Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશનાં જિલ્લા કલેક્ટર્સને વીડિયો કોન્ફરન્સ મારફતે “ન્યૂ ઇન્ડિયા – મંથન”ની થીમ પર સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સમગ્ર દેશનાં જિલ્લા કલેક્ટર્સને “ન્યૂ ઇન્ડિયા – મંથન” થીમ પર સંબોધન કર્યું હતું. ઐતિહાસિક ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠની ઉજવણીનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટર્સ સાથે આ પ્રકારનું આદાનપ્રદાન હતું, જેનો ઉદ્દેશ પાયાનાં સ્તરે “ન્યૂ ઇન્ડિયા – મંથન”ને પ્રોત્સાહન આપવાનો હતો.

 

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, 9મી ઓગસ્ટની તારીખ “સંકલ્પ થી સિદ્ધ” – “એચિવમેન્ટ થ્રૂ રિઝોલ્વ” મંત્ર સાથે જોડાયેલ છે. તેમણે જણાવ્યું હતું કે, આ તારીખ કે દિવસ યુવા પેઢીની શક્તિ, સામર્થ્ય અને મહત્ત્વાકાંક્ષાનું પ્રતીક છે.

 

શ્રી નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનને યાદ કરીને જણાવ્યું હતું કે, આ આંદોલનની શરૂઆતમાં દેશનાં વરિષ્ઠ નેતાઓની બ્રિટિશ સરકારે ધરપકડ કરી હતી અને પછી સમગ્ર દેશનાં યુવાનોએ આ આંદોલનને આગળ ધપાવ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે યુવાનો નેતૃત્વ લે છે, ત્યારે લક્ષ્યાંકો ચોક્કસ પાર પડે છે. તેમણે કલેક્ટર્સને તેમનાં જિલ્લાનાં જ નહીં, પણ એ વિસ્તારનાં યુવાનોનાં પ્રતિનિધિ ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, કલેક્ટર્સ નસીબદાર છે, કારણ કે તેમને દેશની સેવા કરવાની તક મળી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક વ્યક્તિ, દરેક કુટુંબ, દરેક સંસ્થાને વર્ષ 2022 સુધીમાં હાંસલ કરી શકાય તેવા ચોક્કસ લક્ષ્યાંકો નિર્ધારિત કરવા જણાવે છે. તેમણે કહ્યું હતું કે, પોતાનાં જિલ્લાઓનાં પ્રતિનિધિઓ તરીકે કલેક્ટર્સે અત્યારે નિર્ણય લેવો પડશે કે તેઓ વર્ષ 2022માં તેમનાં જિલ્લાઓને ક્યાં જોવા ઇચ્છે છે, ક્યા અવરોધોનો સફળતાપૂર્વક સામનો કરવો પડશે અને કઈ સેવાઓ સુનિશ્ચિત કરવી પડશે.

 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કેટલાંક જિલ્લાઓ વીજળી, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત સેવાઓમાં હંમેશા પાછળ રહે છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 100 અતિ પછાત જિલ્લાઓમાં સામાજિક-આર્થિક સ્થિતિઓમાં સુધારો થશે, ત્યારે દેશનાં વિકાસનાં તમામ માપદંડોને મોટું પ્રોત્સાહન મળશે. આ સ્થિતિ આ જિલ્લાઓનાં કલેક્ટર્સ પર યુદ્ધનાં ધોરણે કામ કરવાની જવાબદારી સુપરત કરે છે.

 

પ્રધાનમંત્રીએ જે જિલ્લાઓમાં કોઈ ખાસ ક્ષેત્ર કે યોજનામાં સારાં પરિણામો હાંસલ થયાં હોય એનું અનુકરણ કરવા અને શ્રેષ્ઠ કામગીરીને વિસ્તૃત કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

 

પ્રધાનમંત્રીએ કલેક્ટર્સને 15 ઓગસ્ટ અગાઉ તેમનાં જિલ્લા માટે વિઝન ડોક્યુમેન્ટ કે રિઝોલ્યુશન ડોક્યુમેન્ટ તૈયાર કરવા જિલ્લાનાં સાથીદારો, બૌદ્ધિકો પાસેથી મદદ મેળવવા તથા શાળા અને કોલેજોનાં વિદ્યાર્થીઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું. આ રિઝોલ્યુશન ડોક્યુમેન્ટમાં વર્ષ 2022 સુધી હાંસલ થાય તેવા લાગતાં 10 કે 15 ઉદ્દેશો સામેલ હોવા જોઈએ.

 

પ્રધાનમંત્રીએ કલેક્ટર્સને વેબસાઇટ www.newindia.inની જાણકારી આપી હતી – જે ‘સંકલ્પ થી  સિદ્ધિ’ અભિયાન સાથે સંબંધિત માહિતી અને પ્રવૃત્તિઓ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, જેમ તેઓ કલેક્ટર્સ સાથે મંથન કરે છે, તેમ કલેકટર જિલ્લાઓમાં આવી પ્રવૃત્તિ કરી શકે છે.

 

પ્રધાનમંત્રીએ ન્યૂ ઇન્ડિયા વેબસાઇટ વિશે મહત્ત્વપૂર્ણ ખાસિયતોનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે સ્વતંત્રતા સંગ્રામ પર ઓનલાઇન ક્વિઝ અને ‘સંકલ્પ થી સિદ્ધિ’ અભિયાનનાં ભાગરૂપે આયોજિત વિવિધ કાર્યક્રમો પર વિસ્તૃત કેલેન્ડર.

 

પ્રધાનમંત્રીએ જિલ્લામાં વિકાસલક્ષી કાર્યની સરખામણી રીલે રેસ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેમ રીલે રેસમાં અંતિમ ઉદ્દેશ રેસ જીતવાનો હોય છે અને છડી એક એથલીટ પાસેથી બીજા એથલીટને પાસ થાય છે, તેમ વિકાસની છડી એક કલેક્ટર પાસેથી આગામી કલેક્ટરને સફળતાપૂર્વક પાસ થવી જોઈએ.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઘણી વખત યોજનાઓ ઇચ્છિત લક્ષ્યાંકો પાર પાડવામાં નિષ્ફળ નિવડે છે, જે માટે લોકોની તેનાં વિશેની અજ્ઞાનતા જ જવાબદાર હોય છે. તેમણે કહ્યું હતું કે, કલેક્ટર્સે એલઇડી બલ્બ, ભીમ એપ વગેરે જેવી પહેલોનાં લાભ વિશે લોકોને જાગૃત કરવા જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ જ રીતે સ્વચ્છ ભારત અભિયાનનો આધાર જવાબદાર વહીવટીતંત્ર અને લોકો વચ્ચે જાગૃતિ પર છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંબંધમાં સાચો ફેરફાર જનતાની ભાગીદારી મારફતે જ આવી શકે.

 

પ્રધાનમંત્રીએ કલેક્ટર્સને ફાઇલ્સમાંથી બહાર આવવા અને ફિલ્ડમાં જઈને વાસ્તવિક સ્થિતિસંજોગો સમજવા અપીલ કરી હતી, જેમ કે જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓની સ્થિતિ. તેમણે કહ્યું હતું કે, કલેક્ટર જિલ્લાની મુલાકાત વધારે લેશે, તેમ તેઓ ફાઇલ પર વધારે કામ કરી શકશે. પ્રધાનમંત્રીએ જીએસટી પર કલેક્ટર્સને તેમનાં જિલ્લાઓમાં વેપારીઓને આ પરોક્ષ કેવી રીતે “સારો અને સરળ કરવેરો” છે એ સમજાવવા જણાવ્યું હતું. તેમણે કલેક્ટર્સને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે, દરેક વેપારીનું રજિસ્ટ્રેશન જીએસટી હેઠળથાય. તેમણે તેમનાં જિલ્લામાં તમામ ખરીદી માટે સરકારી ઇ-માર્કેટપ્લેસનો લાભ લેવા પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીનાં એ સંદેશને યાદ કર્યો હતો કે, શાસનનો છેવટનો લક્ષ્યાંક દરિદ્રનારાયણનાં જીવનની સ્થિતિ સુધારવાનો હોવો જોઈએ. તેમણે કલેક્ટર્સને પોતાને દરરોજ એ પ્રશ્ર પૂછવા વિનંતી કરી હતી કે, તેમણે ગરીબોનાં જીવનમાં પરિવર્તન આવે તેવી કોઈ કામગીરી કરી છે? તેમણે કલેક્ટર્સને પોતાની ફરિયાદો લઈને મળતાં ગરીબોની વાતને કાળજીપૂર્વક સાંભળવાની અપીલ કરી હતી.

 

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં અંતે જણાવ્યું હતું કે, જિલ્લાં કલેક્ટર્સ યુવાન અને સક્ષમ છે તથા તેઓ તેમનાં જિલ્લામાં વર્ષ 2022માં નવા ભારતનાં નિર્માણ માટે વિવિધ સંકલ્પો લઈ શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમનાં સંકલ્પો હાંસલ થશે અને આ પ્રક્રિયામાં દેશ પણ નવી સફળતાઓ મેળવશે.

 

J.Khunt