Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં બિલાસપુરના લુહનુમાં રૂ. 3650 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશમાં બિલાસપુરના લુહનુમાં રૂ. 3650 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજમાર્ગ – 105 પર પિંજોરથી નાલાગઢ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવા માટે આશરે 31 કિલોમીટરની લંબાઈ ધરાવતા પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું, જેનું મૂલ્ય રૂ. 1690 કરોડથી વધારે છે. પ્રધાનમંત્રીએ બિલાસપુરમાં એઈમ્સ દેશને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ નાલાગઢ ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેનું નિર્માણ આશરે રૂ. 350 કરોડના ખર્ચે થશે. પ્રધાનમંત્રીએ બંદલામાં સરકારી હાઇડ્રો એન્જિનિયરિંગ કૉલેજનું ઉદઘાટન પણ કર્યું હતું.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વિજયાદશમીનાં પાવન પર્વ પર સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ પાવન પર્વ દરેકને વચનબદ્ધ પંચ પ્રણનાં માર્ગે ચાલવાની નવી ઊર્જા પ્રદાન કરશે અને સાથે-સાથે દરેક અવરોધોને પાર કરશે. તેમણે કહ્યું હતું કે, વિજયા દશમી માટે હિમાચલમાં રહેવાની તક મેળવવાનું સૌભાગ્ય ભવિષ્યની દરેક જીત માટે શુભ સંકેત આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બિલાસપુરને સ્વાસ્થ્ય અને શિક્ષણની બેવડી ભેટ મળી છે. તેમણે કુલ્લુ દશેરામાં ભાગ લેવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ દેશનાં કલ્યાણ માટે ભગવાન રઘુનાથજીને પ્રાર્થના કરશે. પ્રધાનમંત્રીએ જૂના સમયને પણ યાદ કર્યો હતો, જ્યારે તેઓ અને તેમના સાથીઓ આ વિસ્તારમાં કામ કરતા હતા અને રહેતા હતા. તેમણે કહ્યું હતું કે, “હું નસીબદાર છું કે હું હિમાચલ પ્રદેશની વિકાસયાત્રામાં સામેલ રહ્યો છું.”

હિમાચલ પ્રદેશમાં છેલ્લાં થોડાં વર્ષોમાં જે રીતે વિકાસ થયો છે, તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લોકોનો મત જ તમામ વિકાસ માટે સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર પ્રત્યેના લોકોના વિશ્વાસને શ્રેય આપ્યો જેણે તમામ વિકાસ કાર્યોને આગળ ધપાવ્યા છે.

તેમણે કહ્યું કે ઘણા લાંબા સમયથી એવો વિચાર રહ્યો હતો કે શિક્ષણ, રસ્તા, ઉદ્યોગ, હૉસ્પિટલ જેવી સુવિધાઓ મોટાં શહેરો માટે જ છે. જ્યાં સુધી ડુંગરાળ વિસ્તારોની વાત છે, ત્યાં સુધી પાયાની સુવિધાઓ પણ છેલ્લે ત્યાં પહોંચતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી દેશના વિકાસમાં મોટું અસંતુલન ઊભું થયું. તેમણે આગળ કહ્યું કે, હિમાચલ પ્રદેશના લોકોને નાના-નાના મુદ્દાઓ માટે ચંદીગઢ કે દિલ્હી જવાની ફરજ પડી હતી. જો કે, છેલ્લાં 8 વર્ષમાં, ડબલ-એન્જિન સરકારે તે બધું જ બદલી નાખ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે હિમાચલ પ્રદેશ આઇઆઇટી, આઇઆઇએમ અને આઇઆઇઆઇટી જેવી કેન્દ્રીય યુનિવર્સિટીઓથી સજ્જ છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતમાં તબીબી શિક્ષણનું સર્વોચ્ચ સ્થાન હોવાથી બિલાસપુર એઈમ્સ બિલાસપુરનું ગૌરવ વધારશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “છેલ્લાં આઠ વર્ષમાં હિમાચલ પ્રદેશે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.”

પ્રધાનમંત્રીએ સરકારમાં બદલાયેલી કાર્યશૈલી પર પ્રકાશ પાડ્યો હતો, કારણ કે હવે વિવિધ પ્રોજેક્ટનાં લોકાર્પણની સ્પષ્ટ સમયમર્યાદા સાથે શિલારોપણ કરવામાં આવે છે.

રાષ્ટ્રનિર્માણમાં હિમાચલ પ્રદેશનાં પ્રદાન વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, રાજ્ય રાષ્ટ્રની રક્ષામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હવે બિલાસપુરમાં નવી ઉદઘાટન પામેલી એઈમ્સની સાથે તે જીવન રક્ષામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રીએ મહામારીના પડકાર છતાં સમયસર કામગીરી પૂર્ણ કરવા બદલ આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હિમાચલ પ્રદેશનાં લોકો માટે આ ગર્વની ક્ષણ છે, કારણ કે આ ત્રણ રાજ્યોમાંથી એક છે, જેને બલ્ક ડ્રગ્સ પાર્ક માટે પસંદ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ એ ચાર રાજ્યોમાંથી પણ એક છે જેને મેડિકલ ડિવાઇસ પાર્ક માટે પસંદ કરવામાં આવ્યું છે અને નાલાગઢ મેડિકલ ડિવાઇસ પાર્ક આનો ભાગ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ વીરોની ભૂમિ છે અને હું આ ભૂમિનો ઋણી છું.”

પ્રધાનમંત્રીએ ચિકિત્સા પર્યટનનાં પાસા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં અનંત તકો રહેલી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની હવા, પર્યાવરણ અને જડીબુટ્ટી રાજ્ય માટે પુષ્કળ લાભનું સાધન બની શકે છે.

ગરીબો અને મધ્યમ વર્ગ માટે ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતા સુનિશ્ચિત કરવા માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દૂર-સુદૂરનાં સ્થળોએ હૉસ્પિટલો ઉપલબ્ધ કરાવવા અને તબીબી બિલોનો ઓછામાં ઓછો ખર્ચ થાય એ માટે પ્રયાસો થઈ રહ્યા છે. આ જ કારણ છે કે અમે એઈમ્સથી લઈને જિલ્લા હૉસ્પિટલો અને ગામડાંમાં સુખાકારી કેન્દ્રોમાં ક્રિટિકલ કૅર સુધી સીમલેસ કનેક્ટિવિટી પર કામ કરી રહ્યા છીએ.  આયુષ્યમાન ભારત યોજનાથી રાજ્યના મોટાભાગના પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે.  સમગ્ર દેશમાં 3 કરોડથી વધુ દર્દીઓ અને હિમાચલમાંથી દોઢ લાખ લાભાર્થી થયા  છે. સરકારે દેશભરમાં 45,000 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે, જેનાથી દર્દીઓના લગભગ 90,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.  

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકારનો પાયો આપણી માતાઓ, બહેનો અને દીકરીઓને સુખ, સુલભતા, ગરિમા, સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રદાન કરવા પર આધારિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમામ માટે જીવનનું ગૌરવ સુનિશ્ચિત કરવું એ અમારી સરકારની પ્રાથમિકતા છે.” તેમણે માતા-બહેનોનાં સશક્તીકરણ માટે શૌચાલય નિર્માણ, મફત ગેસ કનેક્શન, સેનિટરી પેડ વિતરણ યોજના, માતૃ વંદના યોજના અને હર ઘર જલ અભિયાન જેવાં પગલાંઓની યાદી આપી હતી.

પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી અને તેમની ટીમને કેન્દ્રીય યોજનાઓનો જુસ્સા અને ઝડપથી અમલ કરવા બદલ તથા તેનો વ્યાપ વધારવા બદલ પણ પ્રશંસા કરી હતી. તેમણે હર ઘર જલ જેવી યોજનાઓ અને પેન્શન જેવી સામાજિક સુરક્ષા યોજનાઓનાં અમલીકરણની ઝડપની પ્રશંસા કરી હતી.  એ જ રીતે, હિમાચલના ઘણા પરિવારોને વન રેન્ક વન પેન્શનનો મોટો લાભ મળ્યો છે.  તેમણે સોએ સો ટકા કોરોના રસીકરણ પૂર્ણ કરનાર પ્રથમ રાજ્ય હોવા બદલ આ રાજ્યની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હિમાચલ અવસરોની ભૂમિ છે.” તેમણે દરેકને માહિતી આપી હતી કે, રાજ્ય વીજળીનું ઉત્પાદન કરે છે, ફળદ્રુપ જમીન ધરાવે છે અને પ્રવાસનને કારણે રોજગારીની અનંત તકો ધરાવે છે. પ્રધાનમંત્રીએ પીડા વ્યક્ત કરી હતી કે તે વધુ સારી કનેક્ટિવિટીનો અભાવ હતો જેણે આ તકોની સામે સૌથી મોટા અવરોધ તરીકે કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “વર્ષ 2014થી હિમાચલ પ્રદેશમાં ગામે-ગામ શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.” પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, હિમાચલના રસ્તાઓને પહોળા કરવાનું કામ પણ ચારે બાજુ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “અત્યારે હિમાચલમાં કનેક્ટિવિટીનાં કાર્યો પર આશરે રૂ. 50,000 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પિંજોરથી નાલાગઢ હાઇવેને ચાર માર્ગીય બનાવવાનું કામ પૂર્ણ થશે, ત્યારે નાલાગઢ અને બડ્ડીના ઔદ્યોગિક વિસ્તારોને ન માત્ર લાભ મળશે, પરંતુ ચંદીગઢ અને અંબાલાથી બિલાસપુર, મંડી અને મનાલી તરફ જતા મુસાફરોને પણ તેનો લાભ મળશે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, હિમાચલના લોકોને વળાંકવાળા માર્ગોમાંથી મુક્ત કરવા માટે ટનલનું એક નેટવર્ક પણ પાથરવામાં આવી રહ્યું છે.”

ડિજિટલ ઇન્ડિયામાં લેટેસ્ટ ઘટનાક્રમ તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હિમાચલમાં ડિજિટલ કનેક્ટિવિટીના સંબંધમાં પણ અભૂતપૂર્વ કામગીરી થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, “છેલ્લાં 8 વર્ષમાં મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન્સ સસ્તાં પણ થયાં છે અને ગામડાંઓમાં નેટવર્ક પણ લાવ્યું છે.” હિમાચલ પ્રદેશ પણ વધુ સારી ૪જી કનેક્ટિવિટીને કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, “જો ડિજિટલ ઇન્ડિયાથી જો કોઈને સૌથી વધુ લાભ થઈ રહ્યો છે, તો તે તમે છો, હિમાચલના લોકો.” પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આનાથી ચૂકવણીનાં બિલ, બૅન્ક સાથે સંબંધિત કામગીરી, પ્રવેશ, અરજીઓ વગેરેમાં બહુ ઓછો સમય લાગે છે.

દેશમાં 5જી વિકાસ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હવે દેશમાં પ્રથમ વખત મેડ ઇન ઇન્ડિયા 5જી સેવાઓ પણ શરૂ થઈ છે અને તેનો લાભ હિમાચલને ખૂબ જ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.” તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં ડ્રોનના નિયમોમાં ફેરફાર થયા બાદ ટ્રાન્સપોર્ટેશન માટે તેનો ઉપયોગ ઘણો વધવાનો છે ત્યારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પર્યટન ક્ષેત્રને પણ આનો મોટો ફાયદો મળશે. તેમણે હિમાચલ પ્રદેશની ડ્રોન નીતિ સાથે બહાર આવનારું પહેલું રાજ્ય હોવા બદલ પ્રશંસા કરી. તેમણે ઉમેર્યું હતું કે, “અમે એવા પ્રકારના વિકાસ માટે પ્રયાસરત છીએ, જે દરેક નાગરિકની સુવિધામાં વધારો કરે અને દરેક નાગરિક સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય. આ બાબત વિકસિત ભારત અને વિકસિત હિમાચલ પ્રદેશના સંકલ્પને સિદ્ધ કરશે”, એમ તેમણે સમાપન કર્યું હતું.

આ પ્રસંગે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જય રામ ઠાકુર, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા અને સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુરેશ કુમાર કશ્યપ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

હિમાચલ પ્રદેશમાં વિવિધ પરિયોજનાઓ

પિંજોરથી નાલાગઢ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને રાષ્ટ્રીય રાજમાર્ગ – 105 પર ચાર માર્ગીય બનાવવા માટેનો 31 કિલોમીટરનો લાંબો પ્રોજેક્ટ, જેનો શિલાન્યાસ આજે કરવામાં આવ્યો હતો, તે રૂ. 1690 કરોડથી વધુનો છે. પ્રોજેક્ટ રોડ અંબાલા, ચંદીગઢ, પંચકુલા અને સોલન/શિમલાથી બિલાસપુર, મંડી અને મનાલી તરફ જતા ટ્રાફિક માટે મુખ્ય જોડાણ કડી છે. આ ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો લગભગ 18 કિલોમીટરનો વિસ્તાર હિમાચલ પ્રદેશ હેઠળ આવે છે અને બાકીનો ભાગ હરિયાણામાં આવે છે. આ ધોરીમાર્ગ હિમાચલ પ્રદેશનાં ઔદ્યોગિક કેન્દ્ર નાલાગઢ-બડ્ડીમાં પરિવહનની વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરશે અને આ વિસ્તારમાં વધુ ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે. તેનાથી રાજ્યમાં પર્યટનને પણ વેગ મળશે.

એઈમ્સ બિલાસપુર

સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીનું વિઝન અને પ્રતિબદ્ધતાને એઇમ્સ બિલાસપુર દેશને સમર્પિત કરીને ફરીથી પ્રદર્શિત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જ ઑક્ટોબર, 2017માં આ હૉસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો અને તેની સ્થાપના કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ થઈ રહી છે.

એઈમ્સ બિલાસપુર રૂ. 1470 કરોડથી વધારેના ખર્ચે નિર્મિત અત્યાધુનિક હૉસ્પિટલ છે, જેમાં 18 સ્પેશિયાલિટી અને 17 સુપર સ્પેશિયાલિટી વિભાગ, 18 મોડ્યુલર ઓપરેશન થિયેટર અને 64 આઇસીયુ બૅડ્સ સાથે 750 પથારીઓ છે. 247 એકરમાં ફેલાયેલી આ હૉસ્પિટલ 24 કલાકની ઇમરજન્સી અને ડાયાલિસિસ સુવિધાઓ, અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ વગેરે જેવાં આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર તથા 30 પથારીવાળા આયુષ બ્લોકથી સજ્જ છે. આ હૉસ્પિટલે હિમાચલ પ્રદેશના આદિજાતિ અને દુર્ગમ આદિજાતિ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ આરોગ્ય કેન્દ્રની પણ સ્થાપના કરી છે. આ ઉપરાંત હૉસ્પિટલ દ્વારા કઝા, સલુની અને કેલોંગ જેવા દુર્ગમ આદિવાસી અને ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં આરોગ્ય શિબિરો દ્વારા નિષ્ણાત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ હૉસ્પિટલ દર વર્ષે એમબીબીએસ અભ્યાસક્રમો માટે ૧૦૦ વિદ્યાર્થીઓ અને નર્સિંગ અભ્યાસક્રમો માટે ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.

સરકારી હાઇડ્રો એન્જિનિયરિંગ કૉલેજ, બાંદલા

પ્રધાનમંત્રીએ બંદલામાં સરકારી હાઇડ્રો એન્જિનિયરિંગ કૉલેજનું ઉદઘાટન કર્યું હતું. આશરે રૂ. 140 કરોડનો ખર્ચ ધરાવતી આ કૉલેજ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે પ્રશિક્ષિત માનવબળ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે, જેમાં હિમાચલ પ્રદેશ અગ્રણી રાજ્યોમાંનું એક છે. તે યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં મદદ કરશે અને હાઇડ્રોપાવર ક્ષેત્રમાં રોજગારીની પર્યાપ્ત તકો પ્રદાન કરશે.

મેડિકલ ડિવાઇસ પાર્ક, નાલાગઢ
પ્રધાનમંત્રીએ નાલાગઢ ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું, જેનું નિર્માણ આશરે રૂ. 350 કરોડના ખર્ચે થશે. આ મેડિકલ ડિવાઇસ પાર્કમાં ઉદ્યોગો સ્થાપવા માટે રૂ. 800 કરોડથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટથી આ વિસ્તારમાં રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો થશે.

YP/GP/JD