Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની આકાશવાણી પરનો ‘મન કી બાત’ કાર્યક્રમનો મૂળપાઠ


મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર.

આજે સવારે મને દિલ્લીના નવયુવાનો સાથે કેટલોક સમય વિતાવવાની તક મળી અને હું માનું છુ કે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં રમતનો રંગ દરેક યુવાનને ઉત્સાહ-ઉમંગથી રંગી દેશે. આપણે બધા જાણીએ છીએ કે થોડા જ દિવસોમાં વિશ્વમાં સૌથી મોટી રમતોનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. રિયો શબ્દ આપણા કાનોમાં વારંવાર ગુંજશે. આખી દુનિયા રમતી હશે. દુનિયાનો દરેક દેશ તેના ખેલાડીઓના પ્રદર્શન પર ઞીણવટ ભરી નજર રાખતો હશે, તમે પણ રાખશો. આપણી આશા-અપેક્ષાઓ તો બહુ હોય છે પણ જે લોકો રિયોમાં રમવા ગયા છે તે ખેલાડીઓનો ઉમંગ ઉત્સાહ વધારવાનું કામ સવા સો કરોડ દેશવાસીઓનું છે. આજે દિલ્લીમાં ભારત સરકારે ‘રન ફોર રિયો’, ‘ખેલો ઔર જિઓ’, ‘ખેલો ઔર ખિલો’ એક ઘણુ સારું આયોજન કર્યુ. આપણે બધા પણ આવનારા દિવસોમાં, જ્યાં પણ હોઇએ, આપણા ખેલાડીઓના પ્રોત્સાહન માટે કઇ ને કઇ કરીએ. અહીં સુધી જે ખેલાડી પહોંચે છે તે ઘણી આકરી મહેનત પછી પહોંચે છે. એક રીતે કઠોર તપસ્યા કરે છે. ખાણીપીણીનો ગમે તેટલો શોખ હોય, પરંતુ બધું છોડવું પડે છે. ઠંડીમાં મીઠી નીંદર આવતી હોય તો પણ પથારી છોડીને મેદાનમાં ભાગવું પડે છે અને માત્ર ખેલાડીને જ નહીં, તેના માબાપને પણ. તેઓ પણ એટલી જ દ્રઢતાથી તેમના બાળકો પાછળ ભોગ આપે છે. ખેલાડી રાતો-રાત નથી બનતા. એક બહુ મોટી તપસ્યા પછી બને છે. જીત અને હાર ઘણા મહત્વના છે, પરંતુ સાથે સાથે આ રમત સુધી પહોંચવું, તે તેનાથી પણ વધુ મહત્વનું છે. અને આથી આપણે બધા દેશવાસીઓ રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા આપણા બધા ખેલાડીઓને શુભકામનાઓ આપીએ. તમારા તરફથી આ કામ કરવા હું પણ તૈયાર છું. આ ખેલાડીઓને તમારો સંદેશો પહોંચાડવા માટે દેશનો વડાપ્રધાન ટપાલી બનવા તૈયાર છે.

તમે મને ‘નરેન્દ્ર મોદી એપ’ પર ખેલાડીઓના નામે શુભકામનાઓ મોકલો, હું તમારી શુભકામનાઓ તેમના સુધી પહોંચાડીશ. હું પણ સવા સો કરોડ દેશવાસીઓની જેમ એક દેશવાસી, એક નાગરીક તરીકે આપણા આ ખેલાડીઓના ઉત્સાહમાં વૃધ્ધિ માટે આપની સાથે રહીશ. આવો, આપણે બધા આવનારા દિવસોમાં એક-એક ખેલાડીને જેટલા ગૌરવાન્વિત કરી શકીએ, તેમના પ્રયાસોને વધાવી શકીએ, તેટલા વધાવીએ. અને આજે જ્યારે હું રિયો ઓલિમ્પિકની વાત કરી રહ્યો છું, ત્યારે એક કવિતા પ્રેમી પંજાબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સૂરજ પ્રકાશ ઉપાધ્યાયે એક કવિતા મોકલી છે. બની શકે છે બીજા પણ ઘણા કવિ હશે, જેમણે કવિતા મોકલી હશે, કદાચ કવિતા લખશે પણ ખરા. કેટલાક તો તેને સ્વરબધ્ધ પણ કરશે. દરેક ભાષામાં કરશે, પણ સૂરજજીએ મને જે કવિતા મોકલી છે તે હું તમને સંભળાવવા માંગુ છું :

“શુરુ હુઇ લલકાર ખેલોં કી

શુરુ હુઇ લલકાર ખેલોં કી, પ્રતિયોગિતા ઓ કે બહાર કી,

ખેલોં કે ઇસ મહાકુંભ મેં, રિયો કી રુમ-ઞુમ મેં,

ખેલોં કે ઇસ મહાકુંભ મેં, રિયો કી રુમ-ઞુમ મેં,

ભારત કી ઐસી શુરૂઆત હો,

ભારત કી ઐસી શુરૂઆત હો, સોને, ચાંદી ઔર કાંસે કી બરસાત હો,

ભારત કી ઐસી શુરૂઆત હો, સોને, ચાંદી ઔર કાંસે કી બરસાત હો,

અબ હમારી ભી બારી હો, એસી અપની તૈયારી હો, હો નિશાના સોને પે,

હો નિશાના સોને પે, ન હો નિરાશ તુમ ખોને પે, ન હો નિરાશ તુમ ખોને પે,

કરોડો દિલોં કી શાન હો, અપને ખેલોં કી જાન હો

કરોડો દિલોં કી શાન હો, અપને ખેલોં કે જાન હો,

ઐસે કિર્તીમાન બનાઓ, રિયો મેં ધ્વજ લહરાઓ, રિયો મેં ધ્વજ લહરાઓ”

સુરજજી તમારી ભાવનાઓ હું ખેલાડીઓને અર્પણ કરું છું. અને મારા તરફથી, સવાસો કરોડ દેશવાસીઓની તરફથી રિયોમાં હિન્દુસ્તાનનો ધ્વજ ફરકાવવા માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

એક નવયુવાન કોઈ શ્રીમાન અંકિત નામના છે. તેમણે મને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામજીની પુણ્યતિથિનું સ્મરણ કરાવ્યું છે. ગત સપ્તાહે અબ્દુલ કલામજીની પુણ્યતિથિ પર દેશ અને દુનિયાએ શ્રધ્ધાંજલિ આપી, પરંતુ જ્યારે પણ અબ્દુલ કલામજીનું નામ આવે છે તો સાયન્સ, ટેકનોલોજી મિસાઇલ – એક ભાવિ ભારતના સામર્થ્યનું ચિત્ર આપણી આંખો સામે ખડું થઈ જાય છે અને આથી અંકિતે પણ લખ્યુ છે કે તમારી સરકાર અબ્દુલ કલામજીના સપનાઓને સાકાર કરવા માટે શું કરી રહી છે ? તમારી વાત સાચી છે. આવનારો સમય ટેકનોલોજી પ્રભાવિત છે અને ટેકનોલોજી સૌથી ચંચળ છે. દરરોજ ટેકનોલોજી બદલાતી રહે છે, રોજ નવું રૂપ ધારણ કરે છે, રોજ નવો પ્રભાવ સર્જે છે, તે બદલાતી રહે છે. તમે ટેકનોલોજીને પકડી શકતા નથી. તમે પકડવા જશો ત્યાં સુધીમાં તો ઘણે દૂર નવા રૂપ રંગ સાથે સજી જાય છે. અને જો આપણે કદમ સાથે કદમ મેળવવા હોય અને તેનાથી આગળ નીકળવું હોય તો આપણે પણ રિસર્ચ (સંશોધન) અને ઇનોવેશન (નાવીન્ય) કરવા પડશે – કારણ તે ટેકનોલોજીના પ્રાણ છે. જો રિસર્ચ અને ઇનોવેશન નહીં થાય તો જે રીતે બંધિયાર પાણી ગંદકી ફેલાવે છે, ટેકનોલોજી પણ બોજ બની જાય છે. અને જો આપણે રિસર્ચ તેમ ઇનોવેશન વગર જૂની ટેકનોલોજીના ભરોસે જીવતા રહીશું તો આપણે દુનિયામાં બદલતા યુગમાં કાલ બાહ્ય થઈ જઈશું અને આથી નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે આકર્ષણ, ટેકનોલોજી પ્રત્યે રીસર્ચ અને ઇનોવેશનની ભાવનાને જગાડવી પડશે – પ્રોત્સાહન આપવું પડશે. આ માટે સરકારે પણ અનેક પગલા લીધા છે. અને આથી જ તો હું કહું છું – લેટ અસ એઇમ ટૂ ઇનોવેટ (ચાલો આપણે નવું નવું શોધવાનો સંકલ્પ રાખીએ) અહીં એઇમનો મારો અર્થ છે – અટલ ઇનોવેશન મિશન. નીતિ પંચ દ્વારા ‘અટલ ઇનોવેશન મિશન’ને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. એક ધ્યેય છે કે આ ‘એઇમ’ દ્વારા -‘અટલ ઇનોવેશન મિશન’ દ્વારા સંપૂર્ણ દેશમાં એક ઇકો સિસ્ટમ તૈયાર થાય, ઇનોવેશન, એક્સપરીમેન્ટ, એન્ટરપ્રિન્યોરશિપ, આ ક્રમ ચાલે અને તેનાથી નવા રોજગારની સંભાવનાઓ પણ વધવાની છે. આપણે જો નવી પેઢીના ઇનોવેશન તૈયાર કરવા હોય તો આપણા બાળકોને તેમની સાથે જોડવા પડશે અને આથી ભારત સરકારે એક ‘અટલ ટિંકરિંગ લેબ્સ ’ની પહેલ કરી છે. જ્યાં જ્યાં શાળાઓમાં આવી ટિંકરિંગ લેબ સ્થાપિત થશે તેમને રૂ. 10,00,000/- આપવામાં આવશે અને પાંચ વર્ષ દરમિયાન જાળવણી માટે 10,00,000/- રૂપિયા આપવામાં આવશે. આ જ રીતે ઇનોવેશન સાથે ઇન્કયૂબેશન સેન્ટર (વિચાર કેન્દ્ર) નો સીધો સંબંધ આવે છે. જો આપણી પાસે સશક્ત અને સમૃધ્ધ ઇન્કયૂબેશન સેન્ટર હશે તો ઇનોવેશન માટે, સ્ટાર્ટઅપ માટે, પ્રયોગ કરવા માટે, તેને એક સ્થિતિ પર લાવવા સુધી એક વ્યવસ્થા મળે છે. નવા ઇન્કયૂબેશન સેન્ટરનું નિર્માણ પણ આવશ્યક છે. અને જૂના ઇન્કયૂબેશન સેન્ટરને ઊર્જા પૂરી પાડવાની પણ આવશ્યકતા છે. અને હું અટલ ઇન્કયૂબેશન સેન્ટરની વાત કરૂ છું તો તે માટે પણ 10 કરોડ રૂપિયા જેટલી ઘણી મોટી રકમ આપવાની દિશામાં સરકારે વિચાર્યુ છે. આ જ રીતે ભારત અનેક સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યું છે. રોજિંદી જિંદગીમાં આપણને સમસ્યાઓ નજરે પડે છે. હવે આપણે ટેકનોલોજી દ્વારા ઉકેલો શોધવા પડશે. અને અટલ ગ્રાન્ડ ચેલેન્જ દ્વારા દેશની યુવા પેઢીને આહ્વવાહન કર્યું છે કે તમને નજરે પડતી સમસ્યાનો ઉકેલ ટેકનોલોજીની મદદથી શોધો, રિસર્ચ કરો, ઇનોવેશન કરો અને ઉકેલ લઈ આવો. ભારત સરકાર આપણી સમસ્યાઓના સમાધાન માટે શોધાયેલી ટેકનોલોજીને વિશેષ પુરસ્કાર આપી પ્રોત્સાહન આપવા માગે છે. અને મને ખુશી છે કે વાતોમાં લોકોને રૂચિ છે કે જ્યારે અમે ટિંકરિગ લેબની વાત કહી, ત્યારે લગભગ તેર હજાર શાળાઓએ અરજી કરી અને જ્યારે અમે ઇન્કયૂબેશન સેન્ટરની વાત કરી તો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક – ચાર હજારથી વધુ સંસ્થાઓ ઇન્કયૂબેશન સેન્ટર માટે આગળ આવી. મને વિશ્વાસ છે કે અબ્દુલ કલામજીને સાચી શ્રધ્ધાંજલિ – રિસર્ચ, ઇનોવેશન આપણી રોજિંદા જીંદગીની સમસ્યાઓના સમાધાન માટે ટેકનોલોજી, આપણી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે સરળીકરણ તેના પર આપણી નવી પેઢી જેટલું કામ કરશે. તેનું યોગદાન 21મી સદીના આધુનિક ભારત માટે મહત્વનું રહેશે અને અબ્દુલ કલામજીને સાચી શ્રધ્ધાંજલિ તે જ રહેશે.

મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક સમય પહેલા આપણે લોકો દુકાળની ચિંતા કરી રહ્યા હતા અને અત્યારે વરસાદનો આનંદ પણ આવી રહ્યો છે. તો પૂરના સમાચાર પણ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને પૂર પીડિતોની સહાયતા કરવા માટે ખભેખભા મેળવી મદદ કરવાનો ભરપૂર પ્રયાસ કહી રહી છે. વરસાદના કારણે કેટલીક મુશ્કેલીઓ હોવા છતા પણ દરેકનું મન, દરેક માનવીય મન પુલકિત થઈ જાય છે, કારણ કે આપણી સમગ્ર આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બિંદુ વરસાદમાં હોય છે – ખેતી હોય છે.

ક્યારેક એવી બીમારી પણ આવી જાય છે કે જીવનભર આપણને પસ્તાવો રહે છે. પરંતુ જો આપણે જાગૃત રહીએ, સતર્ક રહીએ, પ્રયત્નશીલ રહીએ તો તેનાથી બચવાના રસ્તા પણ ઘણા સરળ છે. ડેન્ગ્યુને જ લ્યો ને. ડેન્ગ્યુથી બચી શકાય છે. થોડું સ્વચ્છતા પર ધ્યાન આપીએ, થોડા સતર્ક રહીએ અને સુરક્ષિત રહેવા પ્રયાસ કરીએ, બાળકો પર વિશેષ ધ્યાન આપીએ અને ગરીબ વસતીમાં જ આવી બીમારી આવે છે તે વિચારશરણી છે પણ ડેન્ગ્યુનો કેસ આવો નથી. ડેન્ગ્યુ સુખી સમૃધ્ધ વિસ્તારોમાં સૌથી પહેલા આવે છે અને આથી તેને આપણે સમજીએ. તમે ટીવી પર જાહેરખબરો તો જોતા જ હશો. પરંતુ ક્યારેક આપણે તેના પર જાગૃત બનીને સાવચેતીના પગલા લેવામાં થોડા ઉદાસીન રહીએ છીએ. સરકાર, હોસ્પિટલ, ડોકટર – તે તો પોતાનું કામ કરશે જ પરંતુ આપણે પણ આપણા ઘરમાં, આપણા વિસ્તારમાં, આપણા પરિવારમાં ડેન્ગ્યુ પ્રવેશ ન કરે અને પાણીના કારણે થનારી કોઈ બીમારી ન આવે તેના માટે સતર્ક રહીશું, એ જ પ્રાર્થના હું તમને કરીશ.

એક બીજી મુસીબતની તરફ હું, પ્રિય દેશવાસીઓ તમારું ધ્યાન દોરવા માગું છું. જિંદગી એટલી દોડાદોડી વાળી બની ગઇ છે, એટલી વ્યસ્ત બની ગઇ છે કે ક્યારેક આપણને આપણા માટે વિચારવાનો સમય જ નથી હોતો. બીમાર પડી ગયા હોઇએ તો મન થાય છે કે જલ્દીથી સાજા થઇ જઇએ અને તે માટે કોઈ પણ એન્ટિબાયોટિક લઇ શરીરમાં પધરાવી દઇએ છીએ. તેનાથી તત્કાળ તો બીમારીમાંથી મુક્તિ મળી જાય છે. પરંતુ મારા પ્રિય દેશવાસીઓ, આ હાલતા-ચાલતા એન્ટિબાયોટિક લેવાની ટેવ ઘણી ગંભીર સંકટ પેદા કરી શકે છે. બની શકે છે, તમને કેટલોક સમય પૂરતી રાહત મળી તો જાય પણ ડોકટરોની સલાહ વગર આપણ એન્ટિબાયોટિક લેવાનું બંધ કરવું જોઈએ. જ્યાં સુધી ડોકટરો લખી ન દે ત્યાં સુધી આપણે તે લેવાથી બચવું જોઈએ. આપણે આ શોર્ટકટના માધ્યમથી ન ચાલીએ કારણકે તેનાથી નવી મુશ્કેલીઓ પેદા થઈ રહી છે, કારણકે આડેધડ એન્ટિબાયોટિક લેવાના લીધે દર્દીને તત્કાળ તો લાભ થઇ જાય છે. પરંતુ તેના જે જીવાણુ છે તે આ દવાઓથી ટેવાઈ જાય છે અને પછી દવાઓ આ જીવાણુઓ માટે બેકાર સાબિત થાય છે અને પછી આ લડાઈને લડવી, નવી દવાઓ બનાવવી, વૈજ્ઞાનિક શોધો કરવી વગેરેમાં વર્ષો વિતી જાય છે અને ત્યાં સુધીમાં આ બીમારીઓ નવી મુસીબત પેદા કરી દે છે. અને આથી તેના પર જાગૃત થવાની જરૂર છે. એક બીજી મુસીબત આવી છે કે ડોકટરે કહ્યું હોય કે, ભાઈ આ એન્ટિબાયોટિક લ્યો અને તેણે કહ્યું કે ભાઇ, 15 ગોળી લેવાની છે, પાંચ દિવસમાં લેવાની છે, તો હું તમને આગ્રહ કરું છુ કે ડોકટરોએ જેટલા દિવસ લેવા કહ્યું હોય, તે કોર્સ પૂરો કરો. અધૂરો છોડી દેશો તો પણ તે જીવાણુને જલસા થઇ જશે, જરૂરિયાતથી વધુ લેશો તો પણ જીવાણુને જલસો છે. અને આથી, જેટલા દિવસનો, જેટલી ગોળીનો કોર્સ નક્કી થયો હોય, તેટલો પૂરો કરવો પણ એટલો જ જરૂરી છે. તબિયત સારી થઇ ગઇ, આથી હવે જરૂરી નથી, તેવું જો આપણે કર્યું તો જીવાણુને ફાયદો થઈ જાય છે અને તે શક્તિશાળી બની જાય છે. જે જીવાણુ ટીબી અને મેલેરિયા ફેલાવે છે તે પોતાની અંદર બહુ જ ઞડપથી એવું પરિવર્તન લાવી રહ્યા છે કે દવાઓની તેના પર કોઈ અસર જ થતી નથી. મેડિકલ ભાષામાં તેને એન્ટિબાયોટિક રેઞીસ્ટન્સ કહે છે અને આથી એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવાના નિયમોનું પાલન ઘણુ જરૂરી છે. સરકાર એન્ટિબાયોટિક રેઞિસ્ટન્સને રોકવા માટે પ્રતિબધ્ધ છે અને તમે જોયું હશે, આજકાલ એન્ટિબાયોટિકની જે દવા વેચાઇ છે તેની જે સ્ટ્રીપ હોય છે તેના ઉપર લાલ રેખાથી તમને સચેત કરાય છે. તમે તેના પર જરૂર ધ્યાન આપો.

જ્યારે આરોગ્યની વાત નીકળી જ છે તો હું એક વાત વધુ ઉમેરવા માગું છું. આપણા દેશમાં જે માતાઓ ગર્ભાવસ્થામાં છે તેમના જીવનની ચિંતા ક્યારેક બહુ સતાવે છે. આપણા દેશમાં દર વર્ષે લગભગ ત્રણ કરોડ મહિલાઓ ગર્ભાવસ્થા ધારણ કરે છે. પરંતુ કેટલીક માતાઓ પ્રસુતિના સમયે મરી જાય છે. ક્યારેક મા મરી જાય છે, ક્યારેક બાળક મરી જાય છે અને ક્યારેક બાળક અને મા બંને મરી જાય છે. જોકે છેલ્લા એક દાયકામાં માતાના કવેળાના મૃત્યુના દરમાં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં આજે પણ બહુ મોટી સંખ્યામાં ગર્ભવતી માતાઓનું જીવન બચાવી શકાતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન કે પછી લોહીની ઉણપ, પ્રસવ સંબંધી ચેપ, હાઇ બીપી, ખબર નહીં કઇ તકલીફ ક્યારે તેની જિંદગી બરબાદ કરી નાખે. આ વાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે છેલ્લા કેટલાક મહિનાઓથી એક નવું અભિયાન શરૂ કર્યુ છે. ‘વડાપ્રધાન સુરક્ષિત માતૃત્વ અભિયાન’ આ અભિયાન હેઠળ દર મહિનાની નવ તારીખે બધી ગર્ભવતી મહિલાઓની સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. એક પણ પૈસાના ખર્ચ વિના સરકારી હોસ્પિટલોમાં દર મહિનાની નવ તારીખે આ કામ કરાશે. હું દરેક ગરીબ પરિવારને આગ્રહ કરીશ કે બધી ગર્ભવતી માતાઓ નવ તારીખે આ સેવાનો લાભ ઉઠાવશે. જેથી નવમા મહિના સુધી પહોંચતા પહોંચતા જો કોઇ તકલીફ થાય તો પહેલેથી જ તેનો ઉપાય થઈ શકે. માતા અને બાળક બંનેની જિંદગી બચાવી શકાય અને ગાયનેકોલોજીસ્ટને ખાસ વિનંતી કે શું તમે મહિનામાં એક દિવસ નવ તારીખે ગરીબ માતાઓ માટે નિઃશુલ્ક આ સેવા આપી ન શકો ? શું મારા ડોકટર ભાઈ-બહેન એક વર્ષમાં બાર દિવસ ગરીબો માટે આ કામ માટે ન આપી શકે ? ગત દિવસોમાં મને ઘણાએ પત્રો લખ્યા છે. હજારો ડોકટરોએ મારી વાતને માનીને આગળ વધારી છે. પણ ભારત એટલો મોટો દેશ છે કે તેમાં લાખો ડોકટરો એ આ અભિયાનમાં જોડાવું જોઇએ. મને વિશ્વાસ છે, તમે જરૂર જોડાશો.

મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ – તેની બહુ ચિંતા કરે છે. દેશ અને દુનિયામાં સામૂહિક રીતે તેની ચિંતા થાય છે. ભારતમાં સદીઓથી આ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. કુરૂક્ષેત્રના યુધ્ધ દરમિયાન પણ ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષની ચર્ચા કરે છે. ચુધ્ધના મેદાનમાં પણ વૃક્ષની ચર્ચા-ચિંતા કરવાનો અર્થ એ કે તેનું મહત્વ કેટલું હશે. તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘સ્વશ્વત્થઃ સર્વવૃક્ષાણાં’ અર્થાત બધા વૃક્ષોમાં હું પીપળો છું. શુક્રાચાર્ય નીતિમાં કહેવાયું છે – ‘નાસ્તિ મૂલં અનૌષધં’ – એવી કોઈ વનસ્પતિ નથી જેમાં કોઈ ઔષધીય ગુણ ન હો. મહાભારતના અનુશાશન પર્વ – તેમાં તો ઘણા વિસ્તારથી ચર્ચા કરી છે અને તેમાં કહેવાયું છે – જે વૃક્ષ વાવે છે તેના માટે તે વૃક્ષ સંતાનરૂપ હોય છે. તેમાં સંશય નથી. જે વૃક્ષનું દાન કરે છે તેને તે વૃક્ષ સંતાનની જેમ પરલોકમાં પણ તારી દે છે. આથી પોતાના કલ્યાણની ઇચ્છા રાખનારા માતાપિતા સારા વૃક્ષો વાવે અને સંતાનોની જેમ તેમનું પાલન કરે. આપણા શાશ્ત્ર ગીતા હોય, શુક્રાચાર્ય નીતિ હોય, મહાભારતનું અનુશાશન પર્વ હોય – પરંતુ આજની પેઢીમાં પણ કેટલાક લોકો હોય છે જે આ આદર્શોને જીવીને દેખાડે છે. કેટલાક દિવસ પહેલા પૂણેની એક દીકરી સોનલનું એક ઉદાહરણ મારી જાણમાં આવ્યું – તે મારા મનને સ્પર્શી ગયું. મહાભારતના અનુશાસન પર્વમાં કહેવાયું છે કે વૃક્ષ પરલોકમાં પણ સંતાનની જવાબદારી પૂરી કરે છે. સોનલે માત્ર તેના માતાપિતાની નહીં, સમાજની ઇચ્છાઓને પૂર્ણ કરવાનું જાણે કે બીડું ઉઠાવ્યું છે. મહારાષ્ટ્રના પૂણેના જુન્નર તાલુકામાં નારાયણપુર ગામના ખેડૂત ખંડુ મારુતિ મહાત્રેએ તેમની પૌત્રી સોનલના લગ્ન એક ખૂબ જ પ્રેરક રીતે કર્યા. મહાત્રેજી એ શું કર્યું, સોનલના લગ્નમાં જેટલા પણ સંબંધીઓ, મિત્રો, મહેમાનો આવ્યા હતા. તે બધાને “કેસર કેરી” નો એક છોડ ભેટમાં આપ્યો અને જ્યારે મેં સોશિયલ મિડીયામાં તેમની તસવીર જોઈ તો આશ્ચર્ય થયું કે લગ્નમાં જાનૈયાઓ નહોતા દેખાતા પણ છોડ જ ચારે તરફ દેખાતા હતા. એ તસવીરનું દ્રશ્ય ર્હદયસ્પર્શી હતું. સોનલ જે પોતે જ એક કૃષિ સ્નાતક છે. તેને જ આ વિચાર આવ્યો હતો અને લગ્નમાં કેરીનો છોડ ભેટમાં આપવો. તે, જુઓ, પ્રકૃતિ પ્રત્યેને પ્રેમ કેટલી ઉત્તમ રીતે પ્રગટ થયો. એક રીતે સોનલના લગ્ન પ્રકૃતિ પ્રેમની અમર ગાથા બની ગયી. હું સોનલને અને શ્રીમાન મહાત્રેજીને આ નવીન પ્રયાસ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આવો પ્રયોગ ઘણા લોકો કરે છે. મને સ્મરણ છે, હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો તો ત્યાંના અંબાજી મંદિરમાં ભાદરવા મહિનામા બહુ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવે છે. તો એક વાર એક સમાજસેવી સંગઠને નક્કી કર્યું કે મંદિરમાં જે આવશે તેમને પ્રસાદમાં છોડ આપીશું. અને તેમને કહીશું કે જુઓ, આ માતાજીનો પ્રસાદ છે. આ છોડને તમારા ગામે-ગામ જઇને તે મોટો બને તેની ચિંતા કરશો તો માતાજી તમને આશીર્વાદ આપતા રહેશે. અને લાખો પદયાત્રીઓ આવતા હતા અને લાખો છોડ વહેંચાયા હતા તે વર્ષે. મંદિર પણ આ વર્ષાઋતુમાં પ્રસાદના બદલે છોડ આપવાની પરંપરા પ્રારંભ કરી શકે છે. એક સહજ જન આંદોલન બની શકે છે – વૃક્ષારોપણનું. હું ખેડૂત ભાઈઓને વારંવાર કહું છુ કે આપણા ખેતરોના કિનારે આપણે જે વાડ બનાવી આપણી જમીન બરબાદ કરીએ છીએ. તો આપણે તે વાડની જગ્યાએ શા માટે ટિમ્બરની ખેતી ન કરીએ ? . આજે ભારતને ઘર બનાવવા માટે, ફર્નીચર બનાવવા માટે અબજો-ખર્વોનું ટિમ્બર વિદેશથી લાવવું પડે છે. જો આપણે આપણા ખેતરોના કિનારે એવાં વૃક્ષો વાવીએ જે ફર્નીચર અને ઘરકામમાં આવે તો પંદર-વીસ વર્ષ પછી સરકારની અનુમતિથી તેને કાપીને વેચી પણ શકાય છે. અને આપની આવકનું એક નવું સાધન પણ બની શકે છે. અને ભારત ટીમ્બર આયાત કરવાથી બચી પણ શકે છે. ગત દિવસોમાં અનેક રાજ્યોએ આ ઋતુનો ઉપયોગ કરીને ઘણા અભિયાન ચલાવ્યા છે. ભારત સરકારે પણ એક “કેમ્પા” કાયદો હમણા જ પસાર કર્યો. તેના કારણે વૃક્ષારોપણ માટે લગભગ ચાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુ રાજ્યો પાસે જનાર છે. મને કહેવાયું છે કે મહારાષ્ટ્ર સરકારે એક જુલાઈએ સમગ્ર રાજ્યમાં લગભગ સવા બે કરોડ છોડ વાવ્યા છે. અને આવતા વર્ષે ત્રણ કરોડ છોડ વાવવાનો સંકલ્પ કર્યો છે. સરકારે એક જન આંદોલન ઊભું કરી દીધું. રાજસ્થાન – મરૂભૂમિ – એટલો મોટો વનોત્સવ કર્યો અને પચીસ લાખ છોડ વાવવાનો સંકલ્પ કર્યો છે. રાજસ્થાનમાં પચીસ લાખ છોડ નાની વાત નથી. જે લોકો રાજસ્થાનની ધરતીને જાણે છે તેમને ખબર છે કે કેટલું મોટું બીડું ઉઠાવ્યું છે. આંધ્રપદેશે પણ પોતાનું હરિયાળું છત્ર (green cover) પચાસ ટકા વધારવાનો સંકલ્પ કર્યો છે. કેન્દ્ર સરકારે “ગ્રીન ઇન્ડીયા મિશન” ચલાવ્યું છે. તેના અંતર્ગત રેલવેએ આ કામ ઝડપ્યું છે. ગુજરાતમાં પણ વન મહોત્સવની એક ઘણી મોટી ઉજ્જવળ પરંપરા છે. આ વર્ષે ગુજરાતમાં આમ્રવન, એકતા વન, શહીદ વન આવા અનેક પ્રકલ્પોને વન મહોત્સવના રૂપમાં ઉપાડ્યા છે. અને કરોડો વૃક્ષ વાવવાનું અભિયાન ચલાવ્યું છે. હું બધા રાજ્યોનો ઉલ્લેખ કરી શકતો નથી પરંતુ તેઓ પણ અભિનંદનને પાત્ર છે. મારા પ્રિય દેશવાસીઓ ગત દિવસોમાં મને દક્ષિણ આફ્રીકા જવાની તક મળી. આ મારી પહેલી યાત્રા હતી. અને જ્યારે વિદેશ યાત્રા થાય છે તો ડીપ્લોમસી થાય છે, વેપારની વાત થાય છે, સુરક્ષા અંગે ચર્ચાઓ થાય છે, અનેક MOU થાય છે. આતો બધું થવાનું જ. પરંતુ મારા માટે દક્ષિણ આફ્રીકાની યાત્રા એક રીતે તીર્થ યાત્રા હતી. જ્યારે દક્ષિણ આફ્રીકાને યાદ કરીએ છીએ તો મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાનું સ્મરણ થવું ઘણું સ્વાભાવિક છે. દુનિયામાં અહિંસા, પ્રેમ, ક્ષમા આ શબ્દ જ્યારે કાને પડે છે તો ગાંધીજી અને મંડેલાના ચહેરા નજરે તરી આવે છે. મને દક્ષિણ આફ્રીકાના પ્રવાસ દરમિયાન હું ફિનિક્સ સેટલમેન્ટ ગયો હતો. મહાત્મા ગાંધીનુ નિવાસસ્થાન સર્વોદય તરીકે જાણીતું છે. મને મહાત્મા ગાંધીએ જે ટ્રેનમાં મુસાફરી કરી હતી અને જે ટ્રેનની ઘટનાએ એક મોહનદાસને મહાત્મા ગાંધી બનવાનું બીજ રોપણ કર્યું હતું, તે પીટર મેરીટ્સબર્ગ સ્ટેશન- તે રેલયાત્રાનું મને પણ સદભાગ્ય પ્રાપ્ત થયું. પરંતુ હું જે વાત કરવા માગું છું મને આ વખતે એવા મહાનુભાવોને મળવાની તક મળી જેમણે સમાનતા માટે, સમાન અવસર માટે પોતાની જીંદગી હોમી દીધી. નેલ્સન મંડેલા સાથે ખભેખભા મેળવીને જે લડ્યા હતા. વીસ-વીસ, બાવીસ-બાવીસ વર્ષ સુધી જેલમાં નેલ્સન મંડેલા સાથે જીવન વીતાવ્યું હતું. એક રીતે આખી યુવાની તેમણે આહુત કરી દીધી હતી અને નેલ્શન મંડેલાના નિકટના સાથી શ્રીમાન અહમદ કથાડા, શ્રીમાન લાલુ ચીબા, શ્રીમાન જ્યોર્જ બેજોરી, રોની કાસરીલ્સ – આ મહાનુભાવોના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું. મુળ ભારતીય -પરંતુ જ્યાં ગયા ત્યાંના જ થઈ ગયા. જેમની વચ્ચે જીવતા હતા તેમના માટે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા. કેટલી મોટી તાકાત; અને મજા એ હતી, કે જ્યારે હું તેમની સાથે વાત કરી રહ્યો હતો, તેમના જેલના અનુભવ સાંભળી રહ્યો હતો, કોઈના પ્રત્યે કોઇ કડવાશ નહોતી. દ્વેષ નહોતો. તેમના ચહેરા પર આટલી મોટી તપસ્યા કર્યા પછી પણ લેવું-મેળવવું-બનવું ક્યાંય નજર આવતું ન હતું. ગીતામાં જે કર્તવ્યનું લક્ષણ ગણાવ્યું છે તે પ્રકારનો કર્તવ્યભાવ બિલકુલ સાક્ષાત દેખાતો હતો. મારા મનને તે મુલાકાત હંમેશ માટે યાદ રહેશે. સમાનતા અને સમાન અવસર. કોઈ પણ સમાજ અને સરકાર માટે તેનાથી મોટો કોઈ મંત્ર હોઈ જ ન શકે. સમભાવ અને મમભાવ, એજ તો રસ્તા છે. જે આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. આપણે બધા વધુ સારી જિંદગી ઇચ્છીએ છીએ. બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છીએ છીએ. દરેકની જરૂરિયાત ભિન્ન-ભિન્ન હશે. પ્રાથમિકતા ભિન્ન-ભિન્ન હશે, પણ રસ્તો એક જ છે અને તે રસ્તો છે વિકાસનો, સમાનતાનો, સમાન અવસરનો, સમભાવનો, મમ ભાવનો. આવો આપણો ભારતીયો પર ગર્વ કરીએ. જેમણે દક્ષિણ આફ્રીકામાં પણ આપણા જીવનના મૂળ મંત્રોને જીવીને દેખાડ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, હું શીલ્પી વર્માનો આભારી છું. કે જેમણે મને સંદેશ આપ્યો છે અને તેમની ચિંતા બહુ સ્વાભાવિક છે. તેમણે મને એક ઘટનાથી અવગત કરાવ્યો છે. “વડાપ્રધાનજી હું શીલ્પી વર્મા બોલી રહી છું. બેંગલુરુથી; મેં કેટલાક દિવસ પહેલા એક અખબારમાં એક લેખ વાંચ્યો હતો કે એક મહિલાએ છેતરપીંડી અને ઠગાઇ વાળા ઇ-મેઈલથી છેતરાઈને અગીયાર લાખ ગુમાવ્યા. અને તેમણે આપઘાત કરી લીધો. એક મહિલા હોવાના કારણે મને તે પરીવાર પ્રત્યે દુઃખ થાય છે. હું જાણવા ઇચ્છંા કે આવા છેતરપીંડી અને ઠગાઇના ઇ-મેઇલ વિષે તમારો શું વિચાર છે.” અને એ વાતો તમારા બધાના ધ્યાનમાં આવતી હશે કે આપણા મોબાઇલ ફોન પર, આપણા ઇ-મેઇલ પર ઘણી લલચામણી વાતો ક્યારેક ને ક્યારેક આપણને જાણવા મળે છે, કોઇ સંદેશ (મેસેજ) આપે છે કે તમને આટલા રૂપિયાનું ઇનામ લાગ્યું છે, તમે આટલા રૂપિયા આપી દો અને આટલા રૂપિયા મેળવો. અને કેટલાક લોકો ભ્રમિત થઇને રૂપિયાના મોહમાં ફસાઈ જઈએ છીએ. આ ટેકનોલોજીના માધ્યમથી લૂંટવાની એક નવી રીતો વિશ્વભરમાં ફેલાઈ રહી છે. અને જેમ ટેકનોલોજી આર્થિક વ્યવસ્થામાં ઘણી મોટી ભૂમિકા ભજવી રહી છે. તો સામે પક્ષે તેનો દુરુપયોગ કરનારા પણ મેદાનમાં આવી જાય છે. એક નિવૃત વ્યક્તિ જેમણે અત્યારે તેમની દિકરીના લગ્ન કરવાના હતા અને ઘર પણ બનાવવાનું હતું તેમને એક દિવસ SMS આવ્યો કે વિદેશથી તેમના માટે એક કિમતી ભેટ આવી છે. જે મેળવવા માટે તેમણે કસ્ટમ ડ્યુટી તરીકે બે લાખ રૂપિયા એક બેંકના ખાતામાં જમા કરાવવાના છે. અને એ સજ્જને કઇ વિચાર્યા વગર પોતાની આખી જીંદગીની મહેનતની મૂડીમાંથી બે લાખ રૂપિયા કાઢીને અજાણ્યા માણસને મોકલી દિધા. અને તે પણ એક SMS પર. અને થોડી જ ક્ષણોમાં તેમને ખબર પડી ગયી કે બધું જ લૂંટાઈ ગયું છે. તમે પણ ક્યારેક ભ્રમિત થઇ જતા હશો. અને તે ઠગો એટલી સરસ રીતે મેઇલ કરે છે જેથી એવું જ લાગે કે સાચો જ મેઇલ છે. કોઇ પણ બનાવટી લેટરપેડ બનાવીને મોકલી દે છે. તમારો ક્રેડીટ કાર્ડ નંબર, ડેબીટ કાર્ડ નંબર મેળવી લે છે. અને ટેકનોલોજીના માધ્યમથી તમારું ખાતું ખાલી થઈ જાય છે. આ નવી રીતની ઠગાઇ છે. આ ડીજીટલ ઠગાઇ છે. મારું માનવું છે કે આ મોહથી બચવું જોઈએ, સજાગ રહેવું જોઇએ અને એવી કોઈ ખોટી વાતો આવે છે તો પોતાના મિત્રો, દોસ્તોને જણાવીને તેમને જાગૃત કરવા જોઈએ. હું કહીશ કે શીલ્પી વર્માએ મારા ધ્યાનમાં સારી વાત લાવી છે. આવો અનુભવ તો તમે બધા કરતા હશો. પરંતુ કદાચ આટલી ગંભીરતાથી નહીં જોતા હો. પરંતુ મને લાગે છે કે ગંભીરતાથી જોવાની આવશ્યકતા છે.

મારા પ્રિય દેશવાસીઓ, અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. તો સંસદ સત્ર દરમિયાન મને દેશના ઘણા બધા લોકોને મળવાની તક મળે છે. આપણા સાંસદ મહોદયો પણ પોતપોતાના વિસ્તારમાંથી લોકોને લાવે છે, મુલાકાત કરાવે છે. વાતો જણાવે છે. પોતાની મુશ્કેલીઓ પણ જણાવે છે. પરંતુ તાજેતરમાં મને એક સુખદ અનુભવ થયો. અલીગઢના કેટલાક વિદ્યાર્થી મારી પાસે આવ્યા હતા. છોકરા-છોકરીઓ ખૂબજ ઉત્સાહી હતા. અને તેઓ એક મોટું આલ્બમ લાવ્યા હતા. અને તેમના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. અને ત્યાંના આપણા અલીગઢના સાંસદ તેમને લઇને આવ્યા હતા. તેમણે મને તસવીરો દેખાડી. તેમણે અલીગઢ રેલવે સ્ટેશનનું સૌંદર્યકરણ કર્યું છે. સ્ટેશન પર કલાત્મક ચિત્રો દોર્યા છે. એટલું જ નહીં ગામમાં જે પ્લાસ્ટીકની બોટલો કે ઓઇલના કેન કચરામાં એમ જ પડ્યા હતા, તેમને શોધી શોધીને એકત્ર કર્યા. અને તેમાં માટી ભરી ભરીને છોડ વાવીને એમણે વર્ટીકલ ગાર્ડન બનાવ્યા. અને રેલવે સ્ટેશનની તરફ પ્લાસ્ટીકની બોટલોમાં આ વર્ટીકલ ગાર્ડન બનાવી બિલકુલ તેને એક નવું જ રૂપ આપી દીધું. તમે પણ ક્યારેક અલીગઢ જાવ તો જરૂર સ્ટેશન જોજો. હિન્દુસ્તાનના અનેક રેલવે-સ્ટેશનોમાંથી આજ કાલ મને આવા સમાચારો મળી રહ્યા છે. સ્થાનિક લોકો રેલવે-સ્ટેશનની દિવાલો પર પોતાના વિસ્તારોની ઓળખાણ પોતાની કલા દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છે. એક નવીનતા અનુભવાઈ રહી છે. લોકભાગીદારીથી કેવું પરીવર્તન આવી શકે છે, તેનું આ ઉદાહરણ છે. દેશમાં આ પ્રકારના કામો કરનાર બધાને અભિનંદન, અલીગઢના મારા સાથીઓને વિશેષ અભિનંદન.

મારા પ્રિય દેશવાસીઓ, વર્ષાઋતુની સાથે સાથે આપણા દેશમાં તહેવારોની પણ ઋતુ હોય છે. આગામી દિવસોમાં દૂર મેળા લાગ્યા હશે. મંદિરોમાં, પૂજાઘરોમાં ઉત્સવ મનાવાતા હશે. અને તમે પણ ઘરમાં પણ, બહાર પણ ઉત્સવમાં જોડાતા હશો. રક્ષાબંધનના તહેવારનું આપણે ત્યાં વિશેષ મહત્વ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પ્રસંગે પોતાના દેશની માતાઓ, બહેનોને શું તમે વડાપ્રધાન સુરક્ષા બીમા યોજના અથવા જીવન જ્યોતિ બીમા યોજના ભેટમાં ન આપી શકો ? વિચારો, બહેનને એવી ભેટ આપો જે તેમને જીવનમાં સાચે જ સુરક્ષા આપે. એટલું જ નહીં આપણા ઘરમાં રસોઇ બનાવનાર મહીલા હશે, આપણા ઘરમાં સફાઈ કરનારી કોઈ મહીલા હશે, ગરીબ માતાની દિકરી હશે, આ રક્ષાબંધનના તહેવાર પર તેમને પણ સુરક્ષા બીમા યોજના કે જીવનજ્યોતિ બીમા યોજના ભેટ આપી શકો છો. અને આજ તો સામાજિક સુરક્ષા છે. આજ તો રક્ષાબંધનનો સાચો અર્થ છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણામાંના અનેક લોકો છે જેમનો જન્મ સ્વતંત્રતા પછી થયો છે. અને હું દેશનો પહેલો વડાપ્રધાન છું જે સ્વતંત્ર ભારતમાં જન્મ્યો છું. આઠ ઓગસ્ટ એ QUIT INDIA MOVEMENT નો પ્રારંભ થયો હતો. હિંદ છોડો, ભારત છોડો તેને પંચોતેર વર્ષ થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે આઞાદીના 70 વર્ષ થઇ રહ્યા છે. આપણે સ્વતંત્રતાનો આનંદ તો લઇ રહ્યા છે. સ્વતંત્ર નાગરીક હોવાનો ગર્વ પણ અનુભવી રહ્યા છીએ. પરંતુ આ સ્વતંત્રતા અપાવનાર એ વીરોને યાદ કરવાનો આ અવસર છે. હિંદ છોડોના પંચોતેર વર્ષ અને ભારતની સ્વતંત્રતાના સીત્તેર વર્ષ આપણા માટે નવી પ્રેરણા આપી શકે છે, નવા ઉમંગો જગાવી શકે છે. દેશ માટે કંઇક કરવાના સંકલ્પનો અવસર બની શકે છે. સમગ્ર દેશ સ્વાતંત્ર્ય વીરોના રંગમાં રંગાઇ જાય, ચારે તરફ સ્વતંત્રતાની સુગંધ ફરી એકવાર અનુભવે આ વાતાવરણ આપણે બધા બનાવીએ અને સ્વાતંત્ર્ય પર્વ એ સરકારી કાર્યક્રમ નહીં દેશવાસીઓનો કાર્યક્રમ હોવો જોઈએ. દિવાળીની જેમ આપણો પોતાનો ઉત્સવ હોવો જોઈએ. હું આશા રાખું છું કે તમે પણ દેશભક્તિની પ્રેરણા સાથે સંકળાયેલું કંઇ ને કંઇ તો કરશો જ. તમારી તસવીર ‘નરેન્દ્ર મોદી એપ’ પર જરૂર મોકલો. દેશમાં એક વાતાવરણ બનાવો.

મારા પ્રિય દેશવાસીઓ પંદર ઓગસ્ટે મને લાલ કિલ્લા પરથી દેશ સાથે વાત કરવાનું એક સૌભાગ્ય મળે છે. એક પંરપરા છે. તમારા મનમાં પણ કેટલીક વાતો હશે. જે તમે ઇચ્છતા હશો કે તમારી વાત પણ લાલકિલ્લા પરથી એટલીજ પ્રખરતાથી રાખવામાં આવે. હું તમને નિમંત્રણ આપું છું તમારા મનમાં જે વિચાર આવતા હોય તે તમે મને જરૂર લખીને મોકલો. સુચનો આપો, સલાહ આપો, નવો વિચાર આપો. હું તમારી વાત દેશવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ. અને હું નથી ઇચ્છતો કે લાલ કિલ્લા પરથી જે બોલવામાં આવે તે વડાપ્રધાનની વાત હોય, લાલ કિલ્લા પરથી જે બોલવામાં આવે તે સવાસો કરોડ દેશવાસીઓની વાત હોય. તમે જરૂર મને કંઇક ને કંઇક મોકલો, ‘નરેન્દ્ર મોદી એપ’ પર મોકલી શકો છો, MYGOV.IN પર મોકલી શકો છો. અને આજકાલ તો ટેકનોલોજીના પ્લેટફોર્મ એટલા સરળ છે કે તમે આરામથી ચીજો મારા સુધી મોકલી શકો છો. હું તમને નિમંત્રણ આપું છું કે આવો સ્વતંત્રતાના વીરલાઓને પુણ્ય સ્મરણ કરીએ. ભારત માટે જીંદગી હોમી દેનારા મહાપુરુષોને યાદ કરીએ. અને દેશ માટે કંઇક કરવાનો સંકલ્પ કરીને આગળ વધીએ. ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ ધન્યવાદ.

TR/GP