Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ NIIO સેમિનાર ‘સ્વાવલંબન’માં સંબોધન આપ્યું

પ્રધાનમંત્રીએ NIIO સેમિનાર ‘સ્વાવલંબન’માં સંબોધન આપ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે NIIO (નૌકાદળ આવિષ્કાર અને સ્વદેશીકરણ સંગઠન)ના સેમિનાર સ્વાવલંબનમાં સંબોધન આપ્યું હતું.

ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતના સંરક્ષણ દળોમાં આત્મનિર્ભરતાનાં લક્ષ્યની પ્રાપ્તિ એ 21મી સદીના ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આત્મનિર્ભર નૌકાદળ માટે સૌપ્રથમ સ્વાવલંબન (આત્મનિર્ભર) સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તે, આ દિશામાં લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત માટે નવા સંકલ્પો કરવાના આ સમયગાળામાં 75 સ્વદેશી ટેકનોલોજી બનાવવાનો સંકલ્પ પોતાની રીતે જ પ્રેરણાદાયી છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ સંકલ્પ ટૂંક સમયમાં પૂરો થઇ જશે. તેમ છતાં, તેમણે જણાવ્યું હતું કે, આ પોતાની રીતે લેવામાં આવેલું આવું પ્રથમ પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે સ્વદેશી ટેકનોલોજીની સંખ્યામાં સતત વધારો કરવા માટે કામ કરવું પડશે. તમારું લક્ષ્ય એ હોવું જોઈએ કે જ્યારે ભારત તેની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરી રહ્યું હશે, તે સમયે આપણું નૌકાદળ અભૂતપૂર્વ ઊંચાઇએ હોવું જોઇએ.

મહાસાગરો અને ભારતના અર્થતંત્રમાં દરિયાકાંઠાના મહત્વનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય નૌકાદળની ભૂમિકામાં એકધારો વધારો થઇ રહ્યો છે અને આથી નૌકાદળને આત્મનિર્ભર બનાવવામાં આવે તે અત્યંત મહત્વપૂર્ણ છે.

દેશની ગૌરવપૂર્ણ સમુદ્રી પરંપરાને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનું સંરક્ષણ ક્ષેત્ર આઝાદી પહેલાંના સમયમાં પણ ખૂબ જ મજબૂત હતું. આઝાદીના સમયે દેશમાં 18 ઓર્ડનન્સ ફેક્ટરીઓ હતી, જ્યાં આર્ટિલરી ગન સહિત અનેક પ્રકારના સૈન્ય સાધનોનું દેશમાં જ નિર્માણ કરવામાં આવતું હતું. બીજા વિશ્વ યુદ્ધ વખતે ભારત સંરક્ષણ ઉપકરણોનો મહત્વપૂર્ણ નિકાસકર્તા દેશ હતો. તેમણે સવાલ કર્યો હતો કે, ઇશાપુર રાઇફલ ફેક્ટરીમાં બનેલી આપણી હોવિત્ઝર, મશીનગન શ્રેષ્ઠ ગણાતી. આપણે મોટી સંખ્યામાં તેની નિકાસ કરતા હતા. પરંતુ પછી એવું તો શું થયું કે, એક તબક્કે આપણે આ ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા આયાતકાર બની ગયા? તેમણે કહ્યું કે વિશ્વ યુદ્ધના પડકારનો લાભ ઉઠાવનારા દેશો જે પ્રકારે મોટા શસ્ત્ર નિકાસકારો તરીકે ઉભરી આવ્યા હતા તેવી જ રીતે, ભારતે પણ કોરોનાના સમયગાળા દરમિયાન આફતને અવસરમાં ફેરવી દીધી હતી અને અર્થતંત્ર, ઉત્પાદન તેમજ વિજ્ઞાનમાં પ્રગતિ કરી હતી. તેમણે એ હકીકત પર અફસોસ વ્યક્ત કર્યો કે, આઝાદીના પ્રારંભિક દાયકાઓ દરમિયાન સંરક્ષણ ઉત્પાદનના વિકાસ પર કોઇ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને સંશોધન તેમજ વિકાસ ગંભીર રીતે સીમિત થઇ ગયા હતા કારણ કે તે માત્ર સરકારી ક્ષેત્ર સુધી મર્યાદિત હતો. તેમણે કહ્યું હતું કે, આવિષ્કાર કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે અને તે સ્વદેશી હોવું જોઇએ. આયાતી વસ્તુઓ ક્યારેય આવિષ્કારના સ્રોત બની શકે નહીં.તેમણે આયાતી વસ્તુઓ પ્રત્યે રહેલા આકર્ષણની માનસિકતામાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર સંરક્ષણ વ્યવસ્થા અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વ્યૂહાત્મક દૃશ્ટિકોણથી પણ ખૂબ નિર્ણાયક છે. તેમણે કહ્યું હતું કે, દેશે 2014 પછી આ ક્ષેત્રમાં નિર્ભરતા ઘટાડવા માટે મિશન મોડમાં કામ કર્યું છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે સરકારે આપણી જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓને વિવિધ ક્ષેત્રોમાં સંગઠિત કરીને નવી તાકાત આપી છે. આજે અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે અમે IIT જેવી આપણી અગ્રણી સંસ્થાઓને સંરક્ષણ સંશોધન અને આવિષ્કાર સાથે જોડીએ. તેમણે જણાવ્યું હતું કે, વીતેલા દાયકાઓના અભિગમમાંથી શીખીને, આજે અમે દરેકના પ્રયાસોની તાકાત સાથે એક નવી સંરક્ષણ ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યા છીએ. આજે ખાનગી ક્ષેત્ર, શિક્ષણ સંસ્થાઓ, MSME અને સ્ટાર્ટ-અપ્સ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા છે. આનાથી લાંબા સમયથી ખોરંભે પડેલી સંરક્ષણ પરિયોજનાઓમાં નવી ઝડપ આવી છે અને પ્રધાનમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરને તૈનાત કરવા માટે અત્યાર સુધી કરેલી પ્રતિક્ષાનો ટૂંક સમયમાં અંત આવશે.

છેલ્લા આઠ વર્ષમાં સરકારે માત્ર સંરક્ષણ ક્ષેત્રનું બજેટ જ નથી વધાર્યું તેમ નોંધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે આ બજેટ દેશમાં જ સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસમાં ઉપયોગી હોય. આજે, સંરક્ષણ ઉપકરણોની ખરીદી માટે નિર્ધારિત બજેટનો મોટો હિસ્સો ભારતીય કંપનીઓ પાસેથી કરવામાં આવતી ખરીદવામાં ખર્ચવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા 4-5 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રની આયાતમાં લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. તેમણે એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, આજે આપણે સૌથી મોટા સંરક્ષણ આયાતકારથી મોટા નિકાસકાર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ગયા વર્ષે 13 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ કરવામાં આવી હતી જેમાં 70 ટકાથી વધુ નિકાસ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવી હતી. 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હવે રાષ્ટ્રીય સુરક્ષા માટેનાં જોખમો વ્યાપક બની ગયા છે અને યુદ્ધની પદ્ધતિઓ પણ બદલાઇ રહી છે. અગાઉના સમયમાં આપણે માત્ર જમીન, સમુદ્ર અને આકાશમાં જ આપણાં સંરક્ષણની કલ્પના કરતા હતા. હવે આ વર્તુળ અવકાશ તરફ ખસી રહ્યું છે, સાઇબર સ્પેસ તરફ ખસી રહ્યું છે, આર્થિક, સામાજિક ક્ષેત્રો તરફ ખસી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં આપણે ભવિષ્યના પડકારોની અપેક્ષા રાખીને આગળ વધવું પડશે અને તે મુજબ આપણી જાતને બદલવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભરતા આ બાબતે દેશને ઘણી મદદ કરશે.  

પ્રધાનમંત્રીએ નવા જોખમો સામે પણ સૌને ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતના આત્મવિશ્વાસને, આપણી આત્મનિર્ભરતાને પડકારતી શક્તિઓ સામેની લડાઇને વધુ તીવ્ર બનાવવી પડશે. જેમ જેમ ભારત વૈશ્વિક ફલક પર પોતાની જાતને સ્થાપિત કરી રહ્યું છે, તેની સાથે જ ખોટી માહિતી, દુષ્પ્રચાર અને ખોટા પ્રચાર વગેરે દ્વારા સતત હુમલાઓ થઇ રહ્યા છે. વિશ્વાસ રાખીને, ભારતના હિતોને નુકસાન પહોંચાડતી આવી શક્તિઓ, ભલે તે દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમના દરેક પ્રયાસોને નિષ્ફળ બનાવવા પડશે. રાષ્ટ્રીય સંરક્ષણ હવે માત્ર સરહદો પૂરતું સીમિત નથી, પરંતુ તે વધુ વ્યાપક છે. તેથી દરેક નાગરિકને તેના વિશે જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે.તેમણે પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે, આથી, જેમ આપણે આત્મનિર્ભર ભારત માટે સમગ્ર સરકારના અભિગમ સાથે આગળ વધી રહ્યા છીએ, તેવી જ રીતે, રાષ્ટ્રના સંરક્ષણ માટે સમગ્ર રાષ્ટ્રનો અભિગમ એ વર્તમાન સમયની માંગ છે. પ્રધાનમંત્રીએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, ભારતના વિવિધ લોકોની આ સામૂહિક રાષ્ટ્રીય ચેતના સુરક્ષા અને સમૃદ્ધિનો મજબૂત આધાર છે.

NIIO સેમિનાર સ્વાવલંબન

આત્મનિર્ભર ભારતના નિર્માણનો મુખ્ય આધારસ્તંભ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની પ્રાપ્તિ છે. આ પ્રયાસને આગળ વધારવા માટે, આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ‘SPRINT ચેલેન્જીસનો પ્રારંભ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળમાં સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે NIIO, ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (DIO) સાથે મળીને, ભારતીય નૌકાદળમાં ઓછામાં ઓછી 75 નવી સ્વદેશી ટેકનોલોજી/ઉત્પાદનોને સામેલ કરવાનો હેતુ ધરાવે છે. આ સહયોગપૂર્ણ પ્રોજેક્ટનું નામ SPRINT (iDEX, NIIO અને TDAC દ્વારા સંશોધન અને વિકાસમાં પોલ-વૉલ્ટિંગને સમર્થન) રાખવામાં આવ્યું છે.

આ સેમિનારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ભારતીય ઉદ્યોગ અને શિક્ષણવિદોને જોડવાનો છે. બે દિવસીય સેમિનાર (18-19 જુલાઇ) ઉદ્યોગ, શિક્ષણ સંસ્થાઓ, સેવાઓ અને સરકારના અગ્રણીઓને સંરક્ષણ ક્ષેત્ર માટે વિચારવિમર્શ કરવા અને ભલામણો સાથે આગળ આવવા માટે એક સામાન્ય મંચ પર એકજૂથ થવાનું પ્લેટફોર્મ પૂરું પાડશે. આવિષ્કાર, સ્વદેશીકરણ, શસ્ત્રસરંજામ અને ઉડ્ડયન સમર્પિત સત્રો યોજવામાં આવશે. સેમિનારનો બીજો દિવસ સાગર (પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ)ની સરકારની દૂરંદેશીને અનુરૂપ, હિંદ મહાસાગર પ્રદેશ સુધી પહોંચનો સાક્ષી બનશે.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com