Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની ઈઝરાયલ અને જર્મનીની આગામી મુલાકાત


પ્રધાનમંત્રી 4થી 6 જુલાઈ, 2017 દરમિયાન ઈઝરાયલની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 12મી જી-20 સમિટમાં ભાગ લેવા 6થી 8 જુલાઈ, 2017 દરમિયાન જર્મનીમાં હેમ્બર્ગની મુલાકાત પણ લેશે.

 

પોતાના એકાઉન્ટમાંથી શ્રેણીબદ્ધ ફેસબુક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કેઃ

 

“હું ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુના આમંત્રણ પર 4-6 જુલાઈ, 2017 દરમિયાન ઈઝરાયલની મુલાકાત લઇશ.

 

ઈઝરાયલની મુલાકાત લેનાર હું પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનીશ. હું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ મુલાકાતને લઈને આતુર છું, જે બંને દેશો અને તેના લોકોને એકબીજાની વધારે નજીક લાવશે. ચાલુ વર્ષે ભારત અને ઈઝરાયલ આપણા રાજદ્વારી સંબંધોના 25મા વર્ષની ઉજવણી કરે છે.

 

હું પારસ્પરિક લાભ માટે વિવિધ ક્ષેત્રોમાં આપણી ભાગીદારીને વધારે મજબૂત કરવા તમામ પાસાંઓ પર પ્રધાનમંત્રી નેતાન્યાહુ સાથે ઊંડાણપૂર્વક વાત કરીશ. અમારી પાસે આતંકવાદ જેવા મુખ્ય સામાન્ય પડકારો પર ચર્ચા કરવાની પણ તક હશે.

 

હું રાષ્ટ્રપતિ રુવેન રુવિ રિવ્લિનને મળીશ – જેમને ગયા વર્ષે નવેમ્બરમાં નવી દિલ્હીમાં અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે આવકારવાની મને તક મળી હતી.

 

આ મુલાકાત દરમિયાન મારા કાર્યક્રમમાં મને ઈઝરાયલના સમાજ સાથે જોડાવાની તક મળશે. હું ખાસ કરીને ઈઝરાયલમાં રહેતા વાઇબ્રન્ટ ભારતીય સમુદાય સાથે આદાનપ્રદાન કરવા આતુર છું, જે આપણા બંને દેશના લોકો વચ્ચે જીવંત અને મજબૂત કડી છે.

 

આર્થિક ક્ષેત્રની વાત કરું તો હું ભારતીય અને ઈઝરાયલની વિવિધ કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સના સીઇઓ સાથે વ્યવસાય અને રોકાણને વધારવાની આપણી સહિયારી પ્રાથમિકતા પર ચર્ચા કરીશ. ઉપરાંત મને આશા છે કે ઓન-સાઇટ મુલાકાતો મારફતે મને ટેકનોલોજી અને નવીનતામાં ઈઝરાયલની સિદ્ધિઓ જોવા જાણવાની તક મળશે.

 

મારા રોકાણ દરમિયાન મને હોલોકાસ્ટ (કત્લેઆમ)ના પીડિતોની યાદમાં નિર્માણ પામેલ યાદ વાશેમ મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાત લેવાની તક મળશે. હોલોકાસ્ટને માનવ ઇતિહાસની મોટી કરુણાંતિકાઓમાં સ્થાન આપવામાં આવે છે. પછી હું 1918માં હાઇફાને મુક્ત કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર ભારતીય સૈનિકોના સાહસને શ્રદ્ધાંજલિ પણ આપીશ.

 

હું 6 જુલાઈના રોજ 12મી જી-20 સમિટ માટે હેમ્બર્ગની મુલાકાત શરૂ કરીશ, જેનું યજમાન જર્મની છે. 7 અને 8 જુલાઈ એમ બે દિવસ હું અત્યારે આપણી દુનિયાને અસર કરતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અન્ય જી-20ના નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરવા આતુર છું, જેમાં આર્થિક વૃદ્ધિ, સ્થાયી વિકાસ તથા શાંતિ અને સ્થિરતાના મુદ્દા સામેલ છે.

 

અમે ગયા વર્ષે યોજાયેલી હાંગ્ઝો સમિટથી અત્યાર સુધી લેવાયા નિર્ણયોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરીશું તથા આતંકવાદ, આબોહવા, સ્થાયી વિકાસ, વૃદ્ધિ અને વેપાર, ડિજિટલાઇઝેશન, સ્વાસ્થ્ય, રોજગારી, સ્થળાંતરણ, મહિલાઓનું સશક્તીકરણ અને આફ્રિકા સાથે ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ વર્ષ માટે પસંદ કરેલી થીમ છેઃ “શેપિંગ એન ઇન્ટર-કનેક્ટેડ વર્લ્ડ” એટલે કે એકબીજા સાથે જોડાયેલી દુનિયાને આકાર આપવો.

 

અગાઉની જેમ હું સમિટ દરમિયાન વિવિધ નેતાઓને મળીને પારસ્પરિક હિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવાની તક ઝડપવા આતુર છું.”

 

AP/J.Khunt/TR/GP