લેવામાં આવેલા પગલાંથી ખૂબ જ વહેલી તકે સકારાત્મક પરિણામ મળશે. તેમણે આ મહામારી સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકતા અને માહિતીના આદાનપ્રદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
કતારમાં રહેલા ભારતીયોના કલ્યાણ માટે કતાર દ્વારા કરવામાં આવતા પ્રયાસો અને ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં વ્યક્તિગત રીતે તેમના પર ધ્યાન આપવા બદલ પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ તામીમ બિન હમાદ અલથાનીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી અને મહામહિમ આમીરે હાલમાં ઉભરી રહેલી પરિસ્થિતિ અંગે નિયમિત સંપર્ક અને વિચારવિમર્શ માટે સંમતિ દાખવી હતી.
RP