પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 20 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીતિ આયોગની સંચાલન સમિતિની છઠ્ઠી બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકના એજન્ડામાં કૃષિ, માળખગત સુવિધાઓ, વિનિર્માણ, માનવ સંસાધન વિકાસ, પાયાના સ્તરે સેવાઓ પહોંચાડવી તેમજ આરોગ્ય અને પોષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા સમાવવામાં આવી છે.
સંચાલન સમિતિ આંતર–ક્ષેત્રીય, આંતર–વિભાગીય અને સંઘીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડે છે. તેમાં પ્રધાનમંત્રી, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો (UT)ના મુખ્યમંત્રીઓ તેમજ ધારાસભ્યો અને અન્ય UTના લેફ્ટેનન્ટ ગવર્નરો સામેલ હોય છે. છઠ્ઠી બેઠકમાં પ્રથમ વખત લદાખનો પ્રવેશ થઇ રહ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીર પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ભાગ લેશે. આ વખતે, પ્રશાસકોના સંચાલન હેઠળના અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોને પણ જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં સંચાલન સમિતિના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ, નીતિ આયોગના વાઇસ ચેરમેન, સભ્યો અને CEO તેમજ ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.
*****
SD/GP/JD