Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની પ્રગતિ મારફતે બેઠક


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અતિ-સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે આજે આઇસીટી-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ પ્રગતિ મારફતે તેમની 21મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રગતિની 21મી બેઠકમાં કુલ રૂ. 8.79 કરોડનું રોકાણ ધરાવતાં 183 પ્રોજેક્ટ્સની સમીક્ષા થઈ હતી. 17 ક્ષેત્રોમાં જાહેર ફરિયાદોનાં નિવારણની પણ સમીક્ષા થઈ હતી.

આજે પ્રધાનમંત્રીએ 21મી બેઠકમાં પેટન્ટ અને ટ્રેડમાર્ક સાથે સંબંધિત ફરિયાદોનાં સંચાલન અને નિવારણ માટે પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે કામગીરીમાં સુધારો નોંધ્યો હતો, પેટન્ટ અને ટ્રેડમાર્ક અરજીની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા કામ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. અધિકારીઓએ પેટન્ટ અને ટ્રેડમાર્કની ગ્રાન્ટને ઝડપી બનાવવા લીધેલા પગલાં સમજાવ્યાં હતાં, જેમાં મેનપાવરમાં થયેલો વધારો સામેલ છે. પ્રધાનમંત્રીએ પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા ઉપલબ્ધ લેટેસ્ટ ટેકનોલોજીનાં ઉપયોગ અને આ સંબંધમાં વૈશ્વિક ધારાધોરણો અપનાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ રેલવે, રોડ, પાવર અને ઓઇલ પાઇપલાઇન અને હેલ્થ સેક્ટરમાં રૂ. 56,000 કરોડનાં મૂલ્યનાં નવ મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, જે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તેલંગાણા અને કેરળ જેવા રાજ્યોમાં નિર્માણાધિન છે. આજે સમીક્ષા થયેલા પ્રોજેક્ટ્સમાં દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિઅલ કોરિડોર તથા આંધ્રપ્રદેશમાં મંગલગિરીમાં, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી, મહારાષ્ટ્રમાં નાગપુર અને ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં ચાર નવી એમ્સનું નિર્માણ સામેલ હતાં.

પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટીઝ મિશનની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે ચેલેન્જ રુટમાં શહેરોની સહભાગી થવાની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, દરેક સામે હવે એ ચેલેન્જ છે કે ઓળખ કરાયેલા 90 શહેરોમાં ઉચ્ચ ગુણવત્તા સાથે કામનો અમલ અને ઝડપથી પૂર્ણ થવાની સુનિશ્ચિતતા કરે.

વન અધિકારોના કાયદાની પ્રગતિ કરતાં પ્રધાનમંત્રીએ વનવાસી સમુદાયોનાં અધિકારોને નક્કી કરવા અને ઝડપથી દાવાની પતાવટ કરવા સ્પેસ ટેકનોલોજીનાં ઉપયોગનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જીએસટી સાથે સંબંધિત આશંકાઓ ખોટી પુરવાર થઈ છે અને તેનો સરળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે. તેમણે તમામ મુખ્ય સચિવોને જીએસટી હેઠળ નોંધણી વધારવાનાં પ્રયાસોને વેગ આપવા અને એક મહિનાની અંદર આ સંબંધમાં મોટો વધારો હાંસલ કરવા જણાવ્યું હતું.

ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ) પર તેમણે કહ્યું હતું કે, પોર્ટલથી પારદર્શકતા વધી છે અને નકામાં ખર્ચમાં ઘટાડો થયો છે. તેમણે તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને સરકારી પ્રક્રિયાઓમાં જીઇએમને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

AP/J.Khunt/GP