Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીના આગામી અફઘાનિસ્તાન, કતાર, સ્વિત્ઝર્લેન્ડ, યુએસએ અને મેક્સિકોના પ્રવાસ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચોથી જૂન, 2016થી 8મી જૂન, 2016ના દરમિયાન અફઘાનિસ્તાન, કતાર, સ્વિત્ઝર્લેન્ડ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને મેક્સિકોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી શ્રીએ તેમના ફેસબૂક એકાઉન્ટ પરની અનેક પોસ્ટ્સ દ્વારા આ અંગે જણાવ્યું હતું કે “આવતીકાલે હું અફઘાનિસ્તાનની મુલાકાતે જઈશ. હેરાતમાં અફઘાનિસ્તાન-ઈન્ડિયા ફ્રેન્ડશિપ ડેમના ઉદ્ઘાટનમાં હું પ્રમુખ અશરફ ગની સાથે જોડાઈશ. આ ડેમ, અમારી મિત્રતાનું પ્રતિક છે અને તે આશાનો છડીદાર, ઘરોમાં અજવાળું લાવનાર, હેરાતના ફળદ્રુપ ખેતરોને પોષણ આપનાર અને સ્થાનિક લોકોની સમૃદ્ધિ વધારનાર બનશે.

મારા મિત્ર પ્રમુખ અશરફ ગનીને મળવા અને સ્થાનિક પરિસ્થિતિ વિશે માહિતીના આદાન પ્રદાન માટે તેમજ આગામી સમયગાળામાં દ્વિપક્ષીય સહકાર માટેનો એજન્ડા નક્કી કરવા માટે હું આતુર છું.

કતારના હિઝ હાઈનેસ ધ અમિરના આમંત્રણને પગલે ચોથી અને પાંચમી જૂનના રોજ હું કતારની મુલાકાત લઈશ.

હિઝ હાઈનેસ શેખ તામિમ સાથેની મુલાકાતનો મને ઈંતજાર છે, જેમની ગયા વર્ષની મહત્ત્વપૂર્ણ ભારત મુલાકાત દરમિયાન અમારાં સંબંધોમાં નવું જોમ ઉમેરાયું હતું.

આશરે છેલ્લા બે દાયકાથી આપણાં સંબંધો માટે અંગત માર્ગદર્શન આપનારા ફાધર અમિરને મળવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થશે.

આને પગલે વ્યક્તિથી વ્યક્તિનાં સંપર્કો, ઉર્જા, વેપાર અને રોકાણ ભાગીદારીમાં ઊંડાણભર્યાં મૂળ ધરાવતાં મિત્રતાના ઐતિહાસિક જોડાણોને પોષણ મળશે.

હું વર્કર્સ કેમ્પ ખાતે ભારતીય કામદારો સાથે વાતચીત કરીશ અને પોતાના પરસેવા અને કઠોર પરિશ્રમ દ્વારા જેમણે આપણાં સંબંધોનું પોષણ કર્યું છે એવા 6 લાખથી વધુ ભારતીયોમાંથી કેટલાક સભ્યો સાથે વાતચીત કરીશ. હું કતારના વ્યવસાય અગ્રણીઓ સાથે પણ અમારા વેપાર અને રોકાણના સહકારની સંપૂર્ણ શક્યતાઓ પ્રાપ્ત કરવા વાતચીત કરીશ.

પાંચમી જૂનની સાંજે હું યુરોપમાં આપણા મુખ્ય ભાગીદાર એવા સ્વિત્ઝર્લેન્ડની દ્વિપક્ષીય મુલાકાતે જીનિવા પહોંચીશ. આપણા દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ વધુ મજબૂત કરવા માટે હું પ્રમુખ શ્નેઈડર-એમન સાથે વાતચીત હાથ ધરીશ.

જીનિવામાં હું અગ્રણી વ્યાવસાયિકોને મળીશ. અમારો એજન્ડા આર્થિક અને રોકાણનાં જોડાણો વધારવાનો રહેશે. સીઈઆરએન ખાતે કામ કરી રહેલા ભારતીય વૈજ્ઞાનિકોને પણ હું મળીશ. માનવજાતની સેવામાં વિજ્ઞાનની નવી દિશાઓ શોધવામાં તેમના યોગદાન માટે ભારત ગૌરવ અનુભવે છે.

છઠ્ઠી જૂનની સાંજે પ્રમુખ બરાક ઓબામાના નિમંત્રણને પગલે હું દ્વિપક્ષીય મુલાકાતે વોશિંગ્ટન ડીસી પહોંચીશ. સાતમી જૂનના રોજ પ્રમુખ સાથેની મારી મુલાકાતમાં અમે વિવિધ ક્ષેત્રોમાં અમારી વ્યૂહાત્મક ભાગીદારીને નવું જોમ અને વેગ મળે એ માટે હાંસલ કરેલી પ્રગતિનો તાગ મેળવીશું.

યુએસઆઈબીસીની 40મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ને હું સંબોધીશ અને છેલ્લાં બે વર્ષમાં ભારતમાં પુનઃ વિશ્વાસ મૂકનારા અમેરિકાના વેપાર અગ્રણીઓને મળીશ.

હું અમેરિકાના બુદ્ધિજીવિઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરીશ અને ભારતીય પ્રાચીન વસ્તુઓને પરત કરવા નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં હાજરી આપીશ. એર્લિંગ્ટન સેમેટરીની મારી મુલાકાત દરમિયાન અજાણ્યા સૈનિક અને ભારતીય મૂળનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાએ જેમાં જીવ ગુમાવ્યો, તે સ્પેસ શટલ કોલમ્બિયા મેમોરિયલની સમાધિ ખાતે હું પુષ્પાંજલિ અર્પણ કરીશ.

8મી જૂને હું યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરીશ. કોંગ્રેસમેન અને સેનેટર્સને સંબોધન કરવા મને આમંત્રિત કરવા બદલ હું સ્પીકર પોલ રિયાનનો આભાર માનું છું.

અમેરિકાની રાજધાનીની મારી મુલાકાત દરમિયાન હું હાઉસ ઑફ રિપ્રેઝ્નેટેટિવ્ઝ અને સેનેટના સભ્યો સાથે વાતચીત પણ કરીશ, તેમાંના ઘણા ભારતના મૂલ્યવાન મિત્રો છે અને ભારત-અમેરિકા જોડાણોને વધુ મજબૂત બનાવવા દ્રઢતાપૂર્વક પ્રતિબદ્ધ છે.

ભારત અને યુએસએ કુદરતી ભાગીદારો છે, બે ગતિશીલ લોકશાહી છે, જે પોતાની વિવિધતા અને બહુમતિવાદ માટે જાણીતી છે. ભારત અને અમેરિકા વચ્ચેનાં મજબૂત જોડાણો માત્ર આ બે દેશોને જ લાભદાયક નથી, પરંતુ તેનો લાભ સમગ્ર વિશ્વને પણ છે.

આઠમી જૂને મારી મેક્સિકોની યાત્રા દરમિયાન હું પ્રમુખ પેના નિએટોને મળવા આતુર છું. તેઓ લેટિન અમેરિકા પ્રદેશમાં વિશેષાધિકૃત ભાગીદાર છે.

પ્રમુખ પેના નિએટો દૂરગામી સુધારાના છડીદાર છે. હું આપણા અનુભવો એમને જણાવીશ. 30 વર્ષ બાદ મેક્સિકો સાથે આ સૌપ્રથમ પ્રધાનમંત્રી કક્ષાની દ્વિપક્ષીય મુલાકાત હશે. મુલાકાત ટૂંકી હોવા છતાં, ભાગીદારીને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો નોંધપાત્ર એજન્ડા છે.”

J.Khunt