Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળ પાઠ


મારા વ્હાલા દેશવાસીઓ,

કોરોના વૈશ્વિક મહામારી વિરુદ્ધ ભારતની લડાઈ અત્યંત મજબૂતી અને દ્રઢતા સાથે આગળ વધી રહી છે. આપ સૌ દેશવાસીઓના સંયમ, તપસ્યા અને તમારા ત્યાગના કારણે જ ભારત અત્યાર સુધી કોરોનાથી થનારા નુકસાનને ઘણા અંશે હળવું કરવામાં સફળ રહ્યો છે. તમે લોકોએ તકલીફ સહન કરીને પણ પોતાના દેશને બચાવ્યો છે. આપણા ભારતવર્ષને બચાવ્યું છે.

હું સારી રીતે જાણું છું કે તમે કેટલી તકલીફોનો સામનો કરી રહ્યા છો– કેટલીક ભોજનને લગતી, કેટલીક એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની, અને ઘરો અને પરિવારોથી દૂર રહેવાની અન્ય કેટલીક તકલીફો. આમ છતાં, આપણા દેશની માટે, તમે એક શિસ્તબદ્ધ સૈનિકની જેમ તમારું કર્તવ્ય નિભાવી રહ્યા છો. હું આપ સૌને આદરપૂર્વક નમન કરું છું. આપણા બંધારણમાં જે ‘આપણે, ભારતના લોકો’ની વાત કરવામાં આવી છે તે આ જ શક્તિ છે.

આપણા લોકો દ્વારા, ભારતના લોકો દ્વારા આપણી સંગઠનાત્મક શક્તિનું આ પ્રદર્શન એ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને તેમની જન્મ જયંતીના અવસર પર આપવામાં આવતી સાચી શ્રદ્ધાંજલિ છે. બાબાસાહેબનું જીવન આપણને દરેક પડકારોને આપણી સંકલ્પશક્તિ અને પરિશ્રમના બળ વડે પાર કરવાની સતત પ્રેરણા આપે છે. આપણા સૌ દેશવાસીઓ તરફથી હું બાબાસાહેબને નમન કરું છું.

સાથીઓ, આ દેશના જુદા જુદા ભાગોમાં જુદા જુદા તહેવારોનો પણ સમય છે. અને આમ પણ ભારત તો ઉત્સવોથી ભરપુર રહે છે, ઉત્સવોથી હરિયાળો રહે છે, ઉત્સવોની વચ્ચે ખુશહાલ રહે છે. બૈશાખી, પોહેલા બૈસાખ, પુથાંડુ, બોહાગ બિહુ અને વિશૂની સાથે અનેક રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત થઇ છે. લૉકડાઉનના આ બંધનોની વચ્ચે હું દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરે છે, જે સંયમ વડે પોતાના ઘરોમાં રહીને તહેવાર ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવી રહ્યા છે તે બધી જ વાતો ખૂબજ પ્રેરક છે, અત્યંત પ્રશંસનીય છે. હું નવા વર્ષના પ્રસંગે તમારા તમારા પરિવારજનોના શ્રેષ્ઠ સ્વાસ્થ્યની મંગલ કામના કરું છું.

સાથીઓ, આજે સંપૂર્ણ વિશ્વમાં કોરોના વૈશ્વિક રોગચાળાની જે સ્થિતિ છે, આપણે સૌ તેનાથી ખૂબ સારી રીતે પરિચિત છીએ. અન્ય દેશોની સરખામણીએ ભારતે કઈ રીતે પોતાને ત્યાં ચેપને ફેલાતો અટકાવવા માટેના પ્રયાસો કર્યા છે, તમે તેના સહભાગી પણ રહ્યા છો અને સાક્ષી પણ રહ્યા છો. જ્યારે આપણે ત્યાં કોરોનાનો એક પણ કેસ નહોતો તેની પહેલા જ ભારતે કોરોનાથી અસરગ્રસ્ત દેશોમાંથી આવનારા યાત્રીઓની એરપોર્ટ પર સ્ક્રીનીંગ શરુ કરી દીધુ હતું.

કોરોનાના દર્દીઓ સો સુધી પહોંચ્યા તેની પહેલા જ ભારતે વિદેશથી આવેલ યાત્રીઓ માટે 14 દિવસનું આઈસોલેશન અનિવાર્ય કરી દીધું હતું. અનેક જગ્યાઓ પર મોલ હોય, થિયેટર હોય, ક્લબ હોય, જીમ હોય તે બંધ કરી દેવામાં આવ્યા હતા.

સાથીઓ, જ્યારે આપણે ત્યાં કોરોનાના માત્ર 550 કેસ હતા ત્યારે જ ભારતે 21 દિવસના સંપૂર્ણ લૉકડાઉનનું એક બહુ મોટું પગલું લીધું હતું. ભારતે મુશ્કેલી વધવાની રાહ નથી જોઈ પરંતુ જેવી મુશ્કેલી દેખાઈ કે તરત જ તેને ઝડપથી નિર્ણયો લઈને તે જ સમયે રોકવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો.

સાથીઓ, જો કે આ એક એવું સંકટ છે કે જેમાં કોઇપણ દેશની સાથે સરખામણી કરવી યોગ્ય નથી પરંતુ તેમ છતાં કેટલીક વાસ્તવિકતાઓને આપણે નકારી ન શકીએ. તે પણ એક વાસ્તવિકતા છે કે જો દુનિયાના મોટા મોટા શક્તિશાળી દેશોમાં કોરોના સાથે સંકળાયેલા આંકડાઓ જોવામાં આવે તો તેમની સરખામણીએ ભારત આજે ઘણી સંભાળી લીધેલી પરિસ્થિતિમાં છે.

મહિના દોઢ મહિના પહેલા કેટલાય દેશ કોરોના ચેપના મામલામાં એક રીતે ભારતની સમાંતરે ઉભેલા હતા. આજે તે દેશોમાં ભારતની સરખામણીએ કોરોનાના કેસોમાં 25 થી ૩૦ ગણો વધારો થયો છે. તે દેશોમાં હજારો લોકોનું દુઃખદ મૃત્યુ નીપજ્યું છે.

ભારતે સમગ્રતયા પહોંચ ન અપનાવી હોત, સંકલિત પહોંચ ન અપનાવી હોત, સમય રહેતા ઝડપી નિર્ણયો ન લીધા હોત તો આજે ભારતની પરિસ્થિતિ શું હોત તેની કલ્પના કરતા જ રૂંવાડા ઉભા થઇ જાય છે. પરંતુ વીતેલા દિવસોના અનુભવો પરથી એ સ્પષ્ટ છે કે આપણે જે માર્ગ પસંદ કર્યો છે, આજની સ્થિતિમાં તે જ આપણી માટે સાચો છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનો ઘણો મોટો લાભ દેશને મળ્યો છે. જો માત્ર આર્થિક દૃષ્ટિથી જોવામાં આવે તો તે મોંઘુ જરૂરથી લાગે છે, ઘણી મોટી કિંમત ચૂકવવી પડી છે પરંતુ ભારતવાસીઓના જીવનની સામે તેની કોઈ તુલના થઇ શકે તેમ નથી. મર્યાદિત સંસાધનોની વચ્ચે, ભારત જે માર્ગ પર ચાલી નીકળ્યો છે તે માર્ગની ચર્ચા આજે વિશ્વભરમાં થવી તે ખૂબ સ્વાભાવિક છે.

દેશની રાજ્ય સરકારોએ પણ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના એકમોએ પણ, તેમાં ખૂબ જવાબદારી સાથે કામ કર્યું છે, ચોવીસ કલાક દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સંભાળવા માટે પ્રયાસ કર્યો છે અને પરિસ્થિતિને સંભાળી પણ છે.

પરંતુ સાથીઓ, આ બધા જ પ્રયાસોની વચ્ચે, કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તેણે વિશ્વભરમાં આરોગ્ય નિષ્ણાતોને અને સરકારોને હજુ વધારે સતર્ક બનાવી દીધા છે.

ભારતમાં પણ કોરોના વિરુદ્ધની લડાઈ હવે આગળ કઈ રીતે વધે, આપણે વિજયી કઈ રીતે બનીએ, આપણે ત્યાં કઈ રીતે ઓછામાં ઓછું નુકસાન થાય, લોકોની મુશ્કેલીઓને ઓછામાં ઓછી કઈ રીતે કરી શકીએ– આવાતોને લઈને રાજ્યોની સાથે સતત ચર્ચાઓ કરી છે. અને આ બધી જ ચર્ચાઓમાંથી એક વાત ઉપર ઉઠીને આવે છે, દરેક વ્યક્તિનું એ જ સૂચન આવે છે, નાગરિકો પાસેથી પણ એ જ સૂચન આવે છે કે લૉકડાઉનને વધારવામાં આવે. કેટલાક રાજ્યો તો પહેલાથી જ લૉકડાઉનને વધારવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

સાથીઓ, આ બધા જ સૂચનોને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભારતમાં લૉકડાઉનને હવે ૩ મે સુધી હજુ વધારવું પડશે. એટલે કે ૩ મે સુધી આપણે સૌએ, દરેક દેશવાસીએ લૉકડાઉનમાં જ રહેવું પડશે. આ દરમિયાન આપણે શિસ્તનું એ જ રીતે પાલન કરવાનું છે જે રીતે આપણે કરતા આવ્યા છીએ.

મારી તમામ દેશવાસીઓને એ પ્રાર્થના છે કે હવે કોરોનાને આપણે કોઇપણ કિંમતે નવા વિસ્તારોમાં ફેલાવા નથી દેવાનો.

સ્થાનિક સ્તર પર હવે એક પણ દર્દી વધે છે તો તે આપણા માટે ચિંતાનો વિષય બનવો જોઈએ. ક્યાંય પણ કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નીપજે છે તો આપણી ચિંતા વધારે વધવી જોઈએ અને એટલા માટે આપણે હોટસ્પોટને શોધી કાઢીને પહેલા કરતા પણ વધુ, ખૂબ વધુ સાવચેતી જાળવવી જ પડશે. જે સ્થાનો હોટસ્પોટમાં પરિવર્તિત થવાની શંકા છે તેમના પર પણ આપણે કડક દેખરેખ રાખવી પડશે, મજબૂત પગલાઓ લેવા પડશે. નવા હોટસ્પોટ બનવા એ આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને વધુ પડકાર ફેંકશે, નવા સંકટો ઉભા કરશે. એટલા માટે આગામી એક અઠવાડિયામાં કોરોના વિરુદ્ધની લડાઈમાં કઠોરતા હજુ વધારે વધારવામાં આવશે.

20 એપ્રિલ સુધી દરેક કસ્બા, દરેક થાણા, દરેક જિલ્લા, દરેક રાજ્યને પરખવામાં આવશે, ત્યાં આગળ લૉકડાઉનનું કેટલું પાલન થઇ રહ્યું છે, તે ક્ષેત્રએ કોરોના સામે પોતાની જાતને કેટલી બચાવી છે તેનું મૂલ્યાંકન સતત કરવામાં આવશે.

જે ક્ષેત્ર આ અગ્નિપરીક્ષામાં સફળ થશે, જેઓ પોતાને ત્યાં હોટસ્પોટ વધવા નહીં દે અને જેમની હોટસ્પોટમાં બદલાવાની શંકા પણ ઓછી હશે ત્યાં આગળ 20 એપ્રિલથી કેટલીક જરૂરી પ્રવૃત્તિઓ માટેની પરવાનગી, છૂટછાટ આપવામાં આવી શકે તેમ છે.

પરંતુ યાદ રાખજો કે આ પરવાનગી શરતો સાથેની હશે. બહાર નીકળવા માટેના નિયમો ખૂબ કડક હશે. લૉકડાઉનના નિયમો જો તૂટે છે અને કોરોનાનો પગ આપણા વિસ્તારમાં પડે છે તો બધી જ પરવાનગીઓ પાછી લઇ લેવામાં આવશે અને એટલા માટે ન તો પોતાને કોઈએ લાપરવાહી કરવાની છે અને ન તો બીજા કોઈને લાપરવાહી કરવા દેવાની છે.

મારા દેશવાસીઓ, આવતીકાલે આ વિષય અંગે સરકાર તરફથી એક વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

સાથીઓ, 20 એપ્રિલથી પસંદ કરવામાં આવેલ ક્ષેત્રોમાં આ મર્યાદિત છૂટછાટની જોગવાઈ, આપણા ગરીબ ભાઈ-બહેનોની આજીવિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જેઓ રોજ કમાય છે, રોજની કમાણી વડે પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, તે જ મારો એક બૃહદ પરિવાર છે.

મારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં એક, તેમના જીવનમાં આવેલી મુશ્કેલીને ઓછી કરવાની છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી સરકારે તેમની મદદ કરવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો છે.

હવે નવી માર્ગદર્શિકા બનાવતી વખતે પણ તેમના હિતોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં રવિ પાકોની લણણી કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સાથે મળીને પ્રયાસ કરી રહી છે કે ખેડૂતોને ઓછામાં ઓછી તકલીફ પડે.

સાથીઓ, દેશમાં દવાથી લઈને કરિયાણા સુધીનો પૂરતી માત્રામાં સંગ્રહ છે, પુરવઠા શ્રુંખલાના અવરોધો સતત દૂર કરવામાં આવી રહ્યા છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોરચા પર પણ આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. જ્યાં જાન્યુઆરીમાં આપણી પાસે કોરોનાની તપાસ માટે માત્ર એક લેબ હતી ત્યાં આજે 220થી વધુ લેબમાં પરીક્ષણનું કામ થઇ રહ્યું છે.

વિશ્વનો અનુભવ એવું કહે છે કે કોરોનાના 10 હજાર દર્દીઓ હોય તો 1500-1600 પથારીઓની જરૂર પડે છે. ભારતમાં આજે અમે 1 લાખથી વધુ પથારીઓની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ. એટલું જ નહીં 600થી વધુ એવા દવાખાનાઓ છે જે માત્ર કોવિડના ઈલાજ માટે કામ કરી રહ્યા છે. આ સુવિધાઓને હજુ વધારે ઝડપથી વધારવામાં આવી રહી છે.

સાથીઓ, આજે ભારતની પાસે ભલે મર્યાદિત સંસાધનો હોય પરંતુ મારો ભારતના યુવા વૈજ્ઞાનિકોને વિશેષ આગ્રહ છે કે વિશ્વ કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે, મારા નવયુવાન સાથીઓ, તમે આગળ આવો, કોરોનાની રસી બનાવવાનું મારા દેશના નવયુવાનો, મારા દેશના વૈજ્ઞાનિક બીડું ઝડપે.

સાથીઓ, આપણે ધીરજ ધરીને રહીશું, નિયમોનું પાલન કરીશું તો કોરોના જેવા રોગચાળાને પણ પરાજિત કરીને જ રહીશું. એ જ વિશ્વાસની સાથે મારી વાત પૂર્ણ કરતા પહેલા હું તમારો સાથ માગી રહ્યો છું, 7 વાતોમાં તમારો સહકાર!

પહેલી વાત – તમારા ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખો, ખાસ કરીને એવા લોકોનું જેમને જૂની બીમારી હોય તેમની આપણે વધારે કાળજી લેવાની છે, તેમને કોરોનાથી ખૂબ જ બચાવીને રાખવાના છે.

બીજી વાત – લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાનું સંપૂર્ણ રીતે પાલન કરો, ઘરમાં બનેલા ફેસ કવર અથવા માસ્કનો, અને તે પણ ઘરમાં બનેલા, તેમનો અનિવાર્યપણે ઉપયોગ કરો.

ત્રીજી વાત – પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કરો, ગરમ પાણી, ઉકાળો આ તમામનું સતત સેવન કરતા રહો.

ચોથી વાત – કોરોનાના ચેપને ફેલાતો અટકાવવામાં મદદ કરવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપ જરૂરથી ડાઉનલોડ કરો. બીજાઓને પણ આ એપને ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરો.

પાંચમી વાત – જેટલું શક્ય હોય તેટલું ગરીબ પરિવારની સારસંભાળ રાખો, તેમના ભોજનની જરૂરિયાતો પૂરી કરો.

છઠ્ઠી વાત – તમે તમારા વ્યવસાય, તમારા ઉદ્યોગમાં તમારી સાથે કામ કરી રહેલા લોકો પ્રત્યે સંવેદના જાળવી રાખો, કોઈને પણ નોકરીમાંથી કાઢી ન નાખો.

સાતમી વાત – દેશના કોરોના યોદ્ધાઓ, આપણા ડૉક્ટર– નર્સો, સફાઈ કામદારો, પોલીસ કર્મીઓ – આવા તમામ લોકોનું આપણે સન્માન કરીએ, આદરપૂર્વક ગૌરવ કરીએ.

સાથીઓ, આ સાત વાતોમાં તમારો સાથ, આ સપ્તપદી, વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે. વિજયી બનવા માટે આપણી માટે નિષ્ઠાપૂર્વક કરવાનું આ કામ છે.

સાથીઓ, સંપૂર્ણ નિષ્ઠા સાથે ૩ મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરો. જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો.

“વયં રાષ્ટ્રે જાગ્રયામ્”

આપણે સૌ રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીએ, એ જ કામના સાથે હું મારી વાત પૂર્ણ કરું છું. તમને, તમારા પરિવારને માટે ઉત્તમ સ્વાસ્થ્યની મંગલકામનાઓ કરું છું.

ખૂબ ખૂબ આભાર!!

 

GP/RP