Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની મેક્સિકો મુલાકાત દરમિયાન ભારત – મેક્સિકોનું સંયુક્ત નિવેદન (જૂન, 08, 2016)

પ્રધાનમંત્રીની મેક્સિકો મુલાકાત દરમિયાન ભારત – મેક્સિકોનું સંયુક્ત નિવેદન (જૂન, 08, 2016)


1. યુનાઈટેડ મેક્સિકન સ્ટેટ્સના પ્રમુખ મહામહિમ્ન શ્રી એનરિક પેના નિએટોના નિમંત્રણથી ભારતના પ્રધાનમંત્રી મહામહિમ્ન શ્રી નરેન્દ્ર મોદીએ 8મી જૂન, 2016ના રોજ મેક્સિકોની કામકાજી મુલાકાત લીધી હતી, જેનો ઉદ્દેશ 28મી સપ્ટેમ્બર, 2015ના રોજ યોજાયેલા સંયુક્ત રાષ્ટ્રોના સામાન્ય સભાના 70મા સત્રની હાંસિયાની બાબતો અંગે બંને નેતાઓ વચ્ચે વાતચીત હાથ ધરવાનો હતો.

2. આર્થિક ક્ષેત્રે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અને લાંબા ગાળાનાં રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક ધ્યેયોનો વિશાળ સંપાત પ્રતિબિંબિત કરતા વૈશ્વિક એજન્ડાના અત્યંત મહત્ત્વના મુદ્દાઓ માટે દ્વિપક્ષીય સંબંધો વિકસાવે તેવા 21મી સદીની ભારત અને મેક્સિકો વચ્ચેની વિશેષાધિકૃત ભાગીદારીનો માર્ગ નક્કી કરવાની તક હોવાનું બંને નેતાઓએ સ્વીકાર્યું હતું.

3. પ્રમુખ એનરિક પેના નિએટોએ આર્થિક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મેક્સિકોમાં હાથ ધરાયેલા માળખાકીય સુધારાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમના તરફથી આર્થિક વિકાસ અને લોકોનું જીવન ધોરણ સુધારવા માટે તેમની સરકારે હાથ ધરેલાં પગલાં રજૂ કર્યાં હતાં.

આ સંદર્ભે બંને નેતાઓઃ
રાજકીય સંવાદ

4. બંને દેશોના વિદેશ મંત્રીઓને વર્ષ 2016માં મેક્સિકો ખાતે યોજાનારી સાતમી મેક્સિકો-ઈન્ડિયા જોઈન્ટ કમિશનની બેઠકના ઢાંચામાં 21મી સદી માટે પ્રિવિલેજ્ડ પાર્ટનરશીપ (વિશેષાધિકૃત ભાગીદારી)નો રોડમેપ તૈયાર કરવા સૂચના આપી હતી.

5. વર્ષ 2016ના બીજા છમાસિક ગાળામાં મેક્સિકો ખાતે યોજાનારી વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે સંયુક્ત સમિતિની છઠ્ઠી બેઠક અને વેપાર, રોકાણ અને સહકાર અંગે ઉચ્ચ સ્તરના જૂથની ચોથી બેઠકનાં પરિણામો માટે બંને નેતાઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

6. બંને દેશો નિશ્ચિત ધ્યેય અને વ્યાપક યોજના મુજબ સહકારના પાયા વિસ્તારતા રહેશે, વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કરતા રહેશે અને દ્વિપક્ષીય સંબંધોના એજન્ડાને વધુ મજબૂત કરવા માટે નવાં ધ્યેયો અને વિષયો નક્કી કરતા રહેશે.

7. લેટિન અમેરિકા, કમ્યુનિટિ ઑફ લેટિન અમેરિકા એન્ડ કેરેબિયન સ્ટેટ્સ (સીઈએલએસી) અને પેસિફિક એલાયન્સમાં રાજકીય અને આર્થિક વિકાસ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર તેમજ એશિયા-પેસિફિક વિસ્તારોમાં હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

આર્થિક ભાગીદારી

8. વેપાર અને રોકાણને એની સાચી સંભાવનાઓના સ્તર જેટલું પ્રોત્સાહન આપવા માટે આર્થિક આદાન-પ્રદાનમાં વિવિધતાનું મહત્ત્વ વધ્યું હોવાનુ ટાંક્યું હતું.

9. બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાની તેમજ નાના અને મધ્યમ એકમોમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સમાં, ઉર્જામાં, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં, ઈન્ફર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ તેમજ અન્ય સંબંધિત ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

10. મેક્સિકોમાં હાથ ધરાયેલા માળખાગત સુધારાઓથી આકર્ષાઈને ઉર્જા ક્ષેત્રમાં ભારતીય કંપનીઓના રોકાણ માટેનો રસ વધ્યો હોવાનું તેમજ ભારતીય બજારમાં મેકિસોની કંપનીઓ માટે તકો ઊભી થઈ હોવાનું સંતોષપૂર્વક નોંધવામાં આવ્યું હતું.

11. રોકાણને પ્રોત્સાહન આપવા તેમજ સૌર ઉર્જાના ઉપયોગ માટે સહકારની ભૂમિકા મહત્ત્વની હોવાની વાત પર સંમતિ સધાઈ હતી. બંને નેતાઓએ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના ધ્યેયોને ઉત્તેજન આપવા માટેના રસ્તા શોધવા પણ સંમત થયા હતા.

12. સંસ્કૃતિ, શિક્ષણ અને પ્રવાસનના ક્ષેત્રે દ્વિપક્ષીય જોડાણો વધુ મજબૂત કરતા અને સમજણ વધારવા માટે બંને દેશોના લોકો વચ્ચે આદાન-પ્રદાન વધારવાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દ્વિપક્ષીય સહયોગ

13. સમાન ધ્યેયો ધરાવતા મેક્સિકોની નેશનલ ડિજિટલ સ્ટ્રેટેજી અને ડિજિટલ ઈન્ડિયા ઈનિશિયેટિવ વચ્ચે સંપાત દ્વારા ઊભી થતી તકોને આવકારવામાં આવી હતી તેમજ પોતપોતાના વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

14. અવકાશ વિજ્ઞાન, પૃથ્વી અવલોકન, આબોહવા અને પર્યાવરણીય અભ્યાસો તેમજ રિમોટ સેન્સિંગ, કુદરતી આપત્તિ સામે રક્ષણ માટે આગોતરી ચેતવણી, મેક્સિકન સ્પેસ એજન્સી (એઈએમ) અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) વચ્ચે સેટેલાઈટના લૉન્ચ બાબતે ભારત તેમજ મેક્સિકોમાં ઉપલબ્ધ અવકાશ સંબંધિત સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ માટે સહયોગને આવકારવામાં આવ્યો હતો.

15. વિશાળ સંખ્યામાં બંને દેશોના નાગરિકો વિદેશમાં વસતા હોવાની બાબતને ધ્યાનમાં લઈને નેતાઓ એમના મૂળ ધરાવતા અને એમને ત્યાં વસતા સમુદાયોના વિકાસમાં એમના દેશનું મૂળ ધરાવતા પણ વિદેશમાં જઈને વસેલા નેટવર્ક, સંસ્થાઓ અને વ્યક્તિગત લોકોની ભાગીદારી બાબતે તેમજ વિદેશોમાં તેમના કલ્યાણ અને રક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ, વિચારો અને માહિતીના આદાન પ્રદાન માટે સંમત થયા હતા.

વૈશ્વિક બાબતો અંગે વાતચીત

16. પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને અપ્રસારના સમાન ધ્યેયોને બહુપક્ષીય ઉદ્દેશ સાથે પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવા તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર સહકાર ચાલુ રાખવા પરસ્પર વચનો અપાયાં હતાં.

17. આતંકવાદની તેનાં તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો.

18. સંયુક્ત રાષ્ટ્રોમાં અસરકારક બહુપક્ષીય પ્રણાલિનું મહત્ત્વ તેના કેન્દ્ર સ્થાને હોવાનું સુનિશ્ચિત કરાયું હતું અને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના વ્યાપક સુધારાની પ્રક્રિયામાં પ્રગતિ થાય તે માટે સતત સહયોગના મહત્ત્વ અંગે બંને નેતાઓ સંમત થયા હતા.

19. જી-20માં તેમની હિસ્સેદારી માટે ઉત્પાદક અને નોંધપાત્ર સહકારની નોંધ લેવાઈ હતી.

20. ડિસેમ્બર, 2015માં પેરિસ ખાતે યોજાયેલી આબોહવા પરિવર્તન અંગેની પરિષદના સંતોષકારક અને સફળ તારણને આવકારવામાં આવ્યું હતું અને 22મી એપ્રિલ, 2016ના રોજ બંને દેશોએ પેરિસ એગ્રીમેન્ટ પર કરેલા હસ્તાક્ષરની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે પેરિસ એગ્રીમેન્ટને બને એટલી જલ્દી મંજૂરી આપવા તેમજ પોતપોતાના દેશોના વિકાસને લગતા પડકારોનો સામનો કરવા ઉર્જાના નવાં અને નવિનીકૃત સંસાધનો વિકસાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

21. પ્રમુખ એનરિક પેના નિએટોએ ભારતના પ્રધાનમંત્રીને ટૂંક સમયમાં ફરી મેક્સિકોની મુલાકાતે આવવા ઉષ્માભેર નિમંત્રણ પાઠવ્યું હતું. તે જ રીતે પ્રધાનમંત્રી મોદીએ પ્રમુખ શ્રી પેના નિએટોને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે રાજદ્વારી માધ્યમો દ્વારા અનુકૂળ તારીખો નક્કી કરવા સંમતિ દર્શાવી હતી.

AP/GP