Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના કેન્યા પ્રવાસ દરમિયાન તેમનું અખબારી નિવેદન (જુલાઈ 11, 2016)


મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ઉહુરુ કેન્યાટા,

ઉપરાષ્ટ્રપતિ શ્રી વિલિયમ રુટો,

સન્નારીઓ અને સજ્જનો,

મહામહિમ, આપના મમતાભર્યા શબ્દો બદલ આપનો આભાર.

અહીં નૈરોબીમાં આવવાની મને ખુશી છે. મને અને મારા પ્રતિનિધિમંડળને આપેલા ઉષ્માભર્યા આવકાર અને મહેમાનગતિ માટે હું રાષ્ટ્રપતિ શ્રી કેન્યાટાનો આભાર માનું છું. મને જાણવા મળ્યું છે કે આપના નામ “ઉહુરુ” નો અર્થ થાય છે – “સ્વતંત્રતા”. એક રીતે, આપના જીવનની યાત્રા પણ કેન્યાના સ્વાતંત્ર્યની યાત્રા જેવી જ રહી છે. આજે આપની સાથે ઉપસ્થિત હોવું એ મારું બહુમાન છે.

મિત્રો,

કેન્યા, ભારતનું મૂલ્યવાન મિત્ર અને વિશ્વસનીય ભાગીદાર છે. બંને દેશો વચ્ચેનાં જોડાણ લાંબા સમય સુધી ટકેલા અને સમૃદ્ધ છે. આપણે સંસ્થાનવાદ સામેની લડતનો સમાન વારસો ધરાવીએ છીએ.

આપણા દેશોના નાગરિકોના વ્યક્તિથી વ્યક્તિના ઐતિહાસિક જોડાણોએ આપણી વિવિધ ક્ષેત્રની ભાગીદારીને મજબૂત આધાર આપ્યો છે.

• કૃષિ અને સ્વાસ્થ્યથી વિકાસને લગતી સહાય;

• વેપાર અને વાણિજ્યથી રોકાણો ;

• ક્ષમતા નિર્માણ માટે આપણા દેશના લોકોના વધુ ઘનિષ્ઠ સંબંધો અને

• નિયમિત રાજકીય પરામર્શથી સંરક્ષણ અને સલામતિ ક્ષેત્રના સહયોગ સુધી આ જોડાણો વ્યાપ ધરાવે છે.

અને, આજે, રાષ્ટ્રપતિ શ્રીએ અને મેં અમારા સંબંધોના તમામ પાસા અને સમગ્ર શ્રેણીની સમીક્ષા કરી હતી.

મિત્રો,

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત ઉજ્જ્વળ સ્થાન ધરાવે છે. અને, કેન્યા મજબૂત તકોની ભૂમિ છે. ભારત, કેન્યાનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે અને અહીં રોકાણ કરનાર બીજો સૌથી મોટો દેશ છે. પરંતુ હજુ ઘણું વધુ હાંસલ કરવાની સંભાવના છે.

રાષ્ટ્રપતિ શ્રી અને હું એ વાતે સંમત થયા છીએ કે,

• જો અમે અમારા વ્યાપારી જોડાણો વધુ ગાઢ બનાવીને જાળવી રાખીએ,

• અન્ય વિવિધ ક્ષેત્રે વેપાર વધારવાના પગલા લઈએ

• અને અમારા રોકાણ અંગેના જોડાણો વધુ વિસ્તારીએ

તો બંને દેશોની અર્થવ્યવસ્થાને લાભ થાય તેમ છે. આને પગલે વધુ આર્થિક સમૃદ્ધિ પણ મળશે. અને, તેમાં સરકારો પોતાની ભૂમિકા ભજવશે, છતાં અમારી વેપાર ભાગીદારી દોરવવામાં મુખ્ય ભૂમિકા અને જવાબદારી વેપારજગતની છે. આ સંદર્ભે, હું આજે દિવસના પછીના હિસ્સામાં ઈન્ડિયા-કેન્યા બિઝનેસ ફોરમ યોજવાનું આમંત્રણ આપું છું. ભારત અને કેન્યા બંને વિકસતા દેશો છે. આપણે બે નવોત્થાન સમાજો પણ ધરાવીએ છીએ. અને, મહત્ત્વની વાત એ છે કે પ્રોસેસ, પ્રોડક્ટ્સ કે ટેકનોલોજીસ, ગમે તે હોય, અમારા સંશોધનો માત્ર અમારા દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રસ્તુત હોય છે. તેનાથી અન્ય વિકસતા દેશોના લોકોના જીવન સુધારવામાં પણ મદદ મળે છે. એમ-પેસાની સફળતા આવા જ એક ઉત્કૃષ્ટ સંશોધનનું ઉદાહરણ છે, જેનાથી વિશ્વના કરોડો લોકો સશક્ત બન્યા છે. બંને તરફથી નવીન ટેકનોલોજીસના વ્યાપારીકરણ માટે સાથે મળીને કામ થઈ રહ્યું છે અને તેમાંથી કેટલાક આજે દિવસના પછીના હિસ્સામાં યોજાનારી બિઝનેસ ફોરમમાં રજૂ કરાશે.

મિત્રો,

વિકાસ માટે બહુમુખી ભાગીદારી, આપણા દ્વિપક્ષીય સંબંધોનો મહત્ત્વનો સ્તંભ છે. આપણી વિકાસની પ્રાથમિકતાઓ એકંદરે સમાન છે. સાચા અને વિશ્વસનીય ભાગીદાર તરીકે, ભારત તેના વિકાસને લગતા અનુભવો અને તજજ્ઞતા, રાહત દરે ધિરાણ તેમજ ક્ષમતાઓ કેન્યાના વિકાસના ધ્યેયો હાંસલ કરવા માટે ઉપલબ્ધ કરાવવા તૈયાર છે. કૃષિ વ્યવસ્થા, ટેક્સ્ટાઈલ્સ અને નાના તેમજ મધ્યમ ક્ષેત્રના વિકાસ માટેના પ્રોજેક્ટો માટે ભારતે આપેલા ધિરાણોનો ઝડપથી અમલ થાય એની અમે રાહ જોઈએ છીએ. અમે છ કરોડ ડોલરના ભારતીય ધિરાણો મારફતે વીજ પરિવહન પ્રોજેક્ટોમાં પ્રગતિને પણ પ્રોત્સાહન આપ્યું છે. કેન્યાના સૌથી સફળ જીઓથર્મલ ક્ષેત્રે તેમજ એલઈડી આધારિત જાહેર માર્ગો પર બત્તીઓની સ્માર્ટ વ્યવસ્થા જેવા ઉર્જા કાર્યક્ષમ પ્રોજેક્ટોના નવા વિસ્તારોમાં અમે સહયોગ સાધીશું. મને એ વાતની જાણ છે કે સ્વાસ્થ્ય સંભાળનું ક્ષેત્રે રાષ્ટ્રપતિ શ્રી ઉહુરુની મહત્ત્વની પ્રાથમિકતા છે. ભારતની ક્ષમતા, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે કેન્યામાં પરવડે તેવી અને કાર્યક્ષમ સ્વાસ્થ્ય સંભાળની વ્યવસ્થા સ્થાપવાની તમારી પ્રાથમિકતાઓ માટે હાથ મિલાવી શકાય તેમ છે. આને પગલે તમારા દેશના નાગરિકોની જરૂરિયાતોને પહોંચી વળાશે એટલું જ નહીં, કેન્યાને પ્રાદેશિક મેડિકલ હબ બનવામાં પણ મદદરૂપ થશે. આ સંદર્ભે, મને એ વાતનો આનંદ છે કે કેન્સરની થેરપી માટેનું અદ્યતન ભારતીય મશીન – ભાભાટ્રોન ટૂંક સમયમાં જ પ્રતિષ્ઠિત કેન્યાટા નેશનલ હોસ્પિટલ પાસે હશે. અમે આવશ્યક દવાઓ અને તબીબી સાધનો પણ કેન્યાની જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાને દાન આપીએ છીએ, જેમાં એઈડ્સની સારવાર પણ સામેલ છે.

મિત્રો,

અમે જોયું છે કે આપણા યુવાનોની સફળતા વિના આપણા સમાજ વિકાસ સાધી શકે નહીં. આ માટે, અમે કેન્યામાં શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ભાગીદાર બનવા તૈયાર છીએ.
મિત્રો,

જ્યારે આપણે આપણા વિકાસ સામેના પડકારો અંગે જાગૃત છીએ, ત્યારે રાષ્ટ્રપતિશ્રીએ અને મેં સલામતિ અને સ્થિરતા અંગે ચિંતા વ્યક્ત કરી. ભારત અને કેન્યા હિંદ મહાસાગર દ્વારા જોડાયેલા છે. અમે બંને સુદ્રઢ દરિયાઈ પરંપરાઓ ધરાવીએ છીએ. એટલે, દરિયાઈ સલામતિ ક્ષેત્રે આપણો ઘનિષ્ઠ સહયોગ, આપણા સંરક્ષણ અને સલામતિ અંગેના જોડાણોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સંરક્ષણ સહયોગ અંગેના સમજૂતી કરાર પર હમણા જ હસ્તાક્ષર થયા છે, જેનાથી અમારી સંરક્ષણ અંગેની વ્યવસ્થાઓ વચ્ચે સંસ્થાકીય સહયોગ વધુ મજબૂત બનશે. તેમાં કર્મચારીઓના આદાન પ્રદાન, તજજ્ઞતા અને અનુભવોની આપ-લે, તાલીમ અને સંસ્થા નિર્માણ, જળ-સર્વેક્ષણ અને સાધનોની સપ્લાયનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિશ્રી અને મેં એ વાત સ્વીકારી છે કે આતંકવાદ અને ઝડપથી વકરી રહેલો કટ્ટરવાદ બંને દેશો અને તેના નાગરિકો, પ્રદેશ અને સમગ્ર વિશ્વનો સમાન પડકાર છે. અમે સાયબર સુરક્ષા, ડ્રગ્સ અને નાર્કોટિક્સ સામેની લડત અને માનવ તસ્કરી જેવા ક્ષેત્રોમાં અમારી સુરક્ષા ભાગીદારી વધુ મજબૂત કરવા સહમત થયા છીએ.

મિત્રો,

ગઈકાલે, રાષ્ટ્રપતિ શ્રી અને મારી વચ્ચે કેન્યામાં ભારતીય ડાયસ્પોરા અંગે અવિસ્મરણીય વાતચીત થઈ હતી. રાષ્ટ્રપતિ શ્રી ઉહુરુએ કહ્યું એમ એમને પોતાના ભારતીય મૂળ માટે પારાવાર મમતા હોવાની સાથે સાથે તેઓ કેન્યાના નાગરિક તરીકે ગર્વ અનુભવે છે. અમારી અર્થવ્યવસ્થાઓ અને લોકો વચ્ચે અમે વધુ ઘનિષ્ઠ જોડાણો સાધી રહ્યા હોવાથી વિશ્વાસનો સંબંધ અને મજબૂત સેતુ રચાયો છે. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે કેન્યાના સમૃદ્ધ સમાજનો ભાગ એવો ગતિશીલ ભારતીય સમાજ આ વર્ષે કેન્યામાં ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા ઉજવશે.
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ઉહુરુ,

અંતે, હું આપનો, કેન્યાની સરકારનો અને તેના લોકોનો મને આપેલા ઉષ્માભર્યા આવકાર માટે ફરીવાર આભાર માનું છું.

અને, ભારતના લોકો અને હું આપને ભારતમાં સત્કારવા આતુર છીએ.

આભાર.

ખૂબ ખૂબ આભાર.

AP/TR/GP