Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડેના રોજ સનદી અધિકારીઓને એવોર્ડસ આપ્યા, સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ સિવિલ સર્વિસીસ ડેના રોજ સનદી અધિકારીઓને એવોર્ડસ આપ્યા, સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 11મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી પર સનદી અધિકારીઓને એવોર્ડ એનાયત કર્યા હતા અને સંબોધન કર્યું હતું.

આ દિવસને “રીડેડિકેશન” (પુનઃપ્રતિબદ્ધતા) ગણાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સનદી અધિકારીઓ તેમની તાકાત અને ક્ષમતાઓ, પડકારો અને જવાબદારીઓથી સારી રીતે વાકેફ છે.

તેમણે જણાવ્યું હતું કે, અત્યારે પ્રવર્તમાન સ્થિતિસંજોગો બે દાયકા અગાઉના સ્થિતિસંજોગોથી અલગ છે તથા આગામી થોડા વર્ષોમાં ઝડપથી બદલાશે. આ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અગાઉ ચીજવસ્તુઓ અને સેવાઓની એકમાત્ર પ્રદાતા સરકાર હતી, જેથી કોઈ ચીજવસ્તુઓની ખેંચની અવગણના કરવા માટે ઘણો અવકાશ હતો. જોકે હવે લોકો માને છે કે સરકારની સરખામણીમાં ખાનગી ક્ષેત્ર વધારે સારી સેવા ઓફર કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાંક ક્ષેત્રોમાં વિકલ્પો ઉપલબ્ધ હોવાથી સરકારી અધિકારીઓની જવાબદારીઓમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વધારો કામના અવકાશની દ્રષ્ટિએ જ નથી, પણ પડકારો સાથે પણ સંબંધિત છે.

પ્રધાનમંત્રીએ સ્પર્ધાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેના પગલે ગુણવત્તામાં ફેરફાર થયો છે. તેમણે કહ્યું હતું કે, જેટલી ઝડપથી સરકાર નિયમનકારમાંથી સક્ષમકર્તામાં પરિવર્તિત થઈ શકશે, તેટલી જ ઝડપથી સ્પર્ધાનો આ પડકાર તકમાં ફેરવાઈ જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રવૃત્તિ ક્ષેત્રમાં સરકારની ગેરહાજરી દેખાવી જોઈએ, ત્યારે પ્રવૃત્તિ ક્ષેત્રમાં સરકારીની હાજરી બોજરૂપ ન બનવી જોઈએ. તેમણે સનદી અધિકારીઓને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા કહ્યું હતું.

સિવિલ સર્વિસ ડે એવોર્ડ માટે ગયા વર્ષે 100 અરજીઓ મળી હતી, જ્યારે ચાલુ વર્ષે 500થી વધારે અરજીઓ મળી હતી. તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હવે ગુણવત્તા સુધારવા અને ઉત્કૃષ્ટ કામગીરીને આદત બનાવવા ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.

પ્રધાનમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે, યુવાન અધિકારીઓની નવીનતા આડે અનુભવ ભારરૂપ ન બનવો જોઈએ.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સનદી સેવાઓની સૌથી મોટી તાકાત ગુપ્તતા છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે સોશિયલ મીડિયા આ તાકાતમાં ઘટાડા તરફ ન દોરી જવી જોઈએ, ભલે સોશિયલ મીડિયા અને મોબાઇલ ગવર્નન્સનો ઉપયોગ લોકોને લાભ અને સરકારી યોજનાઓ સાથે જોડાણ કરવા થતો હોય.

“રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ (સુધારો, કામગીરી અને પરિવર્તન)”ના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુધારા માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર પડશે, પણ આ ફોર્મ્યુલેશનના “કામગીરી”નો ભાગ સનદી અધિકારીઓએ અદા કરવો પડશે, ત્યારે પરિવર્તન તો લોકોની સહભાગીદારી સાથે જ થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સનદી અધિકારીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક નિર્ણય રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે અને આ નિર્ણય લેવા માટે રાષ્ટ્રહિત જ સર્વોપરી છે.

વર્ષ 2022ને આઝાદીના 75માં વર્ષ તરીકે ઉજવવામાં આવશે, એ વાતને યાદ કરીને તેમણે સનદી અધિકારીઓને સ્વતંત્રતા સેનાનીઓના સ્વપ્નને સાકાર કરવા ઉદ્દીપકની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

J.Khunt/TR