Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ચીન અને મ્યાન્મારની આગામી મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3થી 5 સપ્ટેમ્બર, 2017 સુધી ચીનમાં ઝિયામેનમાં 9મી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી 5થી 7 સપ્ટેમ્બર, 2017 સુધી મ્યાન્મારની સત્તાવાર મુલાકાત પણ લેશે.

પ્રધાનમંત્રીએ તેમના ફેસબુક એકાઉન્ટમાં શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને આ મુલાકાત અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કેઃ

“હું 3થી 5 સપ્ટેમ્બર, 2017 સુધી 9મી બ્રિક્સ સમિટ માટે ચીનમાં ઝિયામેનની મુલાકાત લઇશ. ભારતને ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવામાં આયોજિત આઠમી સમિટનું યજમાન બનવાની તક સાંપડી હતી. હું ગોવા સમિટના પરિણામો પર વિવિધ મુદ્દાઓને આગળ વધારવા આતુર છું. હું ફળદાયક ચર્ચાવિચારણા અને હકારાત્મક પરિણામો માટે પણ આતુર છું, જે ચીનની અધ્યક્ષતામાં મજબૂત બ્રિક્સ પાર્ટનરશિપના એજન્ડાને ટેકો આપશે.

અમે તમામ પાંચ દેશોના ઉદ્યોગના દિગ્ગજોનું પ્રતિનિધિત્વ ધરાવતી બ્રિક્સ કાઉન્સિલ સાથે પણ ચર્ચાવિચારણા કરીશું.

ઉપરાંત હું 5મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ઝી જિનપિંગ દ્વારા આયોજિત ઇમર્જિંગ માર્કેટ્સ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ ડાયલોગમાં બ્રિક્સના ભાગીદાર સહિત અન્ય નવ દેશોના નેતાઓ સાથે પણ ચર્ચા કરવા આતુર છું.

મને સમિટ દરમિયાન વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરવાની તક મળશે. ભારત બ્રિક્સની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. બ્રિક્સે પ્રગતિ અને શાંતિ માટે તેની ભાગીદારીના બીજા દાયકાની શરૂઆત કરી છે. બ્રિક્સએ વૈશ્વિક પડકારોનું સમાધાન કરવા તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

હું રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાન્મારના રાષ્ટ્રપતિ મહામહિમ યુ હતિન ક્યોના આમંત્રણ પર 5થી 7 સપ્ટેમ્બર, 2017 સુધી મ્યાન્મારની મુલાકાત લઇશ. મેં અગાઉ વર્ષ 2014માં આસિયાન-ઇન્ડિયા સમિટ માટે આ સુંદર દેશની મુલાકાત લીધી હતી, પણ મ્યાન્મારની આ મારી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે.

હું રાષ્ટ્રપતિ યુ હતિન ક્યો તેમજ સ્ટેટ કાઉન્સેલર, વિદેશ મંત્રી અને પ્રેસિડન્ટ ઓફિસના મંત્રી હર એક્સલન્સી ડાઉ આંગ સાન સુ કીને મળવા આતુર છું. મને વર્ષ 2016માં બંને મહાનુભાવોને તેમની ભારતની મુલાકાત દરમિયાન મળવાની અને તેમની ચર્ચા કરવાની તક મળી હતી.

આ મુલાકાત દરમિયાન અમે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસની સમીક્ષા કરીશું, ખાસ કરીને મ્યાન્મારમાં ભારતે હાથ ધરેલી વિકાસ સહકાર અને સામાજિક-આર્થિક સહાયના વિસ્તૃત કાર્યક્રમની તથા નવા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાની શક્યતા ચકાસીશું, જેમાં અમે સંયુક્તપણે કામ કરી શકીએ. અમે સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા, વેપાર અને રોકાણ, કૌશલ્ય વિકાસ, માળખાગત સુવિધા અને ઊર્જા તથા સંસ્કૃતિ પર અમારા વિસ્તૃત સહકારને મજબૂત કરવાનો પણ વિચાર કરીશું.

હું પ્રસિદ્ધ સાંસ્કૃતિક શહેર બાગાનની મુલાકાત લેવા પણ આતુર છું, જ્યાં ભારતીય પુરાતત્વ વિભાગે આનંદ મંદિરના જીર્ણોદ્ધાર પર જબરદસ્ત કામ કર્યું છે અને જ્યાં તે ગયા વર્ષના ધરતીકંપમાં નુકસાન પામેલા અનેક પગોડા અને ભીંતચિત્ર પર સમારકામ હાથ ધરશે.

યાંગોનમાં મારો પ્રવાસ પૂર્ણ થશે, જ્યાં હું ભારત અને મ્યાન્મારના સહિયારી સંસ્કૃતિનું પ્રતીક સમાન વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા આતુર છું.

હું મ્યાન્મારના ભારતીય મૂળના સમુદાયને મળવા અને તેમની સાથે વાત કરવા પણ આતુર છું, જેમના મૂળિયા એક સદીથી વધારે ઊંડા છે.

મને ખાતરી છે કે આ મુલાકાત ભારત-મ્યાન્મારના સંબંધમાં નવું ઉજ્જવળ પ્રકરણ શરૂ થશે તથા અમારી સરકારો, અમારા વ્યાવસાયિક સમુદાયો વચ્ચે અને બંને દેશોના નાગરિક સ્તરે ગાઢ સહકાર માટે યોજના બનાવવામાં મદદરૂપ થશે.”

******

TR