પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિર અને ‘ગુજરાતી સમાજ ઑફ હ્યુસ્ટન ઇવેન્ટ સેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ ‘હાવડી મોદી’ કાર્યક્રમ પછી ટેક્સાસ ઇન્ડિયન ફોરમ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં ભારતીય સમુદાય સાથે જોડાયા હતાં.
પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં શાશ્વત ગાંધી સંગ્રહાલયનો શિલાન્યાસ દર્શાવતી તકતીનું અનાવરણ પણ કર્યું હતું.
ઉદ્ઘાટન બાદ એકત્ર થયેલા લોકોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ ‘હાવડી મોદી’નાં આયોજકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્યાં સુધી ભારત અને અમેરિકાનાં સંબંધોની વાત છે, તો તમે ઉજ્જવળ ભવિષ્ય માટે એક મંચ તૈયાર કર્યો છે.”
શાશ્વત ગાંધી સંગ્રહાલય વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સંગ્રાહલય હ્યુસ્ટનનું અમૂલ્ય સાંસ્કૃતિક સીમાચિહ્ન બનશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “હું થોડા સમય માટે આ સંગ્રહાલયના નિર્માણની કામગીરી સાથે જોડાયેલો હતો. આ સંગ્રહાલય મહાત્મા ગાંધીનાં વિચારોને યુવા પેઢી વચ્ચે લોકપ્રિય બનાવશે એવી મને ખાતરી છે.”
પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને પ્રવાસી તરીકે ઓછામાં ઓછા પાંચ પરિવારોને ભારતની મુલાકાત લેવા પ્રેરિત કરવાની અપીલ કરી હતી. તેમણે ભારતીય-અમેરિકન સમુદાયએ જ્યાં પણ જાય ત્યાં પોતાની માતૃભાષા સાથે જોડાયેલા રહેવા માટે અપીલ કરી હતી.
RP