Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ


મારા પ્રિય દેશવાસીઓ,

આજે, 27 માર્ચ, થોડા સમય પહેલાં જ, ભારતે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે આજે પોતાનું નામ અંતરિક્ષ મહાશક્તિ – સ્પેસ પાવર – તરીકે નોંધાવી દીધું છે.

અત્યાર સુધી દુનિયાના ત્રણ દેશ – અમેરિકા, રશિયા અને ચીને – આ સિદ્ધિ હાંસલ કરી હતી. હવે ભારત ચોથો દેશ છે, જેણે આજે આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. દરેક હિન્દુસ્તાની માટે આનાથી મોટા ગર્વની ક્ષણ બીજી કઈ હોઈ શકે?

થોડા સમય પહેલાં જ, આપણા વિજ્ઞાનિકોએ અંતરિક્ષમાં, સ્પેસમાં, ત્રણ સો કિલોમીટર દૂર, એલઈઓ – લો અર્થ ઓરબીટ – માં એક લાઇવ સેટેલાઇટ તોડી પાડ્યો છે.

એલઈઓ – લો અર્થ ઓરબીટ – માં એક લાઇવ સેટેલાઇટ, જે એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું, તેને ઍન્ટિ – સેટેલાઇટ (એ- સેટ) મિસાઇલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. માત્ર ત્રણ મિનિટમાં જ, સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

મિશન શક્તિ –આ અત્યંત કઠીન ઓપરેશન હતું,જેમાં ખૂબ જ ઉચ્ચકક્ષાની ટેકનિકલ ક્ષમતાની જરૂરિયાત હતી.વિજ્ઞાનિકો દ્વારા તમામ નિર્ધારિત લક્ષ્ય અને ઉદ્દેશ્ય હાંસલ કરવામાં આવ્યા છે.

આપણે સૌ ભારતીયો માટે આ ગર્વની વાત છે કે આ પરાક્રમ ભારતમાં જ વિકસિત ઍન્ટિ – સેટેલાઇટ (એ- સેટ) મિસાઇલ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે.

સૌથી પહેલા તો મિશન શક્તિ સાથે સંકળાયેલા તમામ ડીઆરડીઓના વિજ્ઞાનિકો, સંશોધકો તથા અન્ય સંબંધિત કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું, જેમણે આ અસામાન્ય સફળતા હાંસલ કરવામાં યોગદાન આપ્યું છે. આજે ફરી તેમણે દેશનું માન વધાર્યું છે, અમને અમારા વિજ્ઞાનિકો પર ગર્વ છે.

અંતરિક્ષ આજે આપણી જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે.

આજે આપણી પાસે પૂરતી સંખ્યામાં ઉપગ્રહ ઉપલબ્ધ છે, જે અલગ-અલગ ક્ષેત્રોમાં વિકાસ માટે પોતાનું બહુમુલ્ય યોગદાન આપે છે, જેમ કે ખેતી, સંરક્ષણ, આપત્તિ વ્યસ્થાપન, સંચાર, હવામાન, પરિવહન, શિક્ષણ વગેરે.
આપણા ઉપગ્રહોનો લાભ સૌને મળી રહ્યો છે, ભલે તે ખેડૂત હોય, માછીમાર હોય, વિદ્યાર્થી હોય, સુરક્ષાદળ હોય. બીજી તરફ, ભલે તે રેલવે હોય, વિમાન, પાણીમાં જહાજોનું પરિવહન હોય, આ તમામ જગ્યાએ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દુનિયામાં સ્પેસ અને સેટેલાઇટનું મહત્વ વધતું જ રહેવાનું છે. કદાચ જીવન તેના વગર અધુરું રહેશે. આવી સ્થિતિમાં આ તમામ ઉપકરણોની સુરક્ષા સુનિશ્ચિત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

આજની ઍન્ટિ – સેટેલાઇટ (એ-સેટ) મિસાઇલ ભારતની સુરક્ષાની દૃષ્ટિએ અને ભારતની વિકાસયાત્રાની દૃષ્ટિએ દેશને એક નવી મજબૂતી આપશે. હું આજે વૈશ્વિક સમુદાયને પણ આશ્વાસન આપવા માગું છું કે, અમે જે નવી ક્ષમતા પ્રાપ્ત કરી છે જે તે કોઇના વિરુદ્ધ નથી. આ ઝડપી ગતિથી આગળ વધી રહેલા હિન્દુસ્તાનની સુરક્ષાત્મક પહેલ છે.

ભારત હંમેશાથી અંતરિક્ષમાં હથિયારોની દોડના વિરોધમાં રહ્યું છે અને આનાથી આ નીતિમાં કોઇ ફેરફાર થયો નથી. આજનું આ પરીક્ષણ કોઇપણ પ્રકારે આંતરરાષ્ટ્રીય કાયદા અથવા સંધિ – સમજૂતીનું ઉલ્લંઘન કરતું નથી. અમે આધુનિક તકનિકનો ઉપયોગ દેશના 130 કરોડ નાગરિકોની સુરક્ષા અને તેમનાં કલ્યાણ માટે કરવા માગીએ છીએ.

આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જાળવી રાખવા માટે એક મજબૂત ભારત હોવું આવશ્યક છે. અમારો મૂળ હેતુ શાંતિ જાળવી રાખવાનો છે, યુદ્ધનો માહોલ ઉભો કરવાનો નથી.

પ્રિય દેશવાસીઓ,

ભારતે અંતરિક્ષના ક્ષેત્રમાં જે કામ કર્યું છે, તેનો મૂળ હેતુ ભારતની સુરક્ષા, ભારતના આર્થિક વિકાસ અને ભારતની ટેકનિકલ પ્રગતિનો છે. આજનું આ મિશન આ સપનાંને સુરક્ષિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે આ ત્રણ સ્તંભોની સુરક્ષા માટે આવશ્યક હતું.

આજની સફળતાને આવનારા સમયમાં એક સુરક્ષિત રાષ્ટ્ર, સમૃદ્ધ રાષ્ટ્ર અને શાંતિપ્રિય રાષ્ટ્ર તરફ આગળ વધી રહેલા પગલાંના રૂપમાં જોવી જોઈએ.એ મહત્વપૂર્ણ છે કે, આપણે આગળ આવીએ અને પોતાની જાતને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરીએ.

આપણે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તથા પોતાનાં લોકોનાં જીવનસ્તરમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે આધુનિક ટેકનિકને અપનાવવી જ પડશે. તમામ ભારતવાસી ભવિષ્યના પડકારોનો સામનો આત્મવિશ્વાસથી કરે અને સુરક્ષાનો અહેસાસ કરે, એ જ અમારું લક્ષ્ય છે.

મને આપણા લોકોની કર્મઠતા, પ્રતિબદ્ધતા, સમર્પણ અને યોગ્યતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આપણે બેશકપણે એકજૂથ થઈને એક શક્તિશાળી, ખુશ અને સુરક્ષિત ભારતનું નિર્માણકરીએ.

હું એવા ભારતની પરિકલ્પના કરું છું જે પોતાના સમય કરતા બે ડગલાં આગળનું વિચારી શકે અને ચાલવાની હિંમત પણ એકઠી કરી શકે.

તમામ દેશવાસીઓને આજની આ મહાન સિદ્ધિ માટે ખૂબ-ખૂબ અભિનંદન.

આભાર.

J.Khunt/RP